યુએસના ટેરિફ વૃદ્ધિ પ્રસ્તાવ અંગે કોલિન શાહને વારંવાર કેમ સતાવી રહી છે ચિંતા ?

1003

DIAMOND TIMES – અમેરીકામા નિકાસ થતી ભારતની સોના-ચાંદીની ઝવેરાત, પ્રેસિયેસ અને સેમિપ્રેસિયેસ સ્ટોન , કલ્ચર મોતી અને તેની જ્વેલરી સહીત કુલ 17 જેટલી આઇટમ્સ પર 25 ટકા જંગી આયાત ટેક્સ વસુલવાના અમેરીકાની સરકારના ફતવા અંગે જીજેઇપીસીના અધ્યક્ષ કોલિનશાહે તાજેતરમાં પુન: ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યુ કે અમેરીકા ના ઉપરોક્ત પગલાથી ભારતમાથી અમેરીકામાં થતી દાગીનાની નિકાસ પર ભારે અસર પડી શકે તેમ છે. ઉપરાંત ભારત નો જવેલરી મેન્યુફેકચરીંગ ઉદ્યોગ કટર હરીફ ચીન અને મેક્સિકોમાં સ્થાનાંતરિત થવાની સંભાવનાઓ વચ્ચે જ્વેલરી સેકટર્સમાં બેરોજગારી વધવાની પણ ભીતી રહેલી છે.

શુ છે સમગ્ર મામલો ?

અમેરીકાની કેટલીક ઈકોમર્સ કંપનીઓ પર ભારત સરકારે 2.5 ટકા સર્વિસ ટેક્સ લગાવ્યો છે.જેનો બદલો લેવાના આશયથી અમેરીકાની સરકારના ઇશારે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ​​ (USTR) દ્વારા ભારતને ટાર્ગેટ બનાવી અમેરીકામા નિકાસ થતી ભારતની સોના-ચાંદીની ઝવેરાત,પ્રેસિયેસ અને સેમિપ્રેસિયેસ સ્ટોન,કલ્ચર મોતી અને તેની જ્વેલરી સહીત કુલ 17 જેટલી આઇટમ્સ પર 25 ટકા જંગી આયાત ટેક્સ વસુલવાની ઘોષણા કરી છે.ઉલ્લેખનિય છે કે અમેરીકાના ઉપરોક્ત પ્રસ્તાવ વિરૂધ્ધ ભારતના વ્યાપારિક સંગઠનો દ્વારા સામુહીક રીતે અસરકારક રજુઆત થતા અમેરીકાએ તેમના ઉપરોક્ત નિર્ણયને આગામી કેટલાક દીવસો સુધી મુલતવી રાખ્યો છે.જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો,પરંતુ તેને સ્થગિત કરવામાં આવ્યો છે. પરિણામે કહી શકાય કે આ કાયદાને લઈને ભારતના જ્વેલરી ઉદ્યોગ પર હજુ પણ લટકતી તલવાર છે.

જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહને વારંવાર એ ચિંતા સતાવી રહી છે કે હાલમાં તો અમેરીકાએ માત્ર સોના-ચાંદીની ઝવેરાત,પ્રેસિયેસ અને સેમિપ્રેસિયેસ સ્ટોન,કલ્ચર મોતી અને તેની જ્વેલરી સહીત કુલ 17 જેટલી આઇટમ્સ પર જ આયાત ટેરીફની જાહેરાત કરી છે.પરંતુ આગામી દીવસોમાં અમેરીકા હીરા સહીત જ્વેલરીની અન્ય આઈટમ્સ ઉપર પણ આયાત ડયૂટી લાગુ કરી શકે છે.ટૂંકમા ડોશી મરી જાય તેનો વાંધો નથી,પરંતુ જમ ઘર ભાળી જાય તેની ચિંતા સતાવી રહી છે.

અમેરિકી જ્વેલરી કંપનીઓએ પણ મોકાનો ફાયદો ઉઠાવી લાગ જોઇને પગ ભરાવતા કહ્યુ કે ભારતીય કંપનીઓ તેમના બિઝનેસને લોંગ ટર્મ ક્રેડિટ તથા મેમો ફેસિલિટીઝ પૂરી પાડીને ફંડિંગ કરે. અમેરીકાની કંપનીઓની આ માંગણીની પણ ઝવેરાત ઉદ્યોગ ક્ષેત્ર પર નોંધપાત્ર અસર પડી શકે છે. હાલમાં 500થી પણ અધિક ભારતીય કંપનીઓની અમેરીકામાં ઓફીસ છે.આ કારોબારીઓ હજારો અમેરીકનોને ઊંચા વેતન વાળી વ્હાઈટ-કોલર જોબ્સ પૂરી પાડી રહ્યાં છે.જો અમેરીકા દ્વારા ટેરિફ પ્રસ્તાવ લાગુ પાડવામાં આવશે તો ભારત-યુએસ વચ્ચે જ્વેલરી બિઝનેસની શક્યતાઓ ઘટી જશે અને તેની અસર અમેરીકાને પણ થશે એ સમજાવવાની પણ ભારત તરફથી કોશિશ થઈ રહી છે.