ડ્રેગનની દાદાગીરી : ચીનની કંપની અન્જીને પ્રોટોકોલ તોડીને ઝિમ્બાબ્વેમાં હીરા ખાણકામ શરૂ કર્યુ

760

મને એજ સમજાતુ નથી કે શા ને આવુ થાય છે…

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે!

કામધેનુને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

કરસનદાસ માણેક રચિત આ કવિતાની બે લાઈન અહી એટલા માટે મુકી છે કે કુદરતી સંશાધનોથી સમૃદ્ધ આફ્રીકન દેશ ઝિમ્બાબ્વેમાંના નાગરીકો દારૂણ ગરીબીમાં પિસાય રહ્યા છે.તો બીજી તરફ ચીન સહીતના શક્તિશાળી દેશો અને તેની કંપનીઓએ રીતસર આ ગરીબ દેશોનું લોહી ચુસી રહ્યા છે.આમ છતા વિશ્વના તાકાતવર દેશો પણ આવા ગરીબ દેશોના નાગરીકોને ન્યાય અપાવી શકતા નથી.

DIAMOND TIMES – ભારતનો પાડોશી દેશ ચીન સમગ્ર દુનિયા પર દાદાગીરી કરી રહ્યો છે.ચાઈનાએ આર્થિક મદદ આપવાના બહાના તળે એશિયને દેશો પાકિસ્તાન,બાંગ્લાદેશ,બર્મા, ભુતાન અને શ્રીલંકાને દેવાના બોજ તળે દબાવી દીધા છે.એશિયા ઉપરાંત આફ્રીકાના દેશોમાં પણ ડ્રેગને પાંખ પ્રસારી છે.ઝિમ્બાબ્વેના તત્કાલિન અને સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની ભ્રષ્ટ સરકારનો ગેરફાયદો ઉઠાવી ચીને ઝિમ્બાબ્વેની ધરતીમાં ધરબાયેલા હીરા, પ્લેટીનિયમ , કોપર સહીતના સમૃદ્ધ કુદરતી મિનરલ્સ ના ખર્વોના ખજાનાને લુંટવા રીતસર કારસો રચ્યો છે.

આફ્રીકન દેશ ઝિમ્બાબ્વેના તત્કાલિન અને સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની ભ્રષ્ટ સરકાર અને ચીનની અનહુઇ ફોરેન ઇકોનોમિક કન્સ્ટ્રક્શન કંપની(એએફઇસીસી) વચ્ચે ખાસ કરાર કરવામાં આવ્યા હતા.જે મુજબ ચીન ઝિમ્બાબ્વેમાં રોડ-રસ્તાઓ,સ્કુલો,હોસ્પીટલ સહીતનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરી આપે તેના બદલામાં ઝિમ્બાબ્વે ડ્રેગનને રફ હીરાથી સમૃદ્ધ તેના મરાંગે વિસ્તારમાં હીરાના ખોદકામની પરવાનગી આપે.આ કરાર પછી ચીને તેની કંપની અન્જીનને ઝિમ્બાબ્વેમાં ઘુસાડી દીધી હતી.

પછી તો ડ્રેગને મુગાબેની ભ્રષ્ટ સરકારના અધિકારીઓના મેળાપીપણામાં ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય સંપતિ લુંટવામાં કશુ જ બાકી રાખ્યુ ન હતુ.આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચીનની સરકારે માત્ર બે વર્ષના સમયગાળામાં ઝીમ્બાબ્વેમાથી ઉત્પાદીત રફ હીરાના બે મોટા ઓકશન યોજીને કરોડો ડોલરની કમાણી કરી હતી.

પરંતુ આ મુદ્દે શિક્ષણ-આરોગ્ય અને અન્ન સહીતની પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત અને બેરોજગારથી ત્રાહીમામ ઝિમ્બાબ્વેના યુવાઓ દ્વારા તેનો મોટાપાયે વિરોધ કરી એક આંદોલન ચલાવવામાં આવ્યુ હતુ.આ આંદોલનમાં લોકોની માંગ હતી દેશની રાષ્ટ્રીય સંપતિ પર કોઇ વિદેશી કંપનીઓનો નહી,પરંતુ દેશના નાગરીકોનો અધિકાર હોવો જોઇએ. સરકારે તાત્કાલિક ધોરણે મરાંગેમાં હીરાના ખાણકામ માટે વિદેશી કંપનીઓને આપેલા લાયસન્સ (પરવાનગી)રદ્દ કરવા જોઇએ.

આંદોલન વધુ ઉગ્ર બનતા તત્કાલિન મુગાબેની ભ્રષ્ટ સરકારે વર્ષ 2016માં ચીનની અન્જીન સહીતની વિદેશી માઈનિંગ કંપનીઓના પરવાના રદ્દ કરવાની ફરજ પડી હતી.જેના કારણે ચીનની મિલિટ્રી કંપની અન્જીનને પણ પોબારા ભણી જવાની નોબત આવી હતી. ત્યારબાદ ઝીમ્બાબ્વેની સરકારે હીરાના ખાણકામ માટે ZCDC (ઝિમ્બાબ્વે કોન્સોલિડેટેડ ડાયમંડ કંપની)ની સ્થાપના કરી હતી.ત્યારબાદ મરાંગે વિસ્તારમાં ઝિમ્બાબ્વેમાં સરકારની કંપની ZCDC હીરાનું ખાણકામ કરતી હતી.

જો કે રોબર્ટ મુગામ્બેની સરકારના પતન પછી ચીન સરકારના ટેકાથી 2017માં ઝિમ્બાબ્વેમાં ઇમર્સન મનાંગાગવાની સરકાર સત્તામા આવી હતી.ત્યારબાદ 2019માં રાષ્ટ્રપતિ ઇમર્સન મનાંગાગવાના નવા વહીવટી તંત્રએ અન્જીનને મારંગે માં હીરાના ખાણકામ માટે ફરીથી મંજૂરી આપી હતી.જેનો ફાયદો ઉઠાવી ડ્રેગને મરાંગે વિસ્તારમાં પ્રોટોકોલ તોડીને હીરા ખાણકામ શરૂ કરતા તેનો ઉગ્ર વિરોધ થયો છે.

ન્યૂ ઝિમ્બાબ્વે ડોટ.કોમ વેબસાઈટ પર પ્રસિધ્ધ અહેવાલ મુજબ આફ્રિકન રિવાજ અને પરંપરાગત પ્રોટોકોલ મુજબ ઝિમ્બાબ્વેના ગ્રામિણ વિસ્તારમાં હીરાનું ખોદકામ કરતા પહેલા કોઇ પણ કંપનીએ જે તે વિસ્તારમાં વસતા આદીવાસી સમાજના નેતા હેડમેન ચિયાડઝ્વાની સૌજન્ય મુલાકાત લઈને તેની પરમિશન લેવાની હોય છે.

પરંતુ ડ્રેગને દાદાગીરી કરી આ તમામ પ્રોટોકોલને તોડીને મનસ્વી રીતે મરાંગે વિસ્તારમાં હીરાનું ખાણકામ શરૂ કરી દેતા તેનો ઉગ્ર વિરોધ થયો હતો.પરિણામે અંજીનના ઝિમ્બાબ્વે સ્થિત માનવ સંસાધન મેનેજર એમોન મ્હલંગાએ આદીવાસી સમાજના નેતા હેડમેન ચિયાડઝ્વાની માફી માંગવાની ફરજ પડી છે.

અંજીનના ઝિમ્બાબ્વે સ્થિત માનવ સંસાધન મેનેજર એમોન મ્હલંગાએ આદીવાસી સમાજના નેતા હેડમેન ચિયાડઝ્વાની માફી માંગતા કહ્યુ કે અમે ખૂબ જ દિલગીર છીએ અને અમે કબૂલ કરીએ છીએ કે અમે ભૂલ કરી છે.અમે હેડમેનની મુલાકાત લેવા અને તેમને તેમના વિસ્તારમાં અમારી હાજરીની જાણ કરવા માટે ઘડાયેલા પ્રોટોકોલનું પાલન કર્યું નથી . અમે કેટલાક બાકી મુદ્દાઓને હલ કરવાનું વચન આપીએ છીએ.અમારી કંપની હજુ ZCDC (ઝિમ્બાબ્વે કોન્સોલિડેટેડ ડાયમંડ કંપની)જેટલી આર્થિક રીતે મજબૂત નથી.આમ છતા પણ અમો ચોક્કસપણે સમુદાયના મુદ્દાઓ પર ધ્યાન આપીશું.