હીરા ઉદ્યોગ બંધ રાખવા બાબતે દલાલ અને ડાયમંડ એસોસિયેશન અવઢવમાં

2498

લોકડાઉનના મુદ્દે સરકારમાં દ્રઢ ઇચ્છા શક્તિનો અભાવ, લોકડાઉન બાબતે માસ્તર મારે પણ નહી અને ભણાવે પણ નહી જેવી ગુજરાત સરકારની પતલી ગલીમાથી છટકી જવાની નીતી, જવાબદારી સ્વીકારવાના બદલે વ્યાપારીક સંગઠનોના ખંભે બંદુક મુકી હોવાનો આરોપ.

DIAMOND TIMES – ગુજરાતમાં લોક ડાઉન બાબતે ગુજરાત સરકારની છાછ લેવા જવુ છે અને દોણી સંતાડાવા જેવી નીતીથી ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાતમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ અને મોતને અટકાવવા નિષ્ણાંતો અને તબીબ જગત લોકડાઉન અને કડક નિયંત્રણોની માંગ કરી રહ્યા છે.પરંતુ લોકડાઉન કે કડક નિયંત્રણોના મુદ્દે ગુજરાત સરકારનો ગોળ ગોળ અને અસ્પષ્ટ આદેશ પરથી ખ્યાલ આવી જાય છે કે સરકાર જવાબદારી સ્વીકારવાના બદલે વ્યાપારીક સંગઠનનોના ખંભે બંદુક મુકીને આગળ વધવા જઈ રહી છે.વર્તમાન વિકટ સ્થિતિમાંથી હેમખેમ બહાર આવવાના ઉમદા આશયથી હીરા ઉદ્યોગપતિઓ કારોબાર બંધ રાખવાના મુડમા છે.પરંતુ જ્યારે સ્વૈચ્છિક લોકડાઉનની વાત આવે ત્યારે કારોબારીઓ પણ બંધનો નિર્ણય લઈ શકતા નથી.તેના બદલે પરિણામલક્ષી નિર્ણય લેવાની આવશ્યકતા છે.ત્યારે ગુજરાત સરકાર કઠોર નિર્ણય લેવાના બદલે પીછેહટ કરી રહી હોવાની લાગણી થાય છે.

અધકચરા નહી પણ પરિણામલક્ષી નિર્ણયની આવશ્યકતા : નિલેશ બોડકી
લોકડાઉન બાબતે સરકારના અસ્પષ્ટ અને અધકચરા આદેશ અંગે હીરા કારોબારી નિલેશબોડકી કહે છે કે ગુજરાત સહીત સમગ્ર દેશ કોરોના સંક્રમણ બાબતે રેડ ઝોન ઇમરજન્સી તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે.આવી વિકટ સ્થિતિમાથી બચવા માત્ર લોકડાઉન જ એક આખરી ઉપાય છે.વળી ગુજરાતમાં સતત વધતા જતા કોરોનાના કેસ અને મોતનો આંકડો ધ્રુજાવનારો છે. આવા નિર્ણાયક સમયે ગુજરાત સરકારે ગોળ ગોળ વાતો કરવાના બદલે સ્પષ્ટ શબ્દોમાં લોકડાઉનનો આદેશ કરવાની જરૂર છે.હીરા ઉદ્યોગકારો, કારોબારીઓ સરકારના બંધના નિર્ણયને સ્વીકારવા તૈયાર જ છે.પરંતુ લોકડાઉન બાબતે સરકારમાં દ્રઢ ઇચ્છા શક્તિનો અભાવ છે.જેથી લોકડાઉન બાબતે સરકારના અસ્પષ્ટ આદેશના પગલે દલાલ અને સુરત ડાયમંડ એસોસિયેશન બંધ રાખવા બાબતે ભારે અવઢવમાં છે. જો કે પોલિસ ડીપાર્ટમેન્ટ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હીરાની ઓફીસો બંધ કરાવી રહ્યા છે.તેના પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે સરકાર લોકડાઉન તો ઇચ્છે છે પણ જવાબદારી લેતા ડરે છે.વર્તમાન વિકટ સ્થિતિમાં પાછીપાની કરીને અધકચરા નિર્ણય લેવાના બદલે સરકારે તાત્કાલિક પરિણામલક્ષી સ્પષ્ટ નિર્ણય લેવાની આવશ્યકતા છે.પચાસ ટકા બંધ અને પચાસ ટકા ચાલુ રાખવાના બદલે જડબેસલાક રીતે સંપુર્ણ બંધના નિર્ણયથી જ પરિસ્થિતિ પર કાબુ આવી શકે તેમ છે.

વ્યાપારીક સંગઠનોને માથે જવાબદારી નાખવાના બદલે સરકારે સ્પષ્ટ નિર્ણય લેવાની જરૂર : દામજીભાઈ માવાણી

સુરત ડાયમંડ એસોસિયેશનના મંત્રી દામજીભાઈ માવાણીએ કહ્યુ કે હીરા બજાર કે હીરા ઉદ્યોગ બંધ રાખવા બાબતે ભારે અવઢવ ભરી સ્થિતિ છે.ગુજરાત સરકારે બહાર પાડેલા આદેશમાં હીરા ઉદ્યોગ કે હીરા બજાર બંધ રાખવુ કે ચાલુ રાખવુ તેનો અંદાજ લગાવવો અઘરો છે.જેથી આ મુદ્દે એસોસિયેશન કોઇ સ્પષ્ટ નિર્ણય લઈ શકતુ નથી.જેથી વર્તમાન સમયની વિકટ સ્થિતિમાં બંધ અંગેની જવાબદારી વ્યાપારીક સંગઠનોને માથે થોપવાના બદલે સરકારે જાતે જ કોઇ સ્પષ્ટ અને ઉચિત્ત નિર્ણય લેવાની જરૂર છે.જો સરકાર સંપુર્ણ લોકડાઉનનો આદેશ આપશે તો પણ હીરા ઉદ્યોગ સરકારના આદેશને સ્વીકારવા તૈયાર જ છે.