DIAMOND TIMES – ભારતીય પરંપરામાં એક સમય એવો મનાતો જયારે દરેક વાર તહેવાર હતો.365 દિવસ સેલિબ્રેશન.આખો દેશ ઉજવણીના ભાગ રૂપે જીવતો હતો.ખેતીપ્રધાન દેશ એટલે આજે ખેડાણનો દિવસ તો સેલિબ્રેશન કાલે વાવણી કરવાની તો સેલિબ્રેશન,પછીના દિવસે ઘરમાં કોઈના લગ્ન છે તો સેલિબ્રેશન.પાકની લણણી તો મોટો ઉત્સવ હતો જ જે હજી વૈશાખી, વસંતપંચમી, બિહુ,પોંગલ અને ઓણમ તરીકે ઉજવીએ છીએ, કારણ કે ત્યારે જ ઘરમાં નવું રાચરચીલું, કરિયાણું, કપડાં, ઘરેણાં આવતા.
પરંતુ છેલ્લા 400-500 વર્ષોમાં જ ભારતમાં ગરીબીએ પ્રવેશ લીધો અને આપણે તહેવાર ઉજવવાનું ભુલી ગયા.લોકો ફક્ત ખાવા ખોરાક મળે એમાં સંતોષ પામી ગયા.એટલે કે મુખ્ય 25-30 સિવાયના અન્ય તહેવારોની ઉજવણી વિસરાઈ ગઈ,બધા ધર્મોના થઈને મુખ્ય 8-10 તહેવારો ઉજવીએ છીએ.
એમાંય વર્તમાન પરિસ્થિતિમાં તહેવાર મતલબ નોકરી કે ધંધામાં રજા મળે એટલે બપોર સુધી સુવામાં સમય કાઢવો,પછી મુવી જોવા જવું કે ઘરે ટીવી જોવું,સાંજે હોટલમાં જમવું ને તહેવાર પૂરો.પહેલા જેવું નથી કે ગામ કે શહેરના મુખ્ય મહોલ્લાઓમાં બધા એકઠા થાય,તહેવાર અનુરૂપ અલગ અલગ પ્રસંગો થાય,એકબીજા મળે, સવારે વહેલા ઉઠી ઘરે બધા એક્ટિવલી ઘર શણગાર, મીઠાઈ બનાવવા કે પુજા વિધિમાં એમ આખું ઘર લાઈવ માહોલમાં જોડાયેલું હોય. ઉત્સવ જ એક એવું માધ્યમ છે કે જે આપણા રોજીંદા જીવનમાં નવો ચેતનવંતો હર્ષોલ્લાસ અને ઉજાસ લાવે.
આપણા ઋષિમુનિઓ કે પુર્વજો એ તહેવારોની રચનામાં જે અદ્ભૂત કાર્ય કર્યું છે તે ખરેખર દાદ માંગી લે એવું છે. ભારતીય પરંપરાના દરેક તહેવારમાં બારીકાઈથી ડોકિયું કરો તો તહેવાર ફક્ત મોજમજા અને મનોરંજન માટે નથી, એમાં ધાર્મિક લાગણીઓને અધ્યાત્મ અને વિજ્ઞાન સાથે સુંદર રીતે જોડી જેનો સીધો ફાયદો માણસના સ્વાસ્થય સાથે છે. પ્રકૃતિનું સંતુલન, દરેક જીવ કે વિવિધ પ્રજા અને ધર્મ સાથે સુમેળ, ગરીબ કે તવંગર બંને ઉજવી શકે અને કોઈપણ જનરેશન માં ઉજવી શકાય એવી ફ્લેક્સિબિલિટી,અને ખાસ કરીને આજના મોડર્ન જનરેશનમાં, તહેવારનું મુખ્ય મહત્વ જોઈએ તો એક, નરી આંખે દેખાતું સૌથી મોટું અને અસરકારક ઇકોનોમિક બુસ્ટર કારણ કે તહેવાર ના સમયે જ કે એની પુર્વતૈયારી રૂપે દરેક વ્યવસાયમાં ખરીદી નીકળે જે ઇકોનોમિક સાઇકલ ચલાવવામાં ખુબ જ મદદરૂપ છે. અને બીજું, મોસ્ટ ઇફેક્ટિવ સ્ટ્રેસ રીલીફ ટોનિક; કારણકે આજે સ્ટ્રેસ (તણાવ) કે જેને WHO એ આધુનિક બીમારી ગણાવી દીધી છે. અને આ બીમારીમાં કોઈ મેડીસીન, કન્સલ્ટન્ટ કે સાયકોલોજીસ્ટ કરતા આપણા પ્રાચીન તહેવારો સારો સુધારો લાવી શકે છે.
અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત 80 ટકા લોકો જીવનનાં વિવિધ તબક્કે સ્ટ્રેસ અનુભવે છે. જો એ દૂર ન થાય તો સ્ટ્રેસની મુવમેન્ટ પરિવાર અને વ્યક્તિનાં અંગત જીવન સુધી લંબાય છે. સ્ટ્રેસની અસરો વ્યવસાય, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને આર્થિક સ્તરે પણ પડે છે. આપણે જાણીએ છીએ કે હેપીનેસ (સુખ) એ આપણા વિચારોથી ઘડાયેલી મનોઃસ્થિતી છે જેને સુવિધા કે સગવડ સાથે કોઈ લેવાદેવા નથી. જીવનની દોડધામ માં અને ઉત્તમ સુવિધાઓ જીવવામાં આપણે ‘ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ’ ને ‘ સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ’ માની લીધું જેને કારણે ઉદ્ભવે છે સ્ટ્રેસ.પરિણામરૂપે, આજે વૈશ્વિક લેવલે, અલ્પવિકસિત કે વિકાસશીલ દેશો કરતા અતિઆધુનિક જીવનશૈલી જીવતા પાશ્ચાત્ય દેશોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનના શિકાર લોકોનું પ્રમાણ વધારે છે,અને એટલે જ ઉદ્ભવ થયો કોર્પોરેટ જગતમાં સૌથી વધુ ચર્ચિત’સ્ટ્રેસ મેનેજમેન્ટ’નો કે જેનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા દરેક પ્રોફેશનલ્સ કે જેઓ સ્ટ્રેસ કે ડિપ્રેશન માં સપડાયેલા છે એને કન્સલ્ટ કરી, કેસ સ્ટડી કરી પ્રોપર સોલ્યુશન આપવું.
મારા વ્યક્તિગત મત મુજબ, એ પશ્ચિમી સ્ટ્રેસ મેનેજમેન્ટ એમાં પાંગળું પુરવાર થયેલું છે કારણ કે સ્ટ્રેસ વાળી વ્યક્તિ ન કહી શકે કે ન સહી શકે એવી માનસિક સ્થિતિ માં હોય અને મોટાભાગે એમને કોઈ ઠોસ કારણ ધ્યાનમાં નથી હોતું કે જેના કારણે એ સ્ટ્રેસમાં છે, એવી મનોસ્થિતિ નો કોઈ ત્રીજી વ્યક્તિ સંપૂર્ણ ઉકેલ મેળવી શકતી નથી. એમાં, તહેવારો જે તમારી તકલીફ પૂછ્યા વગર, રેગ્યુલર મોનોટોનીક બોરીંગ લાઈફ માંથી બહાર લાવી, પરિવાર અને સમાજ સાથે મેળવી, ધર્મ અને અધ્યાત્મની ફીલિંગ સાથે, હર્ષોલ્લાસ અને સંગીત માં મસ્ત લોકોના પોઝીટીવ વાઈબ્સ દ્વારા તમને અજાણતા પણ સ્ટ્રેસમાંથી બહાર લાવી અસરકારક અનુભવ કરાવે. આ બાબતને મુખ્ય હરોળનાં દેશો પણ સ્વીકારતા થયા છે અને ઓબ્ઝર્વેશન પ્રમાણે છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં તો ખરું જ, પણ વિશ્વના દરેક દેશમાં જ્યાં ગુજરાતી/ભારતીય વસે છે તેઓ બધા ખુબ ઉત્સાહથી, સંપૂર્ણ પારંપારિક મર્યાદામાં અને શ્રદ્ધાથી દરેક તહેવાર ઉજવતા થયા છે, સાથેસાથે વિદેશી નાગરિકો પણ દરેક તહેવારમાં ખુશીથી જોડાય છે અને એમના નિયમચુસ્ત સ્થાનિક સરકારી તંત્રો પણ ભારતીય ઉત્સવોને ઉજવવામાં સહકાર અને નરમ વલણ દર્શાવી રહ્યા છે.
વ્યવસાયિક દ્રષ્ટિએ સ્ટ્રેસનાં બે પ્રકાર છે :
1) પોઝિટીવ સ્ટ્રેસ (પ્રોડક્ટિવ સ્ટ્રેસ) : આપણા પર લગાવવામાં આવતું જવાબદારીઓ રૂપી બળ જો યોગ્ય માત્રામાં હોય, તો તે ક્યારેય નકારાત્મક અસર નથી કરતુ. જેમકે, ટાર્ગેટ ડેડલાઇનમાં ભલે પૂરો કરવાનો હોય, પરંતુ એની સાથે કર્મચારીઓને રિલેક્સ થવા માટે જો પૂરતો સમય મળતો હશે તો તેને વર્કપ્રેશર નો અનુભવ નહિ થાય. હકીકતમાં તો યોગ્ય અને પ્રમાણસર નો સ્ટ્રેસ આપણને જીવનમાં આગળ વધવા પ્રેરે છે. ખરેખર તો આપણે પ્રેશર વગર સફળ જ નથી થઇ શકતા.
2) નેગેટિવ સ્ટ્રેસ (ડિસ્ટ્રક્ટિવ સ્ટ્રેસ) : જયારે જવાબદારીઓનો ઓવરલોડ થાય છે, સંબંધોમાં અસંતુલન સર્જાય છે, ડેડલાઈનની પાછળ ઉજાગરા થાય છે, જોબ સેટિસ્ફેક્શન નથી મળતું, કામનું રિકોગ્નીઝેશન નથી થતું, ગ્રાહકોને સંતોષ નથી થતો, માર્કેટમાં શાખ નથી ઉભી થતી, ત્યારે નેગેટિવ સ્ટ્રેસનો જન્મ થાય છે જેની સીધી અસર વ્યવસાય પર થાય છે જે ધીમે ધીમે વ્યક્તિગત અને પરિવારમાં પ્રસરે છે.
એટલે,વર્કપ્લેસ પર પોઝિટિવ સ્ટ્રેસનું વાતાવરણ જાળવી રાખવું ખુબ આવશ્યક છે.જેના માટે નવી સ્કીલ(આવડત) શીખતાં રહેવું, કામની યોગ્ય ફાળવણી કરી સ્વૈચ્છીક જવાબદારીઓ લેવી વગેરે પરિબળો તો છે જ,ઉપરાંત તહેવારોને અનુલક્ષીને મલ્ટીનેશનલ કંપનીઓની જેમ આપણા નાના કે મધ્યમ વ્યવસાયમાં પણ અલગ અલગ ટાસ્ક રાખી શકાય જેમ કે, ટાર્ગેટ ડેડલાઇનમાં સારા પરફોર્મન્સ માટે કામની પ્રશંષા, રિકોગ્નીશન, હેલ્ધી કોમ્પિટિશન, ઓફિસ કે કંપનીમાં તહેવાર અનુરૂપ ડેકોરેશન, યુનિફોર્મ ની જગ્યા એ ટ્રેડિશનલ ડ્રેસ, ગણેશોત્સવ કે નવરાત્રી જેવા તહેવારોમાં સવાર-સાંજ આરતી-પ્રસાદ વગેરે..વગેરે..જે ઘણી નાની મોટી કંપનીઓ જાણતા કે અજાણતા આ રીતે ઉજવે છે. પ્રોફેશનલ લેવલે તહેવારો થકી, ટીમવર્ક, પ્રોડક્શન અને ગુણવતા લેવલ, કર્મચારીઓ વચ્ચે બોન્ડીંગ અને નવી ઉર્જા, અને ખાસ કરીને નીતિ અને પ્રામાણિકતા ના જે ધોરણો સુધરે છે જે ખરેખર કોઈ મોટિવેશનલ લેક્ચર્સ, સલાહો કે ફાયનાન્સીયલ બેનીફીટ આપવાથી પણ નથી થતા.
જીવનમાં તહેવાર નું મહત્વ: – ‘ મોસ્ટ ઇફેક્ટિવ સ્ટ્રેસ રીલીફ ટોનિક’, રોજીંદા ઘરેડ જીવનમાં અને વર્કની મોનોટોની માં બ્રેક આપીને ફ્રેશ થવા તેમજ પરિવાર અને કમ્યુનિટી સાથે સમય ગાળવાનો અવસર.
– લાઈવ ઇકોનોમિક બુસ્ટર. સૌથી ગરીબ થી લઈને સૌથી ધનિક ને અસર કરતુ, આખી ઇકોનોમિક સાઈકલને જીવનવંત કરતુ મુખ્ય પરિબળ.
– ઐતિહાસિક ઉજ્જવળ પરંપરા, ભવ્ય વારસો, સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિક મહત્વને એક જનરેશન થી બીજા જનરેશન માં પાસ કરવાનો સંદેશ.
– દરેક જાતિ, ધર્મ, પ્રાંત કે સમુદાય માં ભાઈચારો, રાષ્ટ્રએકતા અને સુમેળ ની લાગણી.
– માણસને આંતરિક સુખ માટે ‘ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ’ માંથી ‘ સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ‘ તરફ જવા માટેની મીઠી એલર્ટ.
The Secret of life is to see everything with a non-serious eye, but be absolutely involved – like a game. That’s essence of every festival.