કેન્દ્ર સરકારની ફ્રી ટ્રેડ પોલિસી નિકાસ વૃદ્ધિ માટે સક્ષમ કે લાચાર ? જાણો વિગત

DIAMOND TIMES : કેન્દ્ર સરકારે ગત વર્ષ 2022માં યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે મુકત વેપાર કરાર (એફટીએ)માં સફળતા મેળવ્યા બાદ હવે 2023માં યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે એફટીએ કરવા આતુર છે. બ્રિટનના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તથા તેમના સમોવડિયા ભારતના વાણીજ્ય મંત્રી પિયુષ ગોયલે વચ્ચે તાજેતરની મુલાકાત વેળાએ બન્ને દેશોની સંવેદનશીલતાઓને ધ્યાનમાં રાખી એફટીએ મુદ્દે રહેલા મતભેદો દૂર કરવાનો આ બન્ને નેતાઓએ નિર્ણય કર્યો હતો. વધુમાં આ બંને નેતાઓએ એફટીએ પરની વાટાઘાટને બને એટલી જલદી સમેટી લેવા સહમતિ દર્શાવી હતી.

કોઈપણ દેશ સાથે ફ્રી ટ્રેડ પોલિસી વેપાર કરારથી જેમ ભારતના માલસામાનને જે તે દેશમાં આસાનીથી બજાર મળી રહે છે. તેવી જ રીતે સંબંધિત દેશને પણ ભારતમાં તેમના માલસામાન માટે બજાર મળી રહે છે. ભારતની સરખામણીએ વિશ્વના મોટાભાગના દેશો લોકસંખ્યાની દ્રષ્ટિએ નાના હોવાથી અને ભારત 20230માં ચીનને પાછળ મૂકી સૌથી મોટો લોકસંખ્યા સાથેનો દેશ બનવા જઈ રહ્યો છે. ત્યારે ભારત સાથે ના વેપાર કરારમાં સામેના પક્ષને કદાચ વધુ લાભ થવાની શકયતા રહેલી છે.

વિદેશ વેપાર કરાર કરવામાં ભારત હાલમાં ઉતાવળિયું બન્યું છે, ત્યારે અગાઉ જે દેશો સાથે આપણા એફટીએ થયેલા છે. તેનાથી આપણને કેટલો લાભ કે નુકસાન થયું છે. તેના પર નજર નાખવાનું અસ્થાને નહીં ગણાય. આજ દિન સુધીમાં ભારતે 13 દેશો સાથે મુકત વેપાર કરાર કર્યા છે. ભારતે જે દેશો સાથે વેપાર કરાર કર્યા છે. તેમાં જાપાન, દક્ષિણ કોરિયા તથા એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (એસિયન)નો સમાવેશ થાય છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં સાઉથ ઈસ્ટ એશિયાના દેશો ખાતે આપણી નિકાસ કરતા આયાત વૃદ્ધિ વધુ થઈ છે.આ દસ દેશો ખાતેથી આયાત વૃદ્ધિનો આંક 56.33 ટકા રહ્યો છે. જ્યારે નિકાસમાં માત્ર 11.61 ટકા વધારો થયો છે.જાપાનમાં તો ભારતની નિકાસ માં પાંચ ટકા ઘટાડો થયો છે.

જ્યારે ત્યાંથી આયાત આશરે 11 ટકા વધી છે. દક્ષિણ કોરિયા સાથેના વેપારમાં પણ આવું જ ચિત્ર છે. નિકાસ કરતા આયાત વૃદ્ધિ ઊંચી રહી છે. ભારતે પ્રથમ મુકત વેપાર કરાર 2010 માં કર્યો હતો. વેપાર કરારના સમયગાળા બાદ છેલ્લા એક દાયકા માં ભારતની આ દેશો સાથેની વેપાર ખાધમાં જોરદાર વધારો થયાનું તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

એફટીએ બાદ ભારતમાં આયાત ડયૂટીમાં ઘટાડો થતાં, એફટીએ ભાગીદાર દેશોના નિકાસકારોને તેમના હરિફો દેશોની સરખામણીએ ભારત માં સસ્તા દરે માલસામાન વેચવા માટે દરવાજા ખૂલી ગયા હતા. પરંતુ ભારતની કંપનીઓને આવો કોઈ ખાસ લાભ થઈ શકયો ન હતો કારણ કે જે દેશો સાથે ભારતના કરાર થયેલા છે. ત્યાં ડયૂટીસનું પ્રમાણ અગાઉથી જ ઘણું જ નીચું અથવા શૂન્ય સ્તરે હતું.

આમ ભારતને તેના હરિફ દેશો સાથે કોઈ સ્પર્ધા કરવાની તક મળી નથી. આને કારણે ભારત ખાતે આયાતમાં વધારો થવા લાગ્યો છે અને નિકાસમાં ખાસ વૃદ્ધિ થઈ નથી જેને પરિણામે આ દેશો સાથેની વેપાર ખાધમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.

સંધિત સરકારી વિભાગની ધીમી કામગીરીથી ભારત એફટીએનો પુરતો લાભ લઈ શક્યુ નથી. 

ખાસ કરીને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન મેળવવાની પ્રક્રિયા ઘણી જ કંટાળાજનક હોવાના નિકાસકારો દ્વારા આક્ષેપ થઈ રહ્યાં છે. લગભગ 12 વર્ષના ગાળા બાદ 2022ના વર્ષમાં ભારતે યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) તથા ઓસ્ટ્રેલિયા સાથે એફટીએ કર્યા છે. હવે નવા વર્ષ માં યુકે ઉપરાંત કેનેડા તથા યુરોપના દેશો સાથે પણ કરાર કરવા ભારત આતુર છે.

આ દેશો ભારતની મુખ્ય નિકાસ બજારો રહેલી છે. કોરોનાને કારણે વિશ્વના દેશોમાં ચીન પ્રત્યે નારાજગી ફેલાઈ છે અને વેપાર માટે આ દેશો ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ વળવા લાગ્યા છે. આ તકનો લાભ લઈ ભારત પણ કરાર કરવા આતુર છે અને 2023 સુધીમાં માલસામાન તથા સેવાની નિકાસનો આંક બે ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા ઉતાવળિયું થયું છે.

22 ટ્રિલિયન ડોલરની વૈશ્વિક નિકાસ બજારમાં ભારતનો હિસ્સો 421અબજ ડોલર સાથે બે ટકાથી પણ ઓછો છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા એફટીએના લાભો મેળવવામાં ભારતે આક્રમક બનવાનું રહેશે. જાપાન, એશિયન તથા દક્ષિણ કોરિયા સાથે વેપાર કરાર કરવામાં જે ઉતાવળ કરાઈ હતી તેવી ઉતાવળ જ્યાં નિકાસ વધારવાની વધુ તક રહેલી છે, તેવા યુરોપના દેશો સાથે થવી જરૂરી છે.

જાપાન સાથેના કરારમાં જાપાને પાલન કરવામાં મુશકેલ એવા સોર્સિંગ ધોરણો લાગુ કર્યા છે. જેને પરિણામે ભારતને જાપાનમાં નિકાસ બજાર જોઈએ તેટલી માત્રામાં મળી શકતી નથી. 2022ના જાન્યુઆરીથી જુનના ગાળામાં 20થી22 ટકાના દરે વધ્યા બાદ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં માલસામાનની નિકાસ મંદ પડી હતી અને ઓકટોબરમાં તો તેમાં વાર્ષિક ધોરણે 16.80 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.