શોખ ખાતર નહી,પરંતુ મહામુલી જિંદગી બચાવવા થઈ રહી છે હીરા જડીત ઝવેરાતની ખરીદી

60

DIAMOND TIMES-સામાન્ય રીતે હીરા કે હીરા જડીત ઝવેરાતની ખરીદી પાછળ મોટા ભાગે લોકોનો હેતુ કોઈને ભેટ આપવાનો,રોકાણ કરવાનો કે પછી પસંદગીની વસ્તુ ખરીદવાના શોખ જવાબદાર હોય છે.પરંતુ અહી આપણે એક એવી ડાયમંડ જડીત ઈયરરિંગ્સની વાત કરી રહ્યા છે જેને ખરીદીને અનેક લોકોની મદદ કરવાનો ઉમદા આશય છે.એટલે જ તો ડાયમંડ ખરીદો,જિંદગી બચાવોની ટેગ લાઈન સાથે આયોજીત ઓકશનમાં હીરા જડિત ઈયરરિંગ્સને વેચવાની તૈયારીઓ છે.

બ્રિટિશ કોલમ્બિયાના કેલોવનામાં મહીલા આશ્રય ગૃહને આર્થિક મદદ કરવા કાસ્ટાનેટ મીડિયા કંપની અને પ્રીમિયર જ્વેલરી કંપનીના સંયુક્ત ઉપક્રમે આ પ્રકારનું છઠ્ઠું ઓકશન આયોજીત કરવામાં આવ્યુ છે.જેમા 1.31 કેરેટના ડાયમંડ અને 14 કેરેટ વ્હાઈટ ગોલ્ડ ધરાવતી આ ઈયરરિંગ્સની જોડીને હરાજી માટે મુકવામાં આવી છે.જેની વેલ્યુ 10,700 ડોલર આંકવામાં આવી છે.આ તમામ રકમ ચેરીટી પાછળ વાપરવામાં આવનાર છે.

પ્રીમિયર જ્વેલરીના મેનેજર માર્ટીન સ્ટ્રસ્સેર જણાવે છે કે આ જ્વેલરીની ખરીદી કરનારને બમણા લાભ પ્રાપ્ત થશે.એક તો તેને સુંદર જ્વેલરીની ખરીદીનો લ્હાવો મળશે તો ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહીલાઓને આર્થિક મદદ કરવાનો સંતોષ પણ પ્રાપ્ત થશે.ગત વર્ષે પણ આ પ્રકારના ઓકશન દ્વારા 5,325 ડોલરની રકમ એકત્રિત કરવામાં આવી હતી.આ વર્ષે તેના કરતા વધારે રકમ એકત્રિત કર્યાનો અમને સંતોષ છે.

તેમણે ઉમેર્યુ કે બ્રિટિશ કોલમ્બિયાના કેલોવનામાં મહીલા આશ્રય ગૃહના વુમન્સ શેલ્ટરમાં ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અને તેમના બાળકો માટે સુરક્ષિત વાતાવરણ અને જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે.અમને મળતી દાનની રકમમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.જે ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને વધુ મદદ કરવા અમને સક્ષમ બનાવે છે.