ચેતવણી રૂપ કિસ્સો : લલના સાથે અંગત પળ માણવાની લાલચમાં હીરા મેનેજરે લાખો ગુમાવ્યા

DIAMOND TIMES : ઉધના-મગદલ્લા રોડ વિસ્તારમાં રહેતા અને સુરતના એક હીરાના કારખાનામાં મેનેજર તરીકેની જવાબદારી સંભાળતા યુવાન પાસેથી ભેજાબાજોએ લલના સાથે અંગત પળ માણવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસના નામે હીરા મેનેજર પાસેથી રૂપિયા 1.36 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ખટોદરા પોલીસમાં નોંધાઇ છે.

વરાછા વિસ્તારની ડાયમંડ કંપનીમાં મેનેજરની જવાબદારી સંભાળતા અને ઉધના-મગદલ્લા રોડ વિસ્તારમાં રહેતા અરવિંદ નામના 27 વર્ષિય યુવાન ગત તારીખ 23 નવેમ્બરે સાંજના છ વાગ રીંગરોડ ઉધના દરવાજા સ્થિત ડીસીબી બેંક પાસે આવ્યો હતો. જયાંથી તેણે ગુગલમાં ઓયો હોટલ સર્ચ કરી તેમાં જણાવેલા મોબાઇલ નંબર પર કોલ કર્યો હતો. કોલમાં ઓયો હોટલના રૂમ અને છોકરી એટલે કે લલના માટેની વાત કરી હતી.

ફોન રિસીવ કરનારે રૂમનું ભાડુ 499 ચુકવવા દિવ્ય સીંગ નામના એક વ્યક્તિનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. ભેજાબાજે અરવિંદને સહારા દરવાજા ઓવર બ્રિજ નજીક ઉતરીને આવેલી ઓયો હોટલ પાસે ઉભા રહેવા જણાવતા અરવિંદ ત્યાં ગયો હતો. દરમિયાનમાં દિવ્ય સીંગે વ્હોટ્સએપ પર અરવિંદને કેટલીક છોકરીઓના ફોટા મોકલાવ્યા હતા. જે પૈકી અરવિંદને એક છોકરી પસંદ આવતા અરવિંદે તે ફોટો દિવ્ય સીંગને રી- સેન્ડ કર્યો હતો. ત્યાર બાદ દિવ્ય સીંગે ભાવેશ પટેલ નામની વ્યક્તિનો યુપીઆઈ ક્યુઆરકોડ મોકલાવી તેમાં રૂમ ચાર્જ માટે રૂપિયા બે હજાર, છોકરીની સેફટી માટે રૂપિયા 14400 , કોડ જનરેટ કરવાના રૂપિયા 25 હજાર સહિત અલગ-અલગ ચાર્જીસના નામે કુલ રૂ.1.36 લાખ પડાવી લીધા હતા.આ અંગે અરવિંદે હિંમત દાખવી પોલિસમાં ફરીયાદ કરતા ખટોદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.