ભારતનો દરેક યુવાન સેવાના શુભ સંકલ્પ સાથે સેવાકાર્ય કરશે તો દેશમાં એક પણ સમસ્યા નહીં રહે
DIAMOND TIMES -કોરોનાની સેકન્ડ વેવને કારણે દેશભરમાં આરોગ્ય તંત્રની હાલત કફોડી થઇ ગઇ છે. સુરત સહિત દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી.એવામાં કોરોનાના કેટલાક દર્દીઓ હોમ કોરન્ટાઇન થઇને જ ઘરે સારવાર લઇ રહયા હતા.સ્વાભાવિક છે કે હોસ્પિટલમાં જ્યારે ઓકિસજનની તંગી હોય ત્યારે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત તો અત્યંત દયનિય બની ગઈ હતી.
આવી વિકટ સ્થિતિમાં કોરોનાના દર્દીઓ માટે સેવાકાર્ય શરૂ કરનાર મનિષ કાપડીયાએ કહ્યુ કે ઓકિસજનની બોટલની વ્યવસ્થા કરી આપવા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી દરરોજ આવતા ફોન કોલ્સને કારણે ઓકિસજનના બોટલોની અછતની ગંભીરતા સમજાઇ હતી.આવા દર્દીઓને મદદરૂપ થવાના ભાગરૂપે મિત્ર વર્તુળો તેમજ પરિચિતોને વોટ્સએપ ઉપર મોકલેલો મેસેજ કામ કરી ગયો,કારણ કે દાતાઓ તરફથી ઓકિસજનની બોટલો માટે દાન મળતું ગયું હતું.
મનિષ કાપડીયાએ વધુમાં કે સુરત ઉપરાંત અમેરિકા અને દુબઇથી પણ મિત્રોએ ઓકિસજનની બોટલો માટે યથાશકિત દાન આપ્યું છે.મે ઓકિસજનની ૧૦૦ બોટલો જરૂરિયાતમંદોને પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો.ધીમે ધીમે ૭ર ઓકિસજનની બોટલો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના આઇસોલેશન સેન્ટરમાં પહોંચાડવામાં આવી હતી.ઉપરાંત અમેરિકામાંથી ૩ર ઓકિસજન કોન્સન્ટ્રેટર મંગાવીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા છે.
મનિષ કાપડીયા કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે કાર્યરત આઇસોલેશન સેન્ટરમાં 18 કલાક સેવા આપે છે. નિષ્ણાંત તબીબો,નર્સિંગ સ્ટાફ અને યુવા મિત્રોની 100 લોકોની ટીમ ખડેપગે છે.તેઓ કહે છે કે બેચ વાઇઝ તમામ મિત્રોને કામગીરી સોંપવામાં આવી છે. જેથી કોઇપણ દર્દીને કે તેમના તેના સગાને અગવડ ન પડે.દર્દીઓને પૌષ્ટીક આહારની સાથે આરટીપીસીઆર રિપોર્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.એમ્બ્યુલન્સની સગવડ સાથેના પ૪ બેડના આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં ર૬ર જેટલા કોરોનાના દર્દીઓએ સારવાર લીધી છે. આનંદની વાત તો છે કે એક પણ દર્દીએ જીવ ગુમાવ્યા વગર કોરોનામુકત થઇને સ્વજનની સાથે હેમખેમ ઘરે પરત ફર્યા છે.