DIAMOND TIMES – એન્ટિગુઆથી રહસ્યમય રીતે ગુમ થયેલો પંજાબ નેશનલ બેંક લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી ડોમિનિકામાંથી મળ્યા બાદ દેશમાં ગેરકાયદે પ્રવેશના ગુનામાં ડોમિનિકામાં પોલીસની કસ્ટડીમાં છે.મેહુલ ચોક્સીને ભારત લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.પરંતુ આવા માહોલ વચ્ચે મેહુલ ચોક્સીના કથિત અપહરણ સહીતના સમગ્ર ઘટના ક્રમમાં ડૂંગળીના પડની માફક એક પછી એક અનેક રહસ્યો ખુલી રહ્યા છે.
સમગ્ર ઘટના ક્રમમાં મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ બાર્બરા જરાબિકાનો વારંવાર ઉલ્લેખ થઈ રહ્યો છે.પ્રથમ મેહુલ ચોક્સીએ પોતાના અપહરણમાં બાર્બરાની મદદગારીનો આરોપ કર્યો હતો.પરંતુ ત્યારબાદ મેહુલના આરોપના જવાબમાં બાર્બરા તરફથી જડબાતોડ જવાબ મળ્યો છે.એક મીડિયા મુલાકાતમાં બર્બરાએ આ અંગે ખુલાસો કરતા કહ્યુ કે પ્રથમ મુલાકાતમાં મેહુલે તેનું અસલી નામ છુપાવી પોતાનું નામ રાજ જણાવ્યું હતું.બાર્બરાના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોક્સીએ ગયા વર્ષે તેની સાથે મિત્રતા કરી હતી.મેહુલે તેને ડાયમંડ રિંગ અને બ્રેસ્લેટ પણ ગિફ્ટ કર્યાં હતાં.પરંતુ એ તમામ હીરા નકલી નિકળ્યા હતા.ચોક્સીએ કરેલા કિડનેપિંગના આરોપ અંગે બાર્બરાએ કહ્યું કે એ વાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી.આ કેસમાં મારૂ નામ મેહુલ ચોક્સીના વકીલ અને પરિવારજનોએ સામેલ કર્યું છે.