રફ હીરાની આયાત-નિકાસ માટે GJEPCનું સભ્ય પદ્દ અનિવાર્ય કરતી કેન્દ્ર સરકાર

17

DIAMOND TIMES – હવેથી કોઇ કંપનીએ રફ હીરાની આયાત કે નિકાસ કરવી હશે તો તેણે ફરજીયાત GJEPCનું સભ્ય બનવુ પડશે.કારણ કે કેન્દ્ર સરકારે રફ હીરાની આયાત-નિકાસ માટે GJEPCનું સભ્ય પદ્દ અનિવાર્ય કરવાનું નોટીફીકેશન જાહેર કર્યુ છે.

આ પ્રકારનું નોટીફીકેશન જાહેર કરવા પાછળ સરકારનો ખાસ ઉદ્દેશ્ય છે.કુદરતી હીરાના પ્રમોશન માટે જીજેઈપીસી દ્વારા તેની સભ્ય કંપનીઓ પાસેથી રફ હીરા ની આયાત-નિકાસના વહેવાર પર 0.02 ટકા લેવી વસૂલવામાં આવે છે.પરંતુ જીજેઇપીસીની સભ્ય નથી એવી કંપનીઓ પાસેથી રફ હીરાના વહેવારો પર 0.02 ટકા લેવી વસુલી શકાતી નથી.જે સંદર્ભે જીજેઇપીસીની સભ્ય કંપનીઓ દ્વારા રજુઆતના પગલે 22નવેમ્બરે કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા ઉપરોક્ત નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યુ છે.જેમા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જીજેઈપીસીની સભ્ય કંપનીઓ સિવાય અન્ય કંપનીઓ હીરાની આયાત-નિકાસ કરી શકશે નહી.

0.02 ટકા લેવીની રકમ ક્યાં વપરાઈ છે.??

કુદરતી હીરા અને હીરા જડીત જ્વેલરીના કારોબારને ગતિ આપવા નેચરલ ડાયમંડ કાઉન્સિલ નામની વૈશ્વિક સંસ્થા કાર્યરત છે.જે કુદરતી હીરા-ઝવેરાતના પ્રમોશન માટે વિવિધ પોગ્રામનું આયોજન કરે છે,જેમા એડ પ્રમોશન મુખ્ય છે.આ પોગ્રામ માટે મોટા ફંડની જરૂર પડતી હોય છે.જે પૈકી 90 ટકા ફંડ રફ ઉત્પાદક કંપનીઓ પાસેથી 10 ટકા ફંડ જીજેઈપીસી પાસેથી એકત્ર કરાઈ છે.આ 10 ટકા ફંડ માટે જીજેઈપીસી સભ્ય કંપનીઓ પાસેથી રફ હીરાની આયાત-નિકાસ પર 0.02 ટકા લેવી વસુલે છે.પરંતુ જે કંપનીઓ જીજેઈપીસીની સભ્ય નથી તેમની પાસેથી આ લેવી વસુલી શકાતી નથી,પરિણામે આ કંપનીઓને પણ લેવીના દાયરામાં સમાવવા કેન્દ્ર સરકાર દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નવા નિયમથી શુ થશે ફાયદો??

જીજેઇપીસીની સભ્ય નથી એવી હીરાની અનેક કંપનીઓ વર્ષે દહાડે કરોડોની રફ હીરાની આયાત-નિકાસ કરે છે,પરંતુ લેવી ચુકવતી નથી એવી તમામ કંપનીઓને સરકારના પરિપત્ર બાદ ફરજીયાત જીજેઈપીસીનું સભ્ય બનવું પડશે. જેનાથી તમામ વેપારીઓ એક જ ચેનલમાં આવી જવાથી લેવીની આવક વધવા ઉપરાંત રફ-હીરાની આયાત-નિકાસ ની સાચી માહીતી પણ સરકારને સરળતાથી મળતી થશે.

સભ્યોની માંગણીને અનુલક્ષીને જીજેઈપીસીની ગુજરાત રિજિયોનલ કચેરી દ્વારા આ મુદ્દે સરકારમાં કરાઈ હતી રજુઆત

જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે જીજેઈપીસીની સભ્ય કંપનીઓ પાસેથી રફની આયાત નિકાસ પર 0.02 ટકા લેવી વસુલવામાં આવતી હતી,પરંતુ સભ્યપદ્દ નહી ધરાવતી કંપનીઓ પાસેથી લેવી વસુલી શકાતી નથી.જેથી આ અંગે સભ્યોની રજુઆતના પગલે જીજેઈપીસીની ગુજરાત રિજિયોનલ કચેરી દ્વારા આ મુદ્દે સરકારમાં વાત મુકતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા ઉપરોકત નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યુ છે.આ જાહેરાત પછી માત્ર જીજેઈપીસની સભ્ય કંપનીઓ જ રફ હીરાની આયાત-નિકાસ કરી શકશે.રફ હીરાની એક્સપોર્ટર અને ઈમ્પોર્ટર કંપનીઓને એક જ ચેનલમાં સમાવિષ્ટ કરી તમામ કંપનીઓ પાસેથી ફરજિયાત લેવી વસુલવવા સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે.