ઉદ્યોગ સાહસિકોને શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ શીખવવા માટે ચેમ્બર દ્વારા આયોજીત સેમિનારમાં વક્તા વિનય પત્રાલે કહ્યુ કે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ધર્મ, જાતિ અને આર્થિક પરિસ્થિતિનો ભેદભાવ નષ્ટ કરી માણસો વચ્ચે ભેદભાવ નહીં રાખવાનું શીખવે છે.
DIAMOND TIMES – સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગત તારીખ14 ડિસેમ્બર અને ગીતા જયંતિના પાવન પ્રસંગે સમૃદ્ધિ નાનપુરા ખાતે ઉદ્યોગ સાહસિકોને ભગવદ્દ ગીતા માંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ શીખવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાત વકતા તરીકે મેનેજમેન્ટ ટ્રેનર એન્ડ મોટી વેશનલ સ્પીકર,ઓથર,કોલમીસ્ટ,રેકી માસ્ટર ભારત ભારતીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ વિનય પત્રાલેએ ઉદ્યોગ સાહસિકો ને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના વિવિધ અધ્યાયોમાંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ શીખવ્યા હતા.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ સેમિનારમાં સર્વેને આવકારી જણાવ્યું હતું કે ભારતના ગ્રંથો અને વેદોમાં જીવનશૈલીની પદ્ધતિ વર્ણવી છે.તો તેમાં જીવન જીવવા માટેનું જ્ઞાન અને વિવિધ વિડંબણાઓનું નિરાકરણ અપાયેલું છે.આજના આધુનિક યુગમાં પણ દુનિયા ભરના મોટીવેશનલ સ્પીકર્સ ભગવદ્દ ગીતાના અધ્યાયોને આધાર બનાવી બિઝનેસમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે.
વકતા વિનય પત્રાલેએ જણાવ્યું હતું કે આજે સમગ્ર ભારતમાં ધામધુમથી ગીતા જયંતિની ઉજવણી થઈ રહી છે.પરંતુ આવનારા સમયમાં તે વિશ્વભરમાં ઉજવાશે.ગીતા કહે છે કે જીવન આનંદ માટે છે.તમે તમારા બિઝનેસમાં શ્રેષ્ઠ છો તો અન્ય લોકો તેમાથી પ્રેરણા લેશે.આપણે આદર્શ બનીશું તો પરિવાર,સમાજ અને દેશ આદર્શ બનશે,બિઝનેસમાં પણ આજ સિધ્ધાંત કામ લાગશે.ભગવદ્દ ગીતા જ્ઞાન મેળવવાનું એક પ્રકારનું ગેઝેટ છે.પણ કમનસીબે એક ટકા જ્ઞાનનો લાભ પણ આપણે લેતા નથી.
જ્યારે બિઝનેસમાં કોઇ મુશ્કેલીઓ ઉભી થાય ત્યારે તેમાંથી બહાર કાઢવાની ક્ષમતા ભગવદ્દ ગીતામાં જ છે.એ જ તમને બિઝનેસમાં સફળતાની દિશામાં આગળ વધવા માટેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.ભગવદ્દ ગીતામાં અપાયેલા વિવિધ અધ્યાયોના વાંચન માત્રથી વ્યકિત તેના વ્યકિતગત,પારિવારિક,સામાજિક અને બિઝનેસમાં સફળતા હાંસલ કરી શકે છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥ ભગવદ્દ ગીતાનો આ શ્લો ખૂબ જ જાણીતો છે.જે વ્યકિત કર્મ કરે છે તેને ફળ મળવાનું જ છે.પણ તેણે ફળની ઇચ્છા વગર કર્મ કરવાના છે.હકીકતમાં દરેક ફળની આશા સાથે જ કર્મ કરે છે.પરંતુ વ્યકિતએ કર્મની પ્રવૃત્તિમાં જ ધ્યાન રાખવું જોઇએ વ્યકિત જે કઈપણ પ્રવૃત્તિ કરે છે તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઇને કર્મ કરે તેને યોગ કહેવાય છે.
બિઝનેસમાં સફળ થવા આધુનિક થવું પડશે.સમયની સાથે તાલમેલ સાધીને જ ચાલવું પડશે. જ્ઞાનની સાથે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સમાં પણ આગળ વધવું પડશે.જો આવું નહીં કરી શકશો તો ભવિષ્યમાં ફેંકાઇ જશો.શીખવું બંધ થઇ જશે તો જીતશો નહીં. એના માટે સતત શીખતા રહો અને પ્રગતિ કરો.