સુરક્ષા કારણોસર રફ ઉત્પાદક કંપની બ્લુરોકને કારિવલી ખાણ બંધ કરવાની ફરજ પડી

70

DIAMOND TIMES – યુકેમાં હેડ ઓફીસ ધરાવતી રફ ઉત્પાદક કંપની બ્લુરોકને દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી તેમની કારિવલી ખાણમાં રફ હીરાનું ઉત્પાદન કાર્ય અટકાવી દઈ ખાણને શટ ડાઉન કરવાની ફરજ પડી છે.

દક્ષિણ આફ્રીકાના સરકારી વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જી (DMRE) ની ટીમે ગત તારીખ 9 નવેમ્બરના રોજ કારિવલી ખાણનું ચેકીંગ હાથ ધરતા આ ખાણની સુરક્ષાને લઈને સમસ્યાઓ જોવા મળી હતી.જેને અનુલક્ષીને ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જીના અધિકારીએ બ્લુરોકને ખાણમાં હીરા ઉતોપાદન કાર્ય અટકાવવા અને સુરક્ષાને લઈને ઉભી થયેલી સમસ્યા દુર કરવા તાકીદ કરતી નોટીસ ફટકારી હતી.ઉલ્લેખનિય છે કે ખાણમાં સુરક્ષાને લઈને કેવા પ્રકારની ખામીઓ આવી છે તે અંગે બ્લુરોક કંપનીએ વધુ કોઈ વિગતો જાહેર કરી નથી.

બીજી તરફ રફ ઉત્પાદક કંપની બ્લુરોકના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યુ છે કે ખાણના વ્યવસ્થાપન કાર્યમાં સુરક્ષાને લઈને ઉભા થયેલા મુદ્દાઓને ઉકેલવા કંપની દક્ષિણ આફ્રીકાના સરકારી વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જી (DMRE)ની સાથે નજીકથી કામ કરી રહી છે.અને નજીકના ભવિષ્યમાં હીરા ખાણકામની પ્રક્રિયા પુન: શરૂ થઈ જવાની અમને આશા છે.

દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી કારિવલી ખાણમાં રફ હીરાનું ઉત્પાદન ઠપ્પ થતા બ્લુરોક કંપની દ્વારા 31 ડિસેમ્બર 2021 સુધીમા નિર્ધારીત કરેલ 22 હજારથી 26 હજાર કેરેટ રફ ઉત્પાદનને અસર થવાની દહેશત છે.કારિવલી ખાણનું આયુષ્ય 10 વર્ષનું હોવાનું બ્લુરોક કંપનીએ ગત ફેબ્રુઆરી-2021માં આપેલા નિવેદનમાં જણાવ્યુ હતુ.