DIAMOND TIMES – ડેનમાર્કની વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની પાંડોરાએ જ્વેલરીના નિર્માણ માટે માત્ર લેબગ્રોન ઉત્પાદનો જ વાપરવાની આજથી એક મહીના અગાઉ જાહેરાત કરી છે.હવે અગ્રણી કંપની કાર્ટીયર પણ પાન્ડોરાના માર્ગે ચાલે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે જીજેઇપીસીના અહેવાલમાં એપ્રિલ-2021માં લેબગ્રોન હીરાની નિકાસ 307 ટકાની જંગી વૃદ્ધિ સાથે 90.35 મિલિયન અમેરીકી ડોલરને આંબી ગઈ છે.આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે વૈશ્વિક બજારમાં લેબગ્રોન હીરા અને લેબગ્રોન હીરા જડીત આભુષણોની ઉત્સાહજનક માંગ છે.આ પ્રકારના સકારાત્મક માહોલ વચ્ચે ઝવેરાતના નિર્માણામાં લેબગ્રોન હીરાના વપરાશ બાબતે અગ્રણી કંપની કાર્ટીયર દ્વારા મળતા સંકેતો આગામી સમયમા લેબગ્રોન હીરાના કારોબારને વધુ ગતિ આપવા નિમિત્ત બની શકે છે.
વિશાળ અને વિખ્યાત જ્વેલરી કંપની પાંડોરોએ એક મહીના અગાઉ જાહેરાત કરી હતી કે તે લેબગ્રોન હીરાની તરફેણમાં ખાણકામ દ્વારા ઉત્પાદીત હીરાનો ઉપયોગ કરવાનું ટાળવા માંગે છે.અમારૂ આ પગલું નૈતિક અને કાર્બન તટસ્થ વ્યાપારિક વ્યૂહ રચનાનો એક ભાગ છે.પાંડોરા આગામી વર્ષથી 100 ટકા નવીનીકરણીય સાથે લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરશે.જેમાથી ઉત્પાદીત કંપનીના નવા બ્રિલિયન્સ જ્વેલરી સંગ્રહમાં સમાવિષ્ટ વીંટીઓ,બંગડીઓ,ગળાનો હાર અને ડાયમંડ રિંગ સહીતની જ્વેલરીનું વિશ્વના 7,000 સેલ્સ પોઇન્ટ પર વેંચાણ કરશે.
ત્યારબાદ હવે અગ્રણી કંપની કાર્ટીયર તરફથી પણ આ મુદ્દે સંકેત મળ્યા છે.કાર્ટીયર ખાણકામ કરેલા કુદરતી હીરાના સ્થાને લેબગ્રોન હીરા પર ધ્યાન કેન્દ્રિત કરવાના પાન્ડોરાના નિર્ણયને આવકારે છે.કાર્ટીઅરના સીઇઓ સિરિલ વિગ્નરને મીડીયાને સંકેત આપતા કહ્યુ તેની કંપની જરૂર પડ્યે ઝવેરાત નિર્માણમાં લેબગ્રોન હીરાનો ઉપયોગ કરી શકે છે.