DIAMOND TIMES – ભાવનગરમાં કોરોના સંક્રમણ વધવાના પગલે એક અઠવાડીયાનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ.જેના પગલે ભાવનગરના હીરા ઉદ્યોગને પણ બંધ રાખવાનો કલેક્ટરશ્રીએ આદેશ આપ્યો હતો.પરંતુ હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોના આર્થિક હીતને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગને ચાલુ રાખવા ભાવનગર જીલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કલેક્ટરશ્રી સમક્ષ અસરકારક રજુઆત કરતા કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે હીરા ઉદ્યોગને શરૂ કરવાની મંજુરી મળતા ભાવનગરનો હીરા ઉદ્યોગ આજથી સો ટકા ક્ષમતા સાથે પુન: ધમધમતો થયો છે.
હીરાના મુખ્ય કેન્દ્ર સુરત ઉપરાંત ગુજરાતના જીલ્લા, તાલુકાઓ અને કેટલાક ગ્રામ્ય મથકોમાં જોબવર્ક આધારીત હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો સહીત હજારો પરિવારો રોજીરોટી મેળવે છે.ઉપરોક્ત શ્રેણીમાં આવતો ભાવનગરનો હીરા ઉદ્યોગ પુન: કાર્યરત થતા કારખાનેદારો , રત્નકલાકારો, વેપારીઓને હાશકારો થયો છે.
કલેક્ટરશ્રીને કરેલી અસરકારક રજુઆત ફળદાયી રહી : વિઠ્ઠલભાઈ મેંદપરા
ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ મેંદપરાએ કહ્યુ કે ભાવનગરનો હીરા ઉદ્યોગ આજથી સો ટકાની ક્ષમતા સાથે પુન: ધમધમતો થયો છે. હીરાના કારખાનાઓ , હીરા બજાર, ટ્રેડર્સ, સેઈફ સહીત સમગ્ર હીરા કારોબાર આજથી શરૂ થતા કારોબારીઓ અને રત્નકલાકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
વિઠ્ઠલભાઈ મેંદપરાએ કહ્યુ કે આંશિક લોકડાઉનની જાહેરાતના પગલે હીરા ઉદ્યોગને બંધ રાખવા કલેક્ટરશ્રીએ આદેશ આપતા એક અઠવાડીયાથી ઉદ્યોગને બંધ રાખવાની ફરજ પડી હતી. આ બંધ દરમિયાન કારખાનેદારો, વેપારીઓ અને રત્નકલાકારોએ મને ફોન કરીને તેમની વ્યથા વર્ણવી હીરા ઉદ્યોગને ફરીથી ચાલુ કરાવવા અપીલ કરી હતી.આ તમામ લોકોની લાગણીને માન આપીને અમોએ વેપારીઓ,આગેવાનો સાથે જિલ્લા કલેકટર સમક્ષ અસરકારક રજુઆત કરીને હીરા ઉદ્યોગની લાગણી પહોંચાડી હતી.અમારી આ અસરકારક રજુઆતનું સફળ પરિણામ મળતા આજથી કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે હીરા ઉદ્યોગ સો ટકા ક્ષમતા સાથે કાર્યરત થઈ ગયો છે.વિઠ્ઠલભાઈ મેંદપરાએ કહ્યુ કે અમો ફરજીયાત માસ્ક,કારખાનાઓ અને ઓફીસોમાં સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ અને રત્નકલાકારોને ગરમ પાણી અથવા ઉકાળા આપીને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરી રહ્યા છીએ.