રત્નકલાકારોને કારખાને આવન -જાવન માટે સરળતા રહે તે અંગે પોલીસ કમિશનરે આપ્યુ સુચન

DIAMOND TIMES – વરાછા-કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેના નિરાકરણ માટે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.જેમાં લોકોએ ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરતા પોલીસ કમિશનરે લોક દરબારમાં જ કેટલાક સૂચનો કર્યા હતા.

લોક દરબારમાં વરાછા-કાપોદ્રા વિસ્તારના સામાજીક આગેવાનો, ડાયમંડ એસોસિએસનના હોદ્દેદારો,વિવિધ સોસાયટી ના પ્રમુખો તેમજ વરાછા-કાપોદ્રામાં વિવિધ કારણોસર અરજી કરનાર અરજદારો મળીને આશરે 150 જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

સુરત પોલીસ કમિશનરે હીરાના કારખાનેદારો સાથે પરામર્શ કરીને કારીગરોને કામ ઉપર બોલાવવાના સમયમાં જરૂરી અંતરાલ રાખવા સુચન કરતા કહ્યુ કે કારીગરોને કારખાને આવન-જાવન માટે અલગ અલગ ત્રણ વિભાગમાં સમય નિર્ધારીત કરવો જોઇએ.જેથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવવાની સાથે રત્નકલાકારોને પણ સરળતા રહી શકે.

પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું સરળતાથી સંચાલન થાય તે માટે સિનિયર સિટીઝનોને સ્વૈચ્છિક રીતે પોલીસને મદદરૂપ થવા આગળ આવવા પણ પોલીસ કમિશનરે અપીલ કરી હતી.ટ્રાફિક સમસ્યાવાળા સ્થળોએ ટ્રાફિક નિયમન કરવા માટે ટ્રાફિક શાખામાંથી વધુ મહેકમ ફાળવા સૂચનો કર્યા હતા.જરૂર જણાય ત્યાં ડાયવર્ઝન આપવાની પણ વાત કરી હતી.