સોનામાં રિટર્નની આશાએ ખરીદી વધી

77

DIAMOND TIMES – સોના-ચાંદીમાં સુધારો અટક્યો છે. સોનું ગતવર્ષની રેકોર્ડ 58000ની સપાટીથી અંદાજે 9000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચું બોલાઇ રહ્યું છે જેના કારણે ઇન્વેસ્ટરોની માગ મોટા પાયે ખુલી હોવાનું અનુમાન છે. દેશમાં સોનાની આયાતમાં સતત વધારો થઇ રહ્યો છે.

ચાલુ વર્ષના અંત સુધીમા દેશમાં સોનાની માગને ધ્યાનમાં લેતા 650-700 ટન આયાત થાય તેવા અહેવાલો છે. છેલ્લા ચારેક માસથી સોનાની આયાતમાં સતત વધારો થઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ખુલતા સોનામાં મંદી અટકી છે. જોકે, ઝડપી તેજી પણ બૂલિયન એનાલિસ્ટો હાલ નકારી રહ્યાં છે. સોનું 1760-1800 ડોલરની રેન્જમાં અથડાઇ રહ્યું છે.

અત્યારે સોનું 1780 ડોલર જ્યારે ચાંદી 24.20 ડોલર ક્વોટ થતી હતી. અમદાવાદ ખાતે ચાંદી 300ના ઘટાડા સાથે રૂ.65700 બોલાઇ રહી છે જ્યારે સોનું 100ના નજીવા સુધારા સાથે રૂ.49200 બોલાતી હતી. નવી દિલ્હી ખાતે સોનું 46503 અને ચાંદી 198 રૂપિયા વધી રૂ.63896 બોલાવા લાગી છે.

હાજર બજારોની સાથે વાયદામાં પણ મજબૂત ટ્રેન્ડ રહ્યો હતો. સોના-ચાંદીની સાથે પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ વોલેટાલિટી જોવા મળી રહી છે. પેલેડિયમ 2035 ડોલર જ્યારે પ્લેટિનમ 1045 ડોલર આસપાસ ક્વોટ થતું હતું.

તહેવારો-લગ્નોથી દેશમાં સોનાની આયાત વધશે

સોનાની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ચાલુ વર્ષે તહેવારોની સિઝનમાં માગ મોટા પાયે ખુલી છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના અહેવાલ અનુસાર દેશમાં તહેવારો અને લગ્નોને કારણે આગામી મહિનાઓમાં સોનાની માંગમાં નોંધપાત્ર વધારો થશે અને તેના કારણે સોનાની આયાત પણ વધવાની ધારણા છે. એપ્રિલ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સોનાની આયાત 24 અબજ ડોલર (રૂ. 1.79 લાખ કરોડ) સુધી પહોંચી હતી. છેલ્લા છ મહિના દરમિયાન સોનાની આયાત પૂર્વ-કોવિડ સ્તરે પહોંચી ગઈ છે. જોકે,સોનાની આયાત વધવાથી ભારતના ચાલુ ખાતા પર વિપરીત અસર જોવા મળશે.