DIAMOND TIMES : દરેક સાહસિકો પ્રેરણા લઈ શકે તેવા બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચન સાહેબનું એક વાક્ય છે કે ” હમ જહા ખડે હોતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ”. આ યુક્તિને લેબગ્રોન હીરાના ક્ષેત્રની સુરતની અગ્રણી કંપની ભંડેરી લેબગ્રોન ડાયમંડ કંપનીના માલિક ઘનશ્યામ ભાઈ ભંડેરી, પ્રકાશભાઈ ભંડેરી અને કંપનીના કાબેલ સીઈઓ ડો.સ્નેહલ પટેલે તથા પ્રવિણભાઈ લાખાણી એ સિધ્ધ કરી બતાવી છે.
સહુ કોઈ જાણે છે કે ભંડેરી લેબગ્રોન કંપનીએ અત્યંત ટુંકાગાળામાં હરણફાળ પ્રગતિ તો કરી જ છે. સાથોસાથ વૈશ્વિક લેબગ્રોન હીરા ઉદ્યોગમાં આમુલ પરિવર્તનકારી બિઝનેસ નીતી થકી સરાહનિય યોગદાન પણ આપ્યુ છે.
કંપનીની સફળતા પાછળ ભંડેરી લેબગ્રોનના સંચાલકોની વિશેષ ક્ષમતા એક મોટૂ જમા પાસુ છે. જેમા ઉત્સાહપુર્ણ વાતાવરણને ઝડપથી આત્મસાત કરવું, સખત મહેનત, દૂરંદેશી, વૈશ્વિક બજારના પરીબળો અંગે જાગૃતિ, ત્વરિત પ્રતિભાવ આપવાની શક્તિ, કોઈપણ કામ પુર્ણ કરવા સખત મહેનત અને દૃઢ નિશ્ચય, બિઝનેસ વર્તુળમાં સામેલ લોકો સાથેની આત્મિયતાની ભાવના તેમજ ફલેક્સિબિલિટી સહીતના કેટલાક ગુણોનો સમાવેશ થાય છે. આ તમામ ગુણો સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે પાયાના પરિબળો છે.
ઉપરોક્ત ગુણોથી સમુધ્ધ ભંડેરી લેબગ્રોન કંપનીના સાહસિકો આ ક્ષેત્રમાં ખુબ જ સફળ છે. ધીરજ, દૃઢનિશ્ચય, સખત મહેનત તથા પરિવાર અને સમાજ ના સહયોગથી થોડીક મૂડી સાથે શરૂ કરેલો વેપાર વિસ્તારીને વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યમાં રૂપાંતરિત કરી તેને લિજેન્ડરી દરજ્જો આપવામાં તેઓ સફળ રહ્યાં છે. સેવેલા સ્વપ્નનો પૂરા કરવાની ધગશ, મહત્વાકાંક્ષા, વિશ્વના કોઈપણ ખૂણે જવાની તૈયારીઓ તેમની વૃદ્ધિ અને સિદ્ધિઓ માટેના મહત્વના પરીબળો છે.
સુરતની હીરાની કંપની ભંડેરી લેબગ્રોને વૈશ્વિક હીરા ઉદ્યોગમાં આપેલા યોગદાન અને ટૂકાગાળામાં પ્રાપ્ત કરેલી સફળતા ની કહાની હવે ભારતના સિમાડા વટાવી વિદેશની ધરતી સુધી પહોંચી છે. તેમની આ વિશેષ સિધ્ધિ બદલ ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર પેલેસના હાઉસ ઓફ લોર્ડઝ પાર્લામેન્ટમાં આયોજીત એક ભવ્ય ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ સમારોહમાં કંપનીના માલિક ઘનશ્યામભાઈ ભંડેરી, પ્રકાશભાઈ ભંડેરી, રુતેન ભંડેરી ,પ્રવિણભાઈ લાખાણી તેમજ કંપનીના સીઈઓ ડો.સ્નેહલ પટેલને પ્રતિષ્ઠીત ‘બ્રેકથ્રૂ ઇનોવેશન ઈન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ’ થી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે વાતાવરણ તાળીઓ અને હર્ષનાદથી ગુંજી ઊઠયુ હતુ.
આ ગૌરવશાળી સમારોહમાં રાજકીય, સામાજીક તેમજ બિઝનેસ ક્ષેત્રની અનેક નામાંકિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રહી હતી. જેમા લોર્ડ રાજ લૂમ્બા, લેડી લૂમ્બા, લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ રેન્જર, લેડી રેન્જર, લોર્ડ નવનીત ધોળકિયા, લેડી ધોળકિયા, લોર્ડ ભીખુ પારેખ, વિરેન્દ્ર શર્મા MP, બોબ બ્લેકમેન MP અને UKના એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ (ABPL)ના ચેરમેન સીબી પટેલ સહીતના મહાનુભાવો-મહેમાનોનો સમાવેશ થતો હતો.
વિદેશની ધરતી પર અમારી સિદ્ધિ અને વિજયી ક્ષણની ઉજવણી કરવી એક અદ્દભુત લહાવો : ઘનશ્યામભાઈ ભંડેરી (ચેરમેન – ભંડેરી લેબગ્રોન )
લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર પેલેસના હાઉસ ઓફ લોર્ડઝ પાર્લામેન્ટમાં આયોજીત એક ભવ્ય ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ સમારોહમાં ભંડેરી લેબગ્રોનના માલિક ઘનશ્યામભાઈ ભંડેરી, પ્રકાશભાઈ ભંડેરી, રુતેન ભંડેરી તેમજ કંપનીના સીઈઓ ડો.સ્નેહલ પટેલને પ્રતિષ્ઠીત ‘બ્રેકથ્રૂ ઇનોવેશન ઈન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ’ થી સન્માનિત કરાયા હતા. ભંડેરી લેબગ્રોન કંપની ને મળેલી આ વિશિષ્ટ સિધ્ધિ અંગે પ્રતિભાવ આપતા ભંડેરી લેબગ્રોનના ચેરમેન ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે વૈશ્વિક હીરા ઉદ્યોગમાં પરિવર્તન લાવવાના સફળ પ્રયાસની કદર બદલ મળેલ આ વિશેષ સન્માન અમારા માટે એક ગર્વરૂપ બાબત છે. વિદેશની ધરતી પર અમારી કંપનીની સિદ્ધિ અને વિજયી ક્ષણની ઉજવણી કરવી એ અમારા માટે એક અદ્દભુત લહાવો છે.
આ સિધ્ધિ ભંડેરી લેબગ્રોન કંપનીના દરેક કર્મચારીની નિષ્ઠા અને સખત મહેનતને આભારી : ડો.સ્નેહલ પટેલ (સીઈઓ- ભંડેરી લેબગ્રોન )
આ સિધ્ધિ ભંડેરી લેબગ્રોન કંપનીના દરેક કર્મચારીની નિષ્ઠા અને સખત મહેનતને આભારી છે. આ એવોર્ડ અમારા માટે સન્માનથી વિશેષ છે. જે અમને પ્રગતિના પંથે વધુ દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવાની અને ઇનોવેશન ક્ષેત્રે હજુ અધિક અસરકારક કામગીરી કરવાની પ્રેરણા આપે છે.
વૈશ્વિક લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગના ભાવિ માટે અમારી કંપનીએ આપેલા યોગદાનની કદર થાય એ સન્માનની વાત છે. અમે હીરા ઉદ્યોગમાં ઇનોવેશન અને સસ્ટેનિબીલિટી માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું. તેમણે ઉમેર્યુ કે લંડન સ્થિત હાઉસ ઓફ પાર્લામેન્ટ ખાતે આયોજીત ભવ્ય સુવર્ણ જયંતિ એવોર્ડ સમારોહમાં અમને એવોર્ડ એનાયત કરવા બદલ અમે અત્યંત કૃતજ્ઞતા સાથે આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.