ટેકસટાઇલ પોલિસીમાં રૂપિયા ૧પ૦૦ કરોડ, ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ માટે રૂપિયા ૧૩૦૩૪ કરોડ અને અમદાવાદ–મુંબઇ બુલેટ ટ્રેન માટે રૂપિયા ૧પ૦૦ કરોડની જોગવાઇ ખુબ મહત્વની બની રહેશે.
ડાયમંડ ટાઈમ્સ
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ નાણાં મંત્રી નિતિન પટેલ દ્વારા નાણાંકીય વર્ષ ર૦ર૧–રરનું રૂપિયા ર.ર૭ લાખ કરોડથી વધુની રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયાએ બજેટને આવકારતા કહ્યુ કે કોરોના મહામારીને અનુલક્ષીને કોઇ નવા કરબોજ ઝીંકવામાં આવ્યા નથી.કે કોઇપણ પ્રકારની કર રાહત પણ આપવામાં આવી નથી. સાથે જ નવી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે.
દિનેશ નાવડીયાએ કહ્યુ કે ગુજરાત સરકારે ભારત સરકારની યોજના હેઠળ ગુજરાતમાં બે મેગા ટેકસટાઇલ પાર્ક સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનું પણ આયોજન છે.ટેકસટાઇલ પોલિસી અંતર્ગત ઉદ્યોગોને સહાય માટે રૂપિયા ૧પ૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.નવી ઔદ્યોગિક નીતિ – ર૦ર૦ અંતર્ગત લઘુ, નાના અને મધ્યમ કદના (એમએસએમઇ) એકમોની વિવિધ પ્રોત્સાહન યોજનાઓ માટે રૂપિયા ૧પ૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વિપુલ પ્રમાણમાં રોજગારી ઉભી કરવાની ક્ષમતા ધરાવતા મોટા કદના ઉદ્યોગોને પસંદ કરેલા સેકટરમાં સહાય આપવા માટે રૂપિયા ૯૬ર કરોડની જોગવાઇ કરાઇ છે.
વૈશ્વિક હરીફાઇમાં ગુજરાતના લઘુ અને નાના ઉદ્યોગોને મદદરૂપ થવા માટે જરૂરી કવોલિટી કંટ્રોલ અને લેબ ટેસ્ટીંગ ફેસીલીટીની કોમન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી મિની કલસ્ટર યોજના માટે રૂપિયા ૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે.આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઇનોવેશન યોજના- ર૦ર૦ અંતર્ગત પ્રતિ સ્ટાર્ટઅપને પ્રતિ માસ રૂપિયા ર૦ હજાર અને મહિલા ઇનોવેટર હોવાના કિસ્સામાં વધુ રપ ટકા અલાઉન્સ આપવા માટે આર એન્ડ ડી યોજના સહિત રૂપિયા ર૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.જેનાથી સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને વધુ વેગ મળશે અને નવા ઇનોવેશન સામે આવશે.
ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે મેગા ટેકસટાઇલ પાર્ક સ્થાપવાનું જે આયોજન કરાયું છે તેમાંથી એક મેગા ટેકસટાઇલ પાર્ક સુરતને મળવાની ચોકકસ સંભાવના જણાઇ રહી છે.આ ઉપરાંત બજેટમાં ટેકસટાઇલ પોલિસી અંતર્ગત આવતા ઉદ્યોગોને સહાય માટે રૂપિયા ૧પ૦૦ કરોડ, ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ માટે રૂપિયા ૧૩૦૩૪ કરોડ અને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે રૂપિયા ૧પ૦૦ કરોડની જોગવાઇ મહત્વની બની બનશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રૂપિયા પ૯૦ કરોડના ખર્ચે કાકરાપાર – ગોરધા – વડ ઉદ્વહન પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકાના આશરે ૧૯૮૦૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ આપ્યો છે. ડાંગ જિલ્લા સહિત ગુજરાતના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને વિદ્યાસાધના યોજના હેઠળ કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આમ ગુજરાત સરકારે રૂપિયા ૧૪ હજાર કરોડની માતબર રકમનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ અમલમાં મૂકી સમાજના દરેક સ્તરના ધંધા રોજગારર્થીઓને આર્થિક સક્ષમતા જાળવી રાખવા સહાય કરી છે.