ચીનનું ‘શેડો વોર’ : ભારતીય બંદરો-સાઈબર સ્પેશ ચીની હેકર્સોના નિશાના પર

183

ડાયમંડ ટાઈમ્સ

મુંબઈ-મહારાષ્ટ્રમાં વિજળી ગુલ કરવામાં ચીની હેકર્સનો હાથ હોવાના વિવાદ વચ્ચે હવે ભારતના બંદરો તથા સાઈબર સ્પેશ પણ ચીની હેકરોના નિશાને હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.અમેરિકી એજન્સીએ ભારતને એલર્ટ કર્યુ છે.માઈક્રોસોફટે પણ પોતાના ગ્રાહકોને સાવધ રહેવા સૂચવ્યું છે.
ભારતીય સાઈબર સ્પેશની સુરક્ષા પર નજર રાખતી એજન્સીના રીપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષથી ચીની હેકરો ભારતીય સાઈબર સ્પેશને નિશાન બનાવવા આક્રમક રીતે પ્રયાસો કરી રહ્યા છે. કોમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ તથા નેશનલ ક્રિટીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોટેકશન સેન્ટર જેવી એજન્સીઓ ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે હિંસક મહામારી બાદ હેકરોના હુમલા-પ્રયાસો પર સતત વોચ રાખે છે. છેલ્લા એક વર્ષમાં આવા પ્રયાસોમાં અનેકગણો વધારો થયો છે. ખાસ કરીને સંખ્યાબંધ ચીની એપ પર પ્રતિબધ લગાવાયા બાદ આવી ઘટનાઓ વધી છે.

આ સિવાય ભારતીય બંદરોને નિશાન બનાવવા માટે પણ ચીની હેકર્સ સક્રીય હોવાનો અમેરિકી એજન્સીએ રિપોર્ટ આપ્યો છે. દક્ષિણ એશિયન રાષ્ટ્રના વિજક્ષેત્રનો હેક કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ હેકર્સો વધુ રઘવાયા થયા છે. ભારતીય પાવરગ્રીડની 10 કંપનીઓને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો અને હજુ હેકર્સ સક્રીય છે. હેકીંગનો પ્રયાસ કરનાર હેકર્સ તથા ભોગ બનતી કંપનીઓ વચ્ચે હજુ ‘કનેકશન’ છે.

અમેરિકી એજન્સીના રિપોર્ટ પ્રમાણે ભારતીય માળખાગત ક્ષેત્રમાં સાઈબર હુમલો કરવા માટે ચીની હેકર્સો ગત વર્ષથી મહેનત કરી રહ્યાં છે. ગત ઓકટોબરમાં મુંબઈમાં કલાકો સુધી વિજળી ઠપ્પ થઈ હતી કે પાછળ ચીની હેકીંગ જવાબદાર હોવાની શંકા ઉઠી હતી. જો કે હજુ કોઈ સ્પષ્ટ તારણ જાહેર થયુ નથી.

કોરોનાની રસી બનાવતી ભારતિય કંપનીઓ પર પણ થયો હતો સાઊબર હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના રસીનું ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેક તથા સીરમ ઈન્સ્ટીટયુટ પર પણ સાઈબર હુમલો કરીને ફોર્મ્યુલા ચોરવાનો પ્રયાસ થયાનું તાજેતરમાં બહાર આવ્યુ હતું અને તેની તપાસ થઈ રહી છે. આ સિવાય મુંબઈમાં વિજળી ગુલ થવા પાછળ પણ હેકર્સ જવાબદાર હોવાનું કહેવાય છે. તેલંગાણામાં પણ વિજસેવા ખોરવી નાખવા ગઈકાલે આવો પ્રયાસ કર્યો હતો.સાઈબર સુરક્ષા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચીન વખતોવખત આવા કૃત્યો કરતુ હોય છે. પરંતુ સીધો સૈન્ય સંઘર્ષ થાય ત્યારે હેકીંગના કૃત્યો વધી જાય છે. ભારતમાં અત્યાર સુધી હેકર્સો સફળ થયા છે કે નહી તે વિશે સ્પષ્ટ રિપોર્ટ નથી. પરંતુ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.