DIAMOND TIMES – ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતે બિટકોઈન ઈટીએફ લોન્ચ થતાંની સાથે જ બિટકોઈનમાં તેજીનો જુવાળ જોવા મળ્યો છે. ગુરૂવારે બિટકોઈન 66930 ડોલરની નવી ઐતિહાસિક ટોચ સાથે વાર્ષિક 426 ટકા જ્યારે ઈથેરિયમે 4366.9ની ઓલટાઈમ હાઈ સપાટી સાથે વાર્ષિક 1075.86 ટકા રિટર્ન આપ્યુ છે.
આ સાથે બિટકોઈને વિશ્વની ટોચની છઠ્ઠા ક્રમની ફેસબુકને પાછળ રાખી 1.25 લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ હાસિંલ કરી છે. ફેસબુકની માર્કેટ કેપ 960.80 અબજ ડોલર છે. બિટો ઈટીએફ લોન્ચ થતાં જ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતાં રોકાણકારોએ ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોએ બિટકોઈન સહિત અલ્ટકોઈન્સમાં હિસ્સો વધાર્યો છે.
હાલ વૈશ્વિક સ્તરે 413 ક્રિપ્ટો એક્સચેન્જ પર 12959 ક્રિપ્ટો કરન્સી ટ્રેડેડ છે. ક્રિપ્ટોકરન્સીની કુલ માર્કેટ કેપ વધી 26.28 લાખ કરોડ ડોલર (રૂ. 19,669.83 લાખ કરોડ) થઈ છે. બિટકોઈન વર્ષમાં 12717 ડોલરથી વધી 66930 અને ઈથેરિયમ 371.31 ડોલર સામે વધી 4299 ડોલર આસપાસ ટ્રેડેડ છે.
ઈથેરિયમ ETF લોન્ચ થવાની શક્યતા સાથે તેજી ઝડપી 5000 ડોલર થઇ શકે
બિટકોઈન ઈટીએફ લોન્ચ થતાં ક્રિપ્ટો પ્રાઈસ વધ્યાં છે. બિટકોઈનના ભાવો વધુ હોવાથી તેમજ ઈથેરિયમ ઈટીએફ પણ ટૂંકસમયમાં લોન્ચ થવાના આશાવાદ સાથે રોકાણકારો ઈથેરિયમ પર ફોકસ વધારતાં ભાવ ઓલટાઈમ હાઈ થયાં છે. આગામી બે દિવસ તેજીના માહોલ બાદ કરેક્શનની શક્યતા છે. જે રીતે ક્રિપ્ટોકરન્સીમાં તેજી આગળ વધી રહી છે તેને ધ્યાનમાં લેતા ઇથેરિયમ ઝડપી 5000 ડોલર થઇ શકે છે.
રોકાણકારોએ ક્રિપ્ટો ટ્રસ્ટ્સ મારફત રોકાણ વધાર્યું
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણને માન્યતા ન હોવા છતાં તેમજ કાયદાકીય પ્રતિબંધો વચ્ચે પણ રોકાણકારોએ ક્રિપ્ટો ટ્રસ્ટ્સ મારફત રોકાણ કરી રહ્યાં છે. અમેરિકામાં ડિજિટલ કરન્સી ટ્રસ્ટ ગ્રેસ્કેલ મારફત સંસ્થાકીય રોકાણકારોએ બિટકોઈન સહિત અલ્ટકોઈન્સમાં સતત રોકાણ કરી રહ્યાં હોવાથી ક્રિપ્ટો કરન્સીમાં તેજી જોવા મળી છે. આ ટ્રસ્ટ 42.3 અબજ ડોલરની જીબીટીસી (ક્રિપ્ટો) એયુએમ ધરાવે છે. ઈટીએફ લોન્ચ થવા સાથે જ ગ્રેસ્કેલ રોકાણકારોને ફાળવેલા જીબીટીસીને ઈટીએફમાં સરળતાથી કન્વર્ટ કરી રહી છે.