DIAMOND TIMES – કેરેબિયન દેશ ડોમિનિકાની જેલમાં બંધ ભારતના ભાગેડું હિરા કારોબારી મેહુલ ચોકસીને મોટો ઝટકો લાગ્યો છે.ડોમિનિકાની એક અદાલતે મેહુલ ચોકસીના દેશમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના મામલામાં તેની જામીન અરજી ફગાવી દીધી છે.ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલાં મેહુલ ચોકસી રહસ્યમય રીતે એન્ટીગુઆથી લાપતા થઈને ડોમિનિકામાં આવ્યો હતો.જ્યા એની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન મેહુલ ચોકસીને કોર્ટમાં રજુ કરતા તેની જામીન અરજી ફગાવી દીધી છે.જેથી મેહુલ ચોક્સી હવે આગામી 14 જૂન સુધી ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં રહેશે.આ સાથે જ મેહુલની ભારતને સોંપણી કરવાની તારીખમાં ફરી એક વકહત મુદ્દત પડી છે.બીજી તરફ જામીન માટે મેહુલ ચોક્સીના વકીલે ઉપલી અદાલતના દરવાજા ખખડાવવાનો નિર્ણય લીધો છે.
મેહુલ ચોકસીના વકીલે આરોપ લગાવ્યો છે કે તેના અસીલનું એન્ટીગુઆના જોલી હાર્બરથી અપહરણ કરવામાં આવ્યું અને તેને અંદાજે 100 નોટિકલ માઈલ દૂર એક બોટ મારફતે ડોમિનિકા લઈ જવાયો હતો.ડોમિનિકા હાઈકોર્ટના આદેશ પછી મેહુલ ચોકસીને દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવવાના આરોપોનો જવાબ આપવા માટે મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.ચોકસી વ્હીલચેર પર જજ સામે રજૂ થયો હતો.તેણે વાદળી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું.આ પહેલાં જસ્ટીસ બર્ની સ્ટીફેન્સને ચોકસીની અરજી પર ત્રણ કલાક સુધી સુનાવણી કર્યા બાદ તેને અદાલતમાં મેજિસ્ટ્રેટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.