ડીબિયર્સએ વેનેટીયા ખાણ વિસ્તરણની કામગીરી 54% પુર્ણ કરી : પ્રતિ વર્ષ 4.5-મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન મેળવવાનું ડીબિયર્સનું લક્ષ્ય

21

DIAMOND TIMES –દક્ષિણ આફ્રિકાના ઉત્તર-પૂર્વ ખૂણામાં લિમ્પોપો પ્રાંતમાં લિમ્પોપો નદીની 32 કિમી દક્ષિણે ઉત્તરીય ટ્રાન્સવાલમાં આવેલી ડીબિયર્સની માલીકીની વેનેટીયા ખાણની વિસ્તરણની કામગીરી ડીબિયર્સએ 54% પૂર્ણ કરી લીધી હોવાના અહેવાલ છે.વેનેટીયા ખાણ 1992માં શરૂ કરવામાં આવી હતી અને દક્ષિણ આફ્રિકાના કુલ વાર્ષિક રફ ઉત્પાદનમાં વેનેટીયા ખાણનો 40 ટકા જેટલો જંગી હિસ્સો હતો.

વર્ષ 1903ની શરૂઆતમાં વેનેટીયા ખાણ વિસ્તારમાં હીરાના ખડકો મળી આવ્યા હતા.ત્યારબાદ ડીબિયર્સ ગ્રૂપે હીરાના સ્ત્રોતને શોધવા માટે 1969માં નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી.પરિણામે વર્ષ 1980માં કિમ્બરલાઇટ પાઈપો મળી આવતા વર્ષ 1993માં હીરા ઉત્પાદનની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.

મીડિયા અહેવાલો અનુસાર વેનેટીયા અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ (VUP) વિસ્તરણની કામગીરી માટે ડીબિયર્સએ 2.2-બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.ખાણ વિસ્તરણની કામગીરીથી વેનેટીયા ખાણનું આયુષ્ય 23 વર્ષ વધારીને વર્ષ 2046 સુધી પહોંચાડવામાં આવશે. પ્રોજેક્ટ ડિરેક્ટર એલન રોડેલએ જણાવ્યું હતું કે અમારી ટીમે COVID-19 વચ્ચે પણ છેલ્લા બે વર્ષમાં અદ્ભુત કામ કર્યું છે.આ ખાણને 2024થી કાર્યવંતિત કરી પ્રતિ વર્ષ 4.5-મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન મેળવવાનું ડીબિયર્સનું લક્ષ્ય છે.