અનેક વાદવિવાદો અને સરકારી નિયમોની આંટીઘુંટી વચ્ચે વર્ષોથી અટવાયેલો મધ્ય પ્રદેશ સ્થિત બંદર ડાયમંડ પ્રોજેક્ટ ઝડપથી કાર્યવંતિત કરવાની યોજના પર કામ ચાલી રહ્યુ હોવાના અહેવાલ છે.મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં દેશનો સહુથી મોટો હીરા ભંડાર મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.અહી હીરાના ખાણકામ માટે આદિત્ય બિરલા ગ્રુપના એસેલ માઇનીંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હીરાના માઇનિંગ માટે ટેન્ડર મેળવ્યું છે,આ કંપની હીરા માઈનિંગ માટે અહી કરશે 2500 કરોડનું જંગી રોકાણ
DIAMOND TIMES-મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં દેશનો સૌથી મોટા હીરા ભંડાર મળી આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.છતરપુર જિલ્લામાં આવેલા બક્સવાહાના જંગલમાં 3.42 કરોડ કેરેટ હીરા હોવાનો અંદાજ છે.અનેક વાદવિવાદો અને સરકારી નિયમોની આંટીઘુંટી વચ્ચે વર્ષોથી અટવાયેલો મધ્ય પ્રદેશ સ્થિત બંદર ડાયમંડ પ્રોજેક્ટ ઝડપથી કાર્યવંતિત કરવાની યોજના હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે હીરાના ખાણકામ માટે આ વિતારમા આવેલું 382.131 હેક્ટર જંગલ નાબૂદ કરવામાં આવશે.
અત્યાર સુધી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની ધરતીમાં ધરબાયેલો હીરાનો ભંડાર દેશનો સહુથી મોટો ડાયમંડ સ્ટોર ગણાતો હતો.પન્ના વિસ્તારમા કુલ 22 લાખ કેરેટ હીરાનો સ્ટોક હતો.જે પૈકી 13 લાખ કેરેટ હીરા કાઢી લેવામાં આવ્યા છે.એક અંદાજ મુજબ બક્સવાહના જંગલમાં પન્નાની સરખામણીએ 15 ગણા વધારે હીરાના ભંડાર છે. આજથી 20 વર્ષ અગાઉ બંદર ડાયમંડ પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલા સર્વેમાં અહીની ધરતીમાં વિપુલ પ્રમાણમાં ધરબાયેલા હીરા મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બે વર્ષ પહેલા રાજ્ય સરકારે આ વિસ્તારમાં હીરાના ખાણકામ માટે લિઝની હરાજી કરી હતી.જેમા આદિત્ય બિરલા ગ્રુપની એસેલ માઇનીંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ટેન્ડર મેળવ્યું છે.મધ્યપ્રદેશ સરકારે આ કંપનીને 50 વર્ષની લીઝ પર બકસવાહા જંગલમાં હીરાના ભંડારવાળી 62.64 હેક્ટર જમીનમાં હીરા કાઢવાની મંજુરી આપી છે.આદિત્ય બિરલા ગ્રુપની એસેલ માઇનીંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ વિસ્તારમાં કુલ 382.131 હેક્ટર જમીનની માંગ કરી છે.જે પૈકી 62.64 હેક્ટર વિસ્તારમાં હીરાનું ખાણકામ થશે,જ્યારે બાકીની 205 હેક્ટર જમીન ખાણકામની પ્રક્રિયા દરમિયાન મળેલી માટીને એકઠી કરવા માટે ઉપયોગમાં લેવાશે.
એસેલ માઇનીંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હીરાના માઈનિંગ માટે અહી 2500 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.જો કે આ અગાઉ ઓસ્ટ્રેલિયન કંપની રિયોટિંટોએ આ વિસ્તારમાં માઇનિંગ કરવા લીઝ માટે અરજી કરી.પરંતુ વર્ષ 2017માં પર્યાવરણ મંત્રાલય દ્વારા સુધારેલા નવા પ્રસ્તાવને અનુલક્ષીને રિયોટિંટોએ અહીં હીરાના ખાણકામ કરવાનો ઇનકાર કર્યો હતો.
બકસવાહા જંગલમાં જ્યા હીરાનું ખાણકામ થવાનુ છે એ જમીન પર ઉભેલા વૃક્ષોની વન વિભાગે ગણતરી કરી છે.આ જંગલમાં સાગ ,પીપળા બહેડા,અર્જુન સહીત વિવિધ પ્રકારના કુલ 2,15,875 જેટલા નાના મોટા વૃક્ષો છે.જેને કાપીને અહી હીરાનુ ખાણકામ કરવુ પડે તેવી સ્થિતિ છે.પરિણામે નવુ જંગલ ઉભુ કરવા માટે કલેક્ટરે બાકસ્વાહા જિલ્લામાં આવેલી અન્ય એક 382.131 હેક્ટર સરકારી જમીનને જંગલમાં ફેરવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.નવા જંગલને વિકસાવવા માટે થનારો ખર્ચ એસેલ માઇનીંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીને ભોગવવો પડશે.