ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અનેક વખત નાજુક અને જટિલ ચર્ચાઓના અંતે સમગ્ર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અનેક નિષ્ણાંતોના સુચનો-અભિપ્રાયોના આધારે લેબગ્રોન હીરાના કારોબાર માટે સિબ્જોએ માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે.
For Read The CIBJO Guidance Book Click Here
DIAMOND TIMES-ધ વર્લ્ડ જ્વેલરી કોન્ફેડરેશન નામની વિખ્યાત સંસ્થા સિબ્જો (CIBJO)ના ટૂંકા નામથી ઓળખાય છે.આ સંસ્થા હીરા-ઝવેરાત અને રત્નોના વિવિધ ઉત્પાદન અને કારોબાર સહીત માઇન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનનું પ્રતિનિધિત્વ કરે છે.હીરા-ઝવેરાતના કારોબાર સાથે સંકળાયેલી વિશ્વની તમામ કંપનીઓ, વ્યક્તિઓ કે સંગઠનોનો સહીત માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનની એક એક કડીનાં આર્થિક હિતો જાળવવાનો સિબ્જોનો મુખ્ય ધ્યેય છે. વિશ્વના દરેક દેશોની સરકાર અને યુનાઈટેડ નેશન ઓર્ગેનાઈઝેશન(UNO) સાથે સિબ્જો સંકલન સાધી હીરા-ઝવેરાત અને મુલ્યવાન રત્નો-ધાતુના પારદર્શક કારોબાર માટે ચોક્ક્સ પેરામિટર્સ ઘડી તેનો સખતાઈથી અમલ કરાવે છે.
હવે સિબ્જોએ ઝવેરાત ખરીદતા ગ્રાહકોમાં વિશ્વાસ વધે તેવા ઉદ્દેશ્યથી લેબગ્રોન (એલજીડી) હીરાના કારોબાર માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં એલજીડી હીરા માટેના ધારાધોરણો અને સિદ્ધાંતોને સામેલ કરવામાં આવ્યા છે.આ ધારાધોરણો ઝવેરાત ઉદ્યોગમાં ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે ઘડવામાં આવ્યા છે.સિબ્જોએ બહાર પાડેલી એલજીડી માર્ગદર્શિકાનો મુખ્ય સિદ્ધાંત ગ્રાહકો કઈ ચીજ ખરીદી રહ્યા છે તે વિશે ગ્રાહકોને સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે.જેથી ગ્રાહકો સભાનતાપુર્વક ઝવેરાતની ખરીદી અંગે યોગ્ય નિર્ણય લઈ શકે.
સિબ્જો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા વિવિધ વિભાગોમાં વેંચાયેલી છે.એક વિભાગમાં લેબગ્રોન (એલજીડી) હીરાનું વર્ણન કરવામાં આવ્યુ છે. જ્યારે બીજા વિભાગમાં લેબગ્રોન હીરાના કારોબાર સાથે સંકળાયેલી અને ટ્રેડ શો સહીતની પ્રદર્શિત ઇવેન્ટ્સમાં હાજરી આપતી કંપનીઓ દ્વારા અનુસરવા જોઈએ તેવા યોગ્ય સિદ્ધાંતોની રૂપરેખા છે.આ ઉપરાંત લેબગ્રોન હીરા જડીત ઝવેરાતના વેંચાણના ઇનવોઈસ સહીતના તમામ વેંચાણ દસ્તાવેજોમાં લેબગ્રોન હીરાનો ઉલ્લેખ કરવાની ભલામણની સાથે એલજીડી ડિટેક્શન ટેકનોલોજીના વિષયને આવરી લેવાની ભલામણ કરવામાં આવી છે.
માર્ગદર્શિકાના મુખ્ય ભાગમાં એલજીડી ક્ષેત્રમાં જેમોલોજીકલ લેબોરેટરી દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓથી સંબંધિત છે.જેમા કહેવામાં આવ્યુ છે કે લેબગ્રોન હીરાની લાક્ષણિકતાઓ અને ખાસિયતો અંગે લેબ દ્વારા આપવામાં આવતા સચોટ રિપોર્ટના આધારે ગ્રાહકોના વિશ્વાસમાં વધારો કરી શકાશે.પરંતુ ખાસ મહત્વની બાબત તો એ છે કે રિપોર્ટ એલજીડી અને કુદરતી હીરા વચ્ચેની સમાનતાનો અંદાજ આપતો ( કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચેના તફાવત દર્શાવતો) નહી હોવો જોઇએ.પરંતુ માત્ર માર્ગદર્શન સૂચવતો હોવો જોઇએ.વળી આ રિપોર્ટ લેબગ્રોન હીરાનું ગ્રેડિંગ નહી પરંતુ ફકત સ્પષ્ટીકરણ કરતો જ હોવો જોઇએ.
લેબગ્રોન ડાયમંડ ગાઇડન્સ દસ્તાવેજ સિબ્જોના એક ખાસ કાર્યકારી જૂથ દ્વારા વિકસાવવામાં આવ્યો છે.જેની સ્થાપના 2018માં કરવામાં આવી હતી.જેમાં કુદરતી અને લેબગ્રોન એમ બંને ડાયમંડ ક્ષેત્રના પ્રતિનિધિઓ શામેલ હતા . બહરીનમાં 2019 માં યોજાયેલી સિબ્જો કોંગ્રેસમાં આ કાર્યકારી જૂથને ડાયમંડ સમિતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો.જો કે હવે તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.આ માર્ગદર્શિકા પ્રકાશિત કરતા અગાઉ ઉદ્યોગ નિષ્ણાતોની દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેને સિબ્જોની બ્લુબુક્સની જેમ એક મહત્વપુર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.જે નવી માહિતી,તકનીકી પરિવર્તન અને બજારની પરિસ્થિતિઓ અનુસાર તેમા બદલાવ સંભવ છે.