પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનની પોલિશ્ડ હીરાની આયાતમાં પાંચ ગણી જંગી વૃદ્ધિ નોંધાણી ચીનના ઉદ્યોગ વિશ્લેષક જુલિયસ ઝેંગે કહ્યુ કે ચીનના ડાયમંડ માર્કેટમાં સતત સુધારણાથી હીરા અને ઝવેરાત ઉદ્યોગના ભવિષ્ય માટે ખુબ જ સારા સંકેત મળ્યા છે. ભારતમાં કોરોના કટોકટીના કારણે આગામી દીવસોમાં પોલિશ્ડ હીરાના પુરવઠાની કટોકટી ઉભી થવાના કારણે તૈયાર હીરાની કીંમતો પણ ઉંચે જાય તેવી ઝેંગે આગાહી કરી છે.
DIAMOND TIMES – ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનની પોલિશ્ડ હીરાની આયાતમાં લગભગ પાંચ ગણી વૃદ્ધિ નોંધાણી છે. શાંઘાઈ ડાયમંડ એક્સચેંજ (એસડીઈ) એ ગત તારીખ 28 એપ્રિલના રોજ જાહેર કરેલા અહેવાલના આંકડાઓ મુજબ ગત વર્ષની તુલનાએ વેલ્યુની દ્રષ્ટ્રીએ તૈયાર હીરાની આયાત 393 ટકાના વધારા સાથે 722 મિલિયન ડોલર થઈ છે.જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જથ્થાની દ્રષ્ટ્રીએ પોલિશ્ડ હીરાની આયાત 394 ટકા વધીને સાત લાખ કેરેટ પર પહોંચી હોવાના અહેવાલ છે.
ચીનના હીરા બજારની આ રીકવરી અને શાંઘાઈ ડાયમંડ એક્સચેંજના આંકડાઓ અંગે પ્રતિભાવ આપતા ચીનના ઉદ્યોગ વિશ્લેષક જુલિયસ ઝેંગે જણાવ્યું હતું કે ચીનના ડાયમંડ માર્કેટમાં સતત સુધારણાથી હીરા અને ઝવેરાત ઉદ્યોગના ભવિષ્ય માટે ખુબ જ સારા સંકેત મળ્યા છે. જુલિયસ ઝેંગે ઉમેર્યુ કે ગત વર્ષ 2020ની શરૂઆતમાં કોવિડ મહામારીના પગલે ચીનના હીરાનો વેપાર અને છૂટક બજારનો માહોલ અટકી જતા મોટો ફટકો પડ્યો હતો.
પરંતુ ગત વર્ષના જુન મહીનાથી ગ્રાહકોના સકારાત્મક અભિગમથી હીરા અને ઝવેરાત કારોબાર મજબુત સ્થિતિમાં આવી ગયો હતો.વળી વિદેશની યાત્રા પર પ્રતિબંધો વચ્ચે હીરની સ્થાનિક માંગમાં વધારો થતા તૈયાર હીરાના પુરવઠાની સમસ્યા આવી હતી.ચીનમાં હીરા પોલિશ્ડ મેન્યુફેકચરીંગ ઉદ્યોગ નહી હોવાથી તૈયાર હીરાની વિદેશમાથી આયાત કરવામાં આવે છે.જેમા ભારતનો સહુથી મોટો હિસ્સો છે,પરંતુ વર્તમાન સમયે ભારતમાં કોરોના કટોકટીના કારણે આગામી દીવસોમાં પોલિશ્ડ હીરાના પુરવઠાની કટોકટી ઉભી થવાના કારણે તૈયાર હીરાની કીંમતો પણ ઉંચે જાય તેવી ઝેંગે આગાહી કરી છે.