કતારગામમાં 8 લાખ રૂપિયાના હીરાની લુંટ ચલાવી બુકાનીધારી ગેંગ પલાયન

DIAMOND TIMES : કતારગામમાં જેરામ મોરાની વાડી ખાતે હીરાનુ કારખાનું ધરાવતા કનૈયાલાલ પ્રજાપતિ સોમવારના રોજ સાંજના સુમારે કારખાનમા રહેલું હીરાનું જોખમ સેફમાં મુકવા જતા હતા. એ સમયે કારખાનાના પાર્કિંગમાં બુકાનીધારી 4 લૂંટારૂઓએ કનૈયાલાલને ધક્કો મારી તેમની પાસે થી હીરાની બેગ આંચકી પલાયન થઈ ગયા હતા.

બુકાનીધારી 4 લૂંટારૂઓએ ધક્કો મારતા કનૈયાલાલને ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા કતારગામ પોલીસ અને ક્રાઈમબ્રાંચ ઘટના સ્થળે દોડી આવી હતી.આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કારખાનેદાર કનૈયાલાલનું નિવેદન લઈ કનૈયાલાલની ફરીયાદના આધારે ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

હીરા કારખાનેદાર કનૈયાલાલ પ્રજાપતિએ કહ્યું કે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેમની પાછળથી કોઈકે તેમની ઉપર હુમલો કર્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરની લાઈટ પણ બંધ હતી જેથી તેમને કઈ દેખાયું ન હતું. પરંતુ એટલો ખ્યાલ આવ્યો હતો કે ત્યાં 4 વ્યક્તિઓ હાજર હતા. હુમલા બાદ તેમને ઘેની પદાર્થ સુંઘાડીને 15 ફુટ સુધી ધસડી એક ખુણામાં લઈ જઈ છોડી દીધા હતા.