જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કમાણીની વિપુલ તકો : આઈડીઆઈના આસિસ્ટન્ટ ડાયરેકટર હિતેશ વર્મા

831

DIAMOND TIMES –

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આસિસ્ટન્ટ ડાયરેકટર (એમ્પ્લોઇમેન્ટ) ઓફિસ,મોડેલ કેરીયર સેન્ટર સુરત (ગુજરાત સરકાર) ના સંયુકત ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ કારકિર્દીની તકો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે.કેરીયર ગાઇડન્સ મહોત્સવ અંતર્ગત આયોજીત વેબિનારમાં જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી કારકિર્દીની વિપુલ તકો અંગે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના ઓપરેશન એન્ડ ટ્રેનિંગ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર હિતેશ વર્મા સહીત નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના ઓપરેશન એન્ડ ટ્રેનિંગ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર હિતેશ વર્માએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરીમાં કારકિર્દીની ઉજ્જ્વળ તકો રહેલી છે. ધોરણ ૧ર બાદ વિદ્યાર્થીઓ તેમના ત્યાં ત્રણ વર્ષનો કોમ્પ્યુટર પ્રોગ્રામ કરી શકે છે અને ત્યારબાદ તેઓને નોકરી શોધવાની જરૂર રહેતી નથી. કારણ કે, પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને છ મહિનાની ઇન્ટરશિપ મળે છે અને તેમની ઇન્સ્ટીટયુટ જ વિદ્યાર્થીઓને કંપનીઓમાં નોકરીએ લગાવી દે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ જેમોલોજિસ્ટ, ડાયમંડ ગ્રેડર, જ્વેલરી ડિઝાઇનર, કવોલિટી કન્ટ્રોલર, સેલ્સ મેનેજર અને માર્કેટીંગ મેનેજર તરીકે કારકિર્દી બનાવી શકે છે. માત્ર ડાયમંડનો કોર્સ કરનાર વિદ્યાર્થી પ્લાનર, પોલીશર અને લેસરનું કામ કરી શકે છે. જ્યારે તેઓ ઉદ્યોગ સાહસિક બની પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. તેમણે કહયું કે, વિદ્યાર્થીઓ કોલેજમાં એક્ષ્ટર્નલ પ્રવેશ મેળવીને તેમની ઇન્સ્ટીટયુટમાં કોમ્પ્યુટરનો પ્રોગ્રામ કરી શકે છે. એક તરફ તેઓ પ્રોગ્રામ પૂર્ણ કરે છે અને બીજી તરફ તેઓ ગ્રેજ્યુએટ પણ થઇ જાય છે. આથી અનુભવ અને ડીગ્રીને આધારે તેઓ જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સારી જગ્યાએ નોકરી મેળવી શકે છે.

ચેમ્બરના ગૃપ ચેરપર્સન તેમજ સુરત એપરલ એકેડમીના પ્રોપરાઇટર ડો. બંદના ભટ્ટાચાર્યએ પણ ફેશન ડિઝાઇનીંગમાં યુવા વર્ગ માટે ઘણી ઉજ્જ્વળ તકો અંગે માહીતી આપી હતી.ફેશન ડિઝાઇનીંગમાં વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનર, ગારમેન્ટ મેન્યુફેકચરર, એકસપોર્ટ હાઉસમાં ડિઝાઇનર, પ્રોડકશન મેનેજર અને કવોલિટી કન્ટ્રોલર તરીકે કારકિર્દી બનાવી શકે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાતી મોડલીંગ ઇન્ડસ્ટ્રીમાં પણ વિદ્યાર્થીઓ મોડલ, કોરીયોગ્રાફર, ફેશન બ્લોગર અને ફેશન કોલમીસ્ટ તરીકે કારકિર્દી બનાવી શકે છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ અને એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી વિકસિત થઇ છે. આથી ફેશન ડિઝાઇનીંગના વિદ્યાર્થીઓ એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે.

ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્સિસ કમિટીના એડવાઇઝર તથા લાયબ્રેરી કમિટીના ચેરમેન અજિત શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.