ટીપુ સુલતાનના સિંહાસનની શોભા રહી ચુકેલા સુવર્ણજડિત વાઘના માથા માટે બ્રિટન શોધી રહ્યુ છે ગ્રાહક

82

DIAMOND TIMES – બ્રિટને 18મી સદીમાં મૈસુરના શાસક રહી ચુકેલા ટીપુ સુલતાનના સિંહાસન પર લાગેલા સુવર્ણજડિત વાઘના માથાને દેશમાથી બહાર જતો રોકવા કામચલાઉ પ્રતિબંધ લાદ્યો છે.આ પ્રતિબંધ પાછળ બ્રિટન સરકારનો ઉદ્દેશ્ય આ ઐતિહાસિક મુકુટ આભૂષણને દેશમાં જ રાખવાનો છે.જેના માટે બ્રિટન સરકાર સ્થાનિક ગ્રાહકને શોધી રહી છે.

વાઘના મુકુટમાં જડાયેલા આભૂષણની કિંમત આશરે 15 લાખ પાઉન્ડ છે.બ્રિટિશ સરકારે આ ઐતિહાસિક મુકુટ પ્રતિબંધિત નિકાસની યાદીમાં સામેલ કર્યો છે.જેથી બ્રિટનની કોઈ ગેલેરી કે સંસ્થાને આ ઐતિહાસિક વસ્તુ ખરીદવા માટે સમય મળી જશે.જાણકારોના કહેવા પ્રમાણે ટીપુ સુલતાનના સિંહાસનમાં 8 સોનાના વાઘ હતા.આ સોનાના વાઘનું માથું તેમાંથી એક છે.ટીપુ સુલતાન મૈસુરના શેર તરીકે પણ ઓળખાય છે.સિંહાસનની વધુ ત્રણ સમકાલીન છબિઓ પણ બ્રિટનમાં છે.

બ્રિટનના કલા મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિંન્સને જણાવ્યું કે આ ચમકદાર મુકુટ ટીપુ સુલતાનના શાસનની કહાની વ્યકત કરે છે.જે અમને અમારા ભવ્ય શાહી ઈતિહાસના દર્શન કરાવે છે.મને આશા છે કે બ્રિટનનું કોઈ ખરીદદાર આગળ આવશે જેથી અમે ભારત સાથેના અમારા સંયુક્ત ઈતિહાસમાં આ મહત્વપૂર્ણ અવધિ અંગે વધારે જાણી શકીશું.

ટીપુની હારનું બ્રિટનના શાહી અતીત માટે ખૂબ ઐતિહાસિક મહત્વ હતું.જેથી ટીપુની કહાની અને વસ્તુઓની સાથે એક સમકાલીન આકર્ષણ સર્જાયું છે. ટીપુની હાર બાદ તેના ખજાનાની અનેક વસ્તુઓ બ્રિટન પહોંચી હતી.જેમણે કવિતા (જોન કીટ્સ),કથા (ચાર્લ્સ ડિકેન્સ, વિલ્કી કોલિન્સ), કલાકારો (જેએમડબલ્યુ ટર્નર)ને પ્રભાવિત અને આકર્ષિત કર્યા હતા.