સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે સ્થિતિ સૌથી વધુ પડકારજનક હોવાની સંભાવનાઓને પગલે તેમજ પ્રદેશ પ્રમુખ પાટીલની શહેરી વિસ્તારમા નિષ્ળળ ગયેલી પેજપ્રમુખની ફોર્મ્યુલાને મજબૂત બનાવવા સાંસદો અને ધારાસભ્યોને સોંપી જવાબદારીઓ.
ડાયમંડ ટાઈમ્સ
ગુજરાતમાં મહાનગરપાલિકામા થયેલા કંગાળ અને નિરૂત્સાહી મતદાનને પગલે ચુંટણી પરિણામો ભાજપાની ધારણાથી વિપરીત આવે તો તેની સીધી અસર જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો પર પણ પડી શકે છે.આ પ્રકારના ટેન્શન વચ્ચે ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વધુ બેઠકો મેળવવા રાતોરાત રણનીતી બદલવી પડી હોવાના મીડીયા અહેવાલો મળી રહ્યા છે. વધુમાં મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામો પછી જ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન કરાવવાની ભાજપાની ફોર્મ્યુલા મહાનગર પાલિકાના કંગાળ મતદાને ઊંધી પાડી દીધી છે.
જિલ્લા-તાલુકા પંચાયતમાં વધુમાં વધુ મતદાન અને વધુ બેઠકો મેળવવા માટે ભાજપાએ ચિંતન શરૂ કરી દીધું છે.જેમાં પ્રદેશ પ્રમુખ પાટીલની શહેરી વિસ્તારમાં નિષ્ફળ નિવડેલી પેજ પ્રમુખની ફોર્મ્યુલાને વધુ મજબૂત બનાવવા પ્રદેશ નેતાઓથી માંડીને ધારાસભ્યો, સાંસદો અને આગેવાનોને પેજ સમિતિઓ સુધીની જવાબદારીઓ સોંપી દીધી છે.ઉલ્લેખનિય છે કે 31 જિલ્લા પંચાયતોમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે સ્થિતિ સૌથી વધુ પડકારજનક હોવાનું બહાર આવ્યુ છે.
રાજકીય પંડીતોના મત મુજબ મહાનગર પાલિકામાં ભાજપને પરાજયનો સામનો કરવો પડે અથવા તો બેઠકો ઘટે તો ગામડાંમાં એની અવળી અસર પડી શકે છે.પરિણામે ભાજપે ગામડાંના મતદારોને રીઝવવા અને વધુ મતદાન કરાવવા બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ ભાજપ સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ નથી.દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભલે ગુજરાતના ખેડૂતો જોડાયા નથી.પરંતુ ચૂંટણીમાં મતદાનના માધ્યમથી રોષ વ્યકત કરી શકે એવી દહેશત છે.શહેરો જેટલી સુવિધાઓ હજુ ગામડાંમાં ઉપલબ્ધ નથી.ગ્રામ્ય મતદારો જ્ઞાતિવાદ,પરિવાર વાદ અને સમાજવાદમાં વધુ માનતા હોવાથી પક્ષના બદલે ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે.જેથી માત્ર ભાજપના સિમ્બોલથી ઉમેદવારોએ જીત મેળવવી અઘરી છે.