ડાયમંડ ટેકનોલોજી કંપનીઓ માટે મોટી તક : સુરતને આઈટી હબ તરીકે વિકસાવવા ચેમ્બરની સીએમને રજૂઆત

741

DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયા , ચેમ્બરની આઇટી કમિટીના ચેરમેન ગણપત ધામેલીયા તેમજ કો–ચેરમેન પુનિત ગજેરાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.જેમા સુરતને ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ અને સહયોગ કરવાની માંગ સાથે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ખૂબ જ વિકાસ પામ્યો છે. આવી આદર્શ સ્થિતિ વચ્ચે ઉદ્યોગના ત્રીજા વિકલ્પ તરીકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી ઉભરી શકે એવી તમામ ક્ષમતા અને શકયતાઓ છે.સ્નાતક મેનપાવર સુરતમાં ઉપલબ્ધ હોવાથી સોફટવેર અને આઉટ સોર્સિંગનું કામ કરતી મોટી કંપનીઓ પણ સુરતમાં કાર્યરત છે.આ બાબત જોતા જો જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધા મળે તો સુરત આઇટી હબ બની શકે તેમ છે.

હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગની મશીનરીને લગતા સોફટવેર સુરતમાં જ બનાવવામાં આવે છે. સુરતમાં અંદાજે 1600 જેટલી સોફટવેર કંપનીઓ આશરે 10 હજારથી પણ અધિક લોકોને રોજગારી આપે છે. એપ, ગેમ અને યુ–ટયુબ દ્વારા જાહેરાતો થકી ગૂગલ દર મહિને 100 કરોડથી વધારેની રકમની સુરતની કંપનીઓને ચૂકવણી કરે છે. ઉપરાંત ઇ – કોમર્સ  ડાયમંડ, ટેકસટાઇલ, એકાઉન્ટીંગ, એચ.આર. મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, સી.આર.એમ.,બેન્કીંગ,સાઇબર સિકયોરિટી , હોટલ મેનેજમેન્ટ વિગેરે ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સોફટવેર સુરતની સ્થાનિક સોફટવેર કંપની દ્વારા બનાવવામાં આવેલા છે. ઓટોમેશનને લગતા આઇ.ટી.,એ.આઇ. અને મશીન લર્નિંગને લગતા સોફટવેર પણ સુરતમાં વિકસાવવામાં આવેલા છે.સોફટવેર કંપનીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યા આશરે 35 ટકા જેટલી છે.તે જોતા મહિલાઓ પણ આત્મનિર્ભર થઇ રહી છે.જેમાં 500 જેટલી ઇ-કોમર્સ સાઇટ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરાયેલી વસ્તુઓ ના વેચાણ માટેની છે.

ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે સુરતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર ડેવલપ થાય તે માટે સરકાર દરેક પ્રકારની મદદ કરવા સજ્જ છે.ગુજરાત ઉપરાંત ભારત સહીત વિદેશી કંપનીઓ પણ સુરતમાં પોતાના સેન્ટર શરૂ કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સુરતમાં આઇ.ટી.ક્ષેત્રનો વિકાસ-વિસ્તાર થાય તે મુજબનુ અનુકુળ વાતાવરણ અને જરૂરી ઇન્ફ્રાસ્ટકચર ઉભું કરવાની પણ મુખ્યમંત્રીએ ખાત્રી આપી હતી.