ચીનની ડામાડોળ અર્થવ્યવસ્થાની હીરા-ઝવેરાતના કારોબારને કોઇ અસર નહી થાય : રજની પટેલ

24

DIAMOND TIMES – વીજ સંકટ,સપ્લાય ચેઇનમાં નબળાઇ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની મોટી કંપનીની ડામાડોળ સ્થિતિ સહીતના કેટલાક નકારાત્મક પરિબળોના કારણે ચીની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડતા આર્થિક વિકાસ દર 7.9 ટકાથી સરકીને 4.9 ટકાના સ્તરે આવી ગયો છે.ચીનમાં પ્રોપર્ટી બબલની પણ ચર્ચા થઈ રહી છે.ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ પર 300 અબજ ડોલરનું ભારે દેવું છે.આ કંપની નાદારીના આરે છે.જો આવું થશે તો તેની પ્રોપર્ટી માર્કેટ તેમજ બેંકિંગ સેકટર પર ખરાબ અસર પડશે.વૈશ્વિક અર્થતંત્ર પર ચીનમાં આ ઘટનાની અસર સ્પષ્ટ દેખાશે.રોઇટર્સના સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો વિકાસ દર 5.2 ટકા રહેશે.

જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર 4.9 ટકા હતો.એપ્રિલ-જૂન કવાર્ટરમાં વિકાસ દર 7.9 ટકા હતો.સપ્ટેમ્બર કવાર્ટરમાં વૃદ્ઘિ દર સૌથી નીચો રહ્યો છે.ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે.જેની ખુબ મોટી નકારાત્મક અને ગંભીર અસર હીરા -ઝવેરાતના કારોબાર પર થવાની ચર્ચાઓ ચાલી રહી છે.પરંતુ તેનું ખંડન કરતા નિકાસકાર હીરા કંપની જેનિથ ડાયમંડના રજની પટેલે કહ્યુ કે ચીનની ડામાડોળ અર્થવ્યવસ્થાની હીરા-ઝવેરાતના કારોબાર પર અસર થવાની સંભાવના નહીવત્ત છે.

રજની પટેલે ઉમેર્યુ કે અમેરીકા પછી ચીન વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને હીરા-ઝવેરાતનું બીજા નંબરનું માર્કેટ છે.ભારતથી વિદેશમા થતી હીરા-ઝવેરાતની વાત કરીએ તો ભારત અમેરીકા પછી હોંગકોંગમાં જેમ એન્ડ જ્વેલરીની વધુ નિકાસ કરે છે.ચીનમાં વાયા હોંગકોંગથી હીરા અને ઝવેરાતની જંગી નિકાસ થાય છે.આવી સ્થિતિ વચ્ચે ચીનના અર્થતંત્રને લઈને મળી રહેલા માઠા સમાચાર ચિંતાજનક જરૂર છે. પરંતુ તેની હીરા-ઝવેરાતની નિકાસ પર કોઇ ગંભીર અસર થવાની સંભાવના નહીવત્ત છે.પરિણામે હીરા ઉદ્યોગમાં મંદી આવી જાય તેવો ડર રાખવાની પણ જરૂર નથી.

તેમણે હીરા ઉદ્યોગનું મજબુત પાસે રજુ કરતા કહ્યુ કે હીરા-ઝવેરાતની ખરીદી મોટા ભાગે આર્થિક રીતે સમૃદ્ધ શ્રીમંત વર્ગ કરતો હોય છે.આ વર્ગ અર્થતંત્રની અવદશાથી ખુબ જ ઓછા પ્રમાણમાં પ્રભાવિત થતા હોય છે.ભુતકાળમાં આપણે અનુભવ્યુ છે કે ભયંકર વૈશ્વિક મંદી વચ્ચે પણ હીરા-ઝવેરાત સહીત લકઝરી સેગમેન્ટમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી હતી.આ અનુભવના આધારે કહી શકાય કે ચીનની ડામાડોળ અર્થવ્યવસ્થાથી હાલ તો ગભરાવવાની કોઇ જરૂર નથી.