કેનેડાની HRA ડાયમંડને પણ લેબગ્રોનમાં પડ્યો રસ, પ્લાઝમેબિલિટી સાથે કરી ભાગીદારી

DIAMOND TIMES : કેનેડાની હીરા ઉત્પાદક કંપની HRA ગ્રુપે લેબગ્રોન હીરા ઉત્પાદનમાં પ્રથમ પગલું માંડતા ટેક્સાસ સ્થિત ઉત્પાદક પ્લાઝમેબિલિટી સાથે એક વિશેષ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે. કંપનીએ આ ભાગીદારી વિશે માહિતી આપતાં કહ્યું કે, એચઆરએ પ્લાઝમેબિલિટીના રફનું કટિંગ અને પોલિશિંગ કરશે અને તૈયાર હીરાઓનું બજારમાં વેચાણ કરશે.

પ્લાઝમેબિલિટી ઓસ્ટિનમાં પોતાના યુનિટમાં ડી થી એફ કલરના અને વીવીએસ ક્લેરિટીના હીરા બનાવવા માટે કેમિકલ વેપરાઇઝશન ડિપોઝિશન (CVD) પ્રક્રિયાથી બનાવે છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, સ્ટોનમાંથી 2 થી 5 કેરેટના હીરા પોલિશ્ડ કરવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં આકાર વધારવાની યોજના ધરાવે છે. પ્લાઝમેબિલિટી પોતાના ડાયમંડનું વર્ણન કરવા માટે ‘એઝ ગ્રોન’ શબ્દનો ઉપયોગ કરે છે. જેનો અર્થ એવો થાય છે કે આ હીરાના રંગમાં સુધારો કરવા માટે એચપીએચટી (HPHT) પ્રોસેસની જરૂરિયાત રહેતી નથી.

HRA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇટાય એરિયલે જણાવ્યું હતું કે, વર્ષો સુધી લેબગ્રોન હીરા ઉદ્યોગને ઉભરતા જોયા પછી, અમે આ માર્કેટમાં કેવી રીતે પ્રવેશ કરીશું તે વિશે અમે ખૂબ જ સાવચેત અને વિચારશીલ હતા. જ્યારે અમે પ્લાઝમેબિલિટીની અદ્ભુત ટીમને મળ્યા અને તેમની ટેક્નોલોજી અને વિઝન વિશે જાણ્યું. ત્યારે અમને એમ થયું કે અમને યોગ્ય ભાગીદારો મળ્યા છે. ઉત્પાદન પર ઉદ્યોગના મહારાથીઓ તરફથી અમને મળેલો પ્રતિસાદ અસાધારણ રહ્યો છે.

વાનકુવરમાં મુખ્યમથક ધરાવતું, HRA ક્લેરા પ્લેટફોર્મનું સ્થાપક છે, જે રફ ખરીદદારોને સંબંધિત વિક્રેતાઓ સાથે જોડે છે અને જે Lucara Diamond Corp એ 2018 માં 29 મિલિયન સીએડીમાં ખરીદ્યું હતું. 2020 માં, HRAએ રિટેલ વેચાણ માટે ઇન્વેન્ટરી ઓર્ડરિંગ સેવા લોન્ચ કરી હતી. એરિયલે તેને “હીરા ઉદ્યોગનું નેટફ્લિક્સ” તરીકે વર્ણવ્યું છે.

પ્લાઝમેબિલિટીના CEO અને સહસ્થાપક બોબ બાસનેટે જણાવ્યું હતું કે, અમે અમારા હીરાના ઉત્પાદન અને વિતરણ માટે HRA સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ. તેમના ઉત્પાદન અને બજારની કુશળતા અમારા વ્યવસાયમાં વેલ્યુ ઉમેરશે.