હતાશ મનને ધંધામાં કઈ રીતે પરોવી શકાય?

729

વાસ્તવિકતાને સ્વીકારી, સમસ્યાને અવગણી કામમાં મન પરોવો

DIAMOND TIMES – નિરાશા કે ઉદાસીના સમયમાં કામને ટાળવાનું મન થાય,બેચેની જણાય કે બધું નિરર્થક લાગે.પરંતુ, નકારાત્મક વાતાવરણમાં કામમાં મન પરોવીને જ મન પર સકારાત્મક અસર પડે છે. કોઈપણ ધંધાર્થી પછી, નાની દુકાન, ઓફિસ કે કારખાનું ધરાવતી વ્યક્તિ હોય કે મોટી કોર્પોરેટ કંપની નો માલિક હોય, દરેક પોતાના ક્ષેત્ર માં સુપર હીરો જ છે કારણ કે એ એક વ્યક્તિ પર કેટલાય પરિવારો (પોતાના, સ્ટાફનાં, પરોક્ષ રીતે અસંખ્ય) નિર્ભર હોય છે. ‘કોઈ વગર જીંદગી અટકી જતી નથી. સાચી વાત છે, પણ જીંદગી થોડી ભટકી જરૂર જતી હોય છે.’ જયારે, હાલની પરિસ્થિતિ માં એકબાજુ સ્વજન ઓક્સિજન પર હોય અને બીજી બાજુ ધંધો, ત્યારે બંનેનું સંતુલન રાખવું એ ખરેખર હિંમત ભર્યુ કામ છે.આવી તણાવભરી પરિસ્થિતિમાં આપણી તન અને મનની તંદુરસ્તી કેવી રીતે જાળવવી જેથી ધનની પણ તંદુરસ્તી જળવાય (આકસ્મિક મોટા ખર્ચમાંથી બચીને), એના માટે હાર્વર્ડ બિઝનેસ રીવ્યુ, તજજ્ઞો, અમુક સિદ્ધાંતો અને સ્વમુલ્યાંકન ને આધારે કેટલાક મુદ્દાઓ દ્વારા સંક્ષિપ્તમાં જણાવવાનો નાનો પ્રયાસ…

‘Let the little things go, and focus on the bigger picture.’ આપણા મગજની એક ટેવ છે કે આપણી સાથે મોટો બનાવ સર્જાતો હોય ત્યારે નાની બાબતો ભુલાઈ જતી હોય છે. કોરોના બિમારી એવી છે કે જેનો રિકવરી રેટ બીજી બિમારીઓ કરતા સારો છે. મતલબ, 1000 જણ કોરોનગ્રસ્ત થાય તો એમાંથી 970 તો સાજા થઈને ઘરે જાય છે. છતાં કોરોનાની મનની અંદર પેસી ગયેલી ભયાનકતા એ બીજા રોગો જાણે ગાયબ કરી નાખ્યા. એમાંય, બીજા લહેરની આક્રમકતા અને જરૂરી વ્યવસ્થાના અભાવને લીધે જે તારાજી સર્જાણી એને કારણે આપણા મન ડગમગાવી નાખ્યા એ સત્ય છે. અને હવે મ્યુકરમાઇક્રોસિસ (બ્લેક ફંગસ) અને આગળ ત્રીજો વેવ પણ અલગ સ્ટ્રેન સાથે ત્રાટકવાના વૈજ્ઞાનિક એંધાણ છે. ત્યારે કાલે કે  મહિના પછી બધું નોર્મલ થઇ જશે એવો અતિઆશાવાદ રાખીને બેસી રહેવું નિરર્થક છે. અતિઆશાવાદ માણસને સમયાંતરે પાંગળો કે શક્તિહીન બનાવે છે. નિરાશ થઈને સંઘર્ષ છોડી દેવા મજબુર કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ ‘સ્ટોકડેલ પેરાડોક્સ’ તરીકે જાણીતી છે, જે અમેરિકા-વિયેતનામ યુધ્ધ વખતે વિયેતનામ માં યુઘ્ધકેદી તરીકે 7.5 વર્ષ અમાનવીય યાતનાઓ પસાર કરીને ફક્ત જીવવાની અદમ્ય જીજીવિષાને કારણે બચી ગયેલા અમેરિકન એડમિરલ જેમ્સ સ્ટોકડેલ પર થી છે. જેનો તાત્પર્ય છે, વિશ્વાસ રાખો કે સારો સમય આવશે જ પણ અતિઆશાવાદ ન રાખવો કે જેથી અપેક્ષા પ્રમાણે ન થયું હોય તો તમે વિચલિત થાવ. આપણે સ્ટોરીના અંત માં વિશ્વાસ રાખવાનો છે, પછી હોસ્પિટલના બેડ ઉપર હોવ કે વ્યવસાયના સ્થળ પર. દરેક અંધારી રાત પછી સોનેરી પ્રભાત અજવાળા પાથરે છે એ પ્રકૃતિનો નિયમ અચળ છે. મહામારીના અંધકાર ભરી ઓરડીમાં ટમટમતો આપણો નાનો દીવો નકારાત્મકતાના વાવાઝોડા સામે લડીને સવાર સુધી ઝગમગતો રહે એ પ્રયાસ આપણા હાથ માં છે. એટલે, ‘ Fight or Flight’ ના નિયમ પ્રમાણે પરિસ્થિતિથી નિરાશ થઈને હથિયાર મૂકી દઈ Flight થઇ જવા કરતા માસ્ક અને નિયમોના શસ્ત્ર થી, મનની મક્કમતા દ્વારા કોરોનાના આક્રમણ સામે આત્મવિશ્વાસથી Fight કરવામાં વધારે મજા છે, કદાચ ઘાયલ કરશે પણ જીત માણસ ની જ થશે..!

પહેલું સુખ તે જાતે નર્યા…

જયારે અનેક પરિવારોની જવાબદારી આપણા પર હોય ત્યારે મુખ્ય વ્યક્તિ સાવચેતીમાં બેદરકારી દાખવે એ અત્યંત ભુલભર્યું પગલું છે. આપણા લીધે પરિવાર કે ધંધો ખોરવાઈ નહિ એના માટે આપણી શારીરિક કે માનસિક તંદુરસ્તી અનિવાર્ય છે. એના માટે શું કરી શકાય ?
– દિવસમાં 30 મિનિટ મનગમતી હળવી કસરત, વોકિંગ, યોગાસન, પ્રાણાયામ કે ધ્યાન કરવું.
(5 થી 10 મિનિટ કોઈપણ સ્થળે ‘બોક્સ બ્રિથિંગ’ કરી શકો. શ્વાસ અંદર – હોલ્ટ – શ્વાસ બહાર – હોલ્ટ (દરેક 5 સેકન્ડ), જે અતિ તણાવ માં રિલીફ આપશે)
– ઘરનું જ સાત્વિક ભોજન તેમજ ફ્રૂટ ખાવાનો આગ્રહ રાખો. (કેરીની સીઝન છે, ઘરે દાબો નાખીને દાબો)
– પૂરતી સપ્રમાણ ઊંઘ લો. 7 થી 8 કલાક અને રાતે 10 થી સવારે 6 સુધીનો સમય ઉત્તમ ગણાય. (બોડી રીપેરનું કાર્ય, માનસિક સ્થિરતા અને રોગપ્રતિકારક શક્તિ માટે રાતની ઊંઘ અનિવાર્ય છે. શક્ય હોય તો વર્કલોડ મેનેજ કરીને નાઈટ શિફ્ટ હમણાં બંધ રાખવી)
– આપણા અભિન્ન અંગ ‘સ્માર્ટ ફોન’ ને શક્ય એટલો દૂર રાખી, ખાસ કરીને સોશિયલ એપ પર અંકુશ રાખી, મનગમતી પ્રવૃત્તિ કરી શકાય (વાંચન, સંગીત વગેરે), પરિવાર અને ધંધામાં સ્ટાફ સાથે સમય વિતાવવો. સારી ચર્ચા કરવાથી, સારા વિચારો શેર કરવાથી નિકટતા વધે, મન પ્રફુલ્લીત રહે. સ્ટાફ સાથે ખુલ્લા મને વાત કરવાથી ઘણા પ્લસ માઇનસ પોઇન્ટ ની જાણ થશે.

લોકો સાથે વાત કરો, નકારાત્મક લાગણીથી ડરો નહિ

માણસ સામાજિક પ્રાણી છે અને એમાંય ભારતીય તો કોઈને બે દિવસ જોવે નહિ કે વાત ન થાય તો વિચલિત થઇ જાય એટલી હદે આપણે બંધાયેલા છીએ. જે ખુબ સારી વાત છે. હાલની પરિસ્થિતિમાં, એકસમાન વિચારોના વમળમાંથી બહાર આવવા, દિવસમાં થોડો સમય નિકટના સ્વજન કે મિત્ર સાથે વાત કરવાથી હળવાશ અનુભવાય છે. ધંધામાં પણ વેપારી, ગ્રાહક કે ધંધાર્થી મિત્ર ને રૂબરૂ મળવાનું શક્ય ન હોવાથી, ટેલિફોનિક વાતચીત, વોટ્સએપ મેસેજ કે ઇમેઇલ દ્વારા એકબીજાના ખબરઅંતર, ધંધાની સ્થિતિ કે નવા અપડેટ જાણી શકશો. જેના બે ફાયદા છે, એક તો સામેની વ્યક્તિને તમારા પ્રત્યે હુંફ ને આત્મીયતાની લાગણી થશે અને બીજું, ધંધામાં અપડેટ, સુધારા, ખામી વગેરેની જાણ થશે જે ખુબ જ મહત્વનું કાર્ય કરશે.

જે કામ સૌથી વધુ ગમતું હોય અથવા જેને લાંબા સમયથી ટાળતા હોય એની શરૂઆત કરો

પરિસ્થિતિ વિકટ હોય, સ્વજન તકલીફ માં હોય કે ઘરમાં મૃત્યુ જેવી મોટી આફત પડી હોય ત્યારે કોઈપણ મોટિવેશન નિરર્થક લાગે. આવા સમયમાં રોજિંદા કાર્યમાં મન ન લાગે એ સ્વાભાવિક છે. એવા સમયે, મનને ડાયવર્ટ કરવા, આપણા મુખ્ય વ્યવસાયના કોઈ મનગમતા ક્ષેત્રમાં કાર્ય કરવાથી, એમાં રચ્યાપચ્યા રહેવાથી થોડી રાહત અનુભવાશે. ઉપરાંત, ધંધાની આવી રિસેશન (મંદીની) પરિસ્થિતિમાં કે નવરાશની પળોમાં, ખૂણામાં પડેલો ડેડ સ્ટોક, વધારાનો સામાન, હિસાબી ચોપડા ચેક કરીને જરૂરી લાગે તે કામમાં લઇ શકાય અને વધારાનો નિકાલ કરી શકાય. અમુક કાર્ય કે ટાસ્ક મહત્વનું હોય પરંતુ તાત્કાલિક કરવાની જરૂર ન હોય જેથી આપણે ટાળતા હોઈએ એ પૂર્ણ કરી શકાય. જેમ કે, ઓફિસ કે કંપની માં રીપેરીંગ, નવી પ્રોડક્ટ નું રિસર્ચ, નવા ગ્રાહકોની શોધ કે ફોલોઅપ વગેરે.

ચાલુ ધંધામાં નવું અપડેશન

કોરોનાની અણધારી આફતે સમગ્ર વિશ્વમાં પરિવર્તનના બીજ રોપી દીધા છે પરિણામે ધંધાકીય દ્રષ્ટિએ, લાખો નવી તકો, નવી પ્રોડક્ટ, નવી વર્કિંગ પેટર્ન માર્કેટ માં આવી. એ મુજબ, વિશ્વની મોટા ભાગની કંપનીઓ સામાજિક અંતર અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘વર્ક ફ્રોમ હોમ’ ને પ્રાધાન્ય આપે છે. આવા સમયે, આપણે પણ રૂઢિગત વ્યવસાયમાં પરિવર્તન લાવીને નાના ધંધા ને પણ ગ્લોબલ પ્લેટફોર્મ પર લઇ શકીએ. ગ્રાહક, સપ્લાયર કે સ્ટાફ ને રૂબરૂ મિટિંગ કરીને મળવા કરતા વર્ચ્યુઅલ કોન્ફરન્સ, વિડીયો કોલ, મેસેજ, ઇમેઇલ, કે ફોન દ્વારા સંપર્ક કરવું વધારે હિતાવહ રહેશે અને એકબીજાની સુરક્ષા પણ જળવાશે. નવા ઓર્ડર કે વેચાણ માટે ટેલિફોનિક કાઉન્સેલિંગ, પ્રોડક્ટ વિડિઓ કે બ્રોશર શેર કરીને સમજાવી શકો. બિલ કે ચલણ સામાન્ય આવડત દ્વારા કમ્પ્યુટર માં બનાવીને કે નજીવા ખર્ચે કસ્ટમાઇઝ સોફ્ટવેર તૈયાર કરાવી ગ્રાહકને ઓનલાઇન મોકલી શકો અને પેમેન્ટ બેન્ક ટ્રાન્સફર કે અન્ય માધ્યમ દ્વારા મેળવી શકો. ટેક્નિકલ સોલ્યુશન કે સર્વિસ વિડીયો કોલ દ્વારા શક્ય બની શકે. કંપનીની ઇન્ટર્નલ સિસ્ટમને ડિજિટલાઇઝ કરીને આધુનિક અને પારદર્શક બનાવી શકાય કે જેનો રિપોર્ટ તમે કોઈપણ ક્ષણે ફોન દ્વારા મેળવી શકો. આવા કેટલાય નાના ફેરફાર અને સ્ટ્રેટેજી કાયમ માટે એક સુવ્યવસ્થિત સિસ્ટમ ડેવલપ કરશે જે સમયની સાથે તાલ મેળવવામાં અને ધંધાનો વિકાસ કરવામાં મદદરૂપ થશે.

ધંધામાં આધ્યાત્મિકતા ઉમેરો

2001 માં જયારે વિશ્વવિખ્યાત અણુવિજ્ઞાની અને ભારતગૌરવ ડૉ. અબ્દુલ કલામ સાહેબ દિલ્લીમાં પ્રમુખ સ્વામી મહારાજ ને મળ્યા ત્યારે, વિકસિત દેશોની હરોળમાં ભારતને લાવવા 500 બુધ્ધિશાળીઓએ ભેગા થઈને જે મુખ્ય પાંચ ક્ષેત્ર નક્કી કર્યા હતા (1. શિક્ષણ અને સ્વાસ્થ્ય 2. કૃષિ 3. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી 4. ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5. ડિઝાસ્ટર ટેક્નોલોજી/મેનેજમેન્ટ) એની સ્વામીને વાત કરી. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તરત જ કહ્યું ‘પાંચ મુદ્દાની સાથે છઠ્ઠો મુદ્દો ઉમેરો – ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા.’ આધ્યાત્મિકતાના દિવ્ય સ્પર્શ સાથેની જીવનશૈલી પૂર્ણ અને સંતુલિત વિકાસ લાવે છે. ‘ન દેખાતી દુનિયા, જે દેખાય છે એ દુનિયા કરતા ઘણી વિશાળ છે.’ જેની પ્રતીતિ આ મહામારીમાં સૌને થઇ છે. અત્યાર સુધી પ્રકૃતિનું આપણે કોમળ, શાંત અને કરુણામય સ્વરૂપ જોયું છે પણ આ વર્ષે આપણે રોદ્ર સ્વરૂપ ના પણ દર્શન કર્યા, જાણે આખા સદીનો એકસાથે હિસાબ લઈ લીધો હોય..! તો આ સમગ્ર અનુભવ ને ધ્યાનમાં રાખી આધ્યાત્મિકતાનો આપણા વ્યવસાયમાં ઉમેરો કરી શકાય. જેની શરૂઆત તમે તમારા ઈષ્ટદેવ, માતા-િપતા કે સ્વજન નો ઓફિસમાં ફોટો રાખી સવાર-સાંજ દીવો અને સાત્વિક ભાવ થી પ્રાર્થના કરીને કરી શકો. નવા જનરેશન ને સામાન્ય લાગતી આ બાબત માં ગહન તથ્ય છે. રેગ્યુલર ની આ પ્રેક્ટિસ આપણા વિચારોનું વિશ્વસનીય એન્ટી વાયરસ બની જશે જે આપણા વિચારોના ઘોડાપુર ને કાબુમાં રાખી સારા-ખરાબ વિચારોની પરખ કરાવશે, વ્યસન, કુટેવો ને નાબૂદ કરવામાં અને ધંધામાં નૈતિકતા, પવિત્ર લાગણીઓ અને સારી ટેવ પ્રસ્થાપિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે, જેની દિશા ધંધાનો વ્યાપક વિસ્તાર અને પ્રગતિ તરફ હશે.

સ્થગિત દૈનિક પ્રવૃત્તિને એક્સચેન્જ કરો

મતલબ, તમે હોસ્પિટલ માં દાખલ સ્વજન કે સંબંધીની સેવામાં વ્યસ્ત હોવ તો, સતત નકારાત્મક વાતાવરણ માં રહેવા કરતા 2-3 કલાક આયોજન કરી તમારા વ્યવસાય સ્થળ પર અવશ્ય જાવ. જેથી, અલગ ઉર્જા, માહોલ મળે. ધંધાની રોજબરોજ પ્રવૃત્તિ થી વાકેફ રહો. ખાસ કરીને, મન થોડું ડાયવર્ટ થવાથી ધંધાકીય, સામાજિક યોગ્ય નિર્ણય લઇ શકો. સદનસીબે, નજીકમાં કોઈને તકલીફ ન હોય અને હાલ ધંધામાં ઓછા કાર્યરત છો તો 2-3 કલાક કોઈ સામાજિક સંસ્થાનો સંપર્ક કરી જરૂરિયાત મુજબ શારીરિક શ્રમ અને સમય કે આર્થિક સહાયતા કરીને ખુબ સારી મદદ કરી શકો છો. જેમાં અન્ય સારા સંપર્ક થવાથી ધંધાકીય ફાયદો પણ મેળવી શકો છો. ઉપરાંત, કોઈ પરિવાર હોમ ક્વોરોન્ટાઇન હોય તો તેમને દવા, ખાદ્યસામગ્રી કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડીને તેમજ, રિપોર્ટ, વેક્સીન કે હોસ્પિટલમાં બેડ ની વ્યવસ્થા કરીને કે સાચી માહિતી આપીને પણ ઉમદા સેવા કરી શકો છો. આજની તારીખમાં, સૌથી પ્રસન્ન કોઈનું મન હોય તો એ સેવા કરતા દરેક સ્વયંસેવક કે કોરોના ફ્રન્ટ વોરિયર્સ નું છે, જેઓ એમની કામ કરવાની ક્ષમતા કરતા વધારે, સતત PPE કીટ અને માસ્કના ગૂંગળામણમાં ફરજ બજાવવા છતાં થાક નથી અનુભવતા એનું મુખ્ય કારણ કેટલાયને બચાવવાનું, સહાયરૂપ થવાનું, સાંત્વના આપવાનો આત્મસંતોષ એમના મનમાં છે, જે સતત એમને ઉર્જા પુરી પાડે છે. એટલે કોઈને કરેલી મદદ મનને પ્રસન્ન તો રાખે જ છે, ઉપરાંત, એનાથી મળતી ઉર્જા અને મનની પવિત્રતા  આપના વ્યવસાયમાં પણ હકારાત્મક અસર પાડશે.

ક્યારેક કઈ ન કરવામાં પણ સારૂ છે

‘Focus on what you can control, not what you can’t’. માર્કેટ બંધ રહેવું, કર્ફ્યુ લાગવું, લોકડાઉન થવું કે મહામારીનો અંત આપણા હાથમાં નથી તો એનું રોદણાં રોયા કરવાનો કોઈ મતલબ નથી. ક્યારેક વિષમ પરિસ્થિતિમાં કઈ ન સૂઝે, મનના ઘોડા દોડાવ્યા કરીએ તો પણ કઈ પ્રાપ્ત ન થાય અને જે કરવાનું ધારીએ એમાં ડર હોય, ઘણીવાર બીજા સાથે સરખામણી કરવામાં કે લઘુતા અનુભવીને પણ વગર અંદાજે ઉતાવળ માં રોકાણ કરવાનો વિચાર આવે તો એવા સમયે કઈ ન કરવામાં પણ સારૂ છે. નવાઈ લાગશે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કઈ ન કરવું એ પણ મનને શાંત કરવાનું એક માધ્યમ છે. ‘નીકસેન’ નામનો ડચ કોન્સેપ્ટ છે જેનો મતલબ પણ કઈ ન કરવું એવો થાય છે, કલાકો સુધી પ્રકૃતિના ખોળે, બારીની બહાર પક્ષીઓ જોયા કરવા, દરિયા કિનારે બેઠા રહેવું વગેરે. બીજું, ‘રેડિકલ એક્સેપટન્સ’ નામની સાયકોલોજીકલ થેરાપી છે એ મુજબ, દરેક પરિસ્થિતિનો સમગ્ર સ્વીકાર કરવો. અવાસ્તવિક અપેક્ષાઓ અને ઇચ્છનીય સંજોગો પ્રત્યે દુરાગ્રહ છોડી દેવો. ‘આ સમય પણ વહી જશે…’ એ આશા સાથે ફક્ત થોડો સમય (બહાનું ગણીને પ્રયત્ન છોડી દઈ બેસી જવાની વાત નથી) ‘Pause’ લઈને રિચાર્જ થઇ શકીએ.