લઘુ ઉદ્યોગોને લોન આપવા બેંકો કેમ છે નિરૂત્સાહ ?

361

નાણાંભીડનો સામનો કરતા MSME સેક્ટર્સને સરળતાથી બેંક ધિરાણ મળે તે માટે સરકારે વ્યવસ્થા વધુ ઉદાર બનાવવી પડશે

DIAMOND TIMES –  કોરોનાની મહામારીના કારણે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME) સેક્ટર્સને પડેલી પ્રતિકૂળ અસરમાંથી તેમને બહાર કાઢવા કેન્દ્રએ ગયા વર્ષના મે મહીનામાં ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ(ઈસીએલજીએસ) લોંચ કરી હતી.આ સ્કીમનો ઉદ્દેશ્ય MSME સેક્ટર્સને કુલ રૂપિયા ૩ લાખ કરોડના ધિરાણ પૂરા પાડવાનો હતો.

જો કે આ ધિરાણ મેળવવા MSME સેક્ટર્સને ચોક્કસ પ્રકારને આકરી શરતોનું પાલન કરવાનું હતું.ગયા વર્ષના મે મહીનામાં જાહેર થયેલી આ સ્કીમ હેઠળ જાહેર સ્કીમના ટાર્ગેટના માત્ર પંચાવન ટકા જ લોન આપવામાં આવી હતી.જેની પાછળ લોન લેવા માટે સરકારે નિશ્ચિત કરેલા પાત્રતાના કડક નિયમો પણ જવાબદાર હોઈ શકે છે.આ યોજનાને ધારી સફળતા નહીં મળતા સરકારે તેને વર્તમાન વર્ષના ૩૦ જુન સુધી લંબાવી તેમાં અન્ય ક્ષેત્રોને પણ આવરી લીધા છે.ઈસીએલજીએસ-૧માં સુધારા કરી તેને વર્તમાન વર્ષના ૩૧મી માર્ચ સુધી લંબાવી તેને ઈસીએલજીએસ-૨ નામ અપાયું હતું અને હવે આ સ્કીમ વધુ લંબાવી ૩૦ જુન સુધી લઈ જવાઈ છે અને તેને ઈસીએલજીએસ-૩ તરીકે નામ અપાયું છે.આ ત્રણેય સ્કીમની મુદત ૩૦ જુન સુધી રખાઈ છે.

પ્રથમ સ્કીમ એમએસએમઈ તથા નાના વેપાર ગૃહો પૂરતી મર્યાદિત હતી.એમએસએમઈની વાત કરીએ તો દેશના અંદાજિત ૬.૩૩ કરોડ એમએસએમઈમાંથી ૯૯ ટકા એકદમ નાના સ્તરે કામગીરી બજાવી રહ્યા છે.દેશમાં કાર્યરત એમએસએમઈ ૧૧ કરોડ આસપાસ કામદારોને રોજગાર પૂરા પાડે છે અને જીડીપીમાં અંદાજે ૩૫ ટકા જેટલું યોગદાન ધરાવે છે. દેશમાં માઈક્રો સ્તરની કંપનીઓની ઉત્પાદન ક્ષમતા કરતા મધ્યમ સ્તરની કંપનીઓની ઉત્પાદન ક્ષમતા બે ગણી હોવાનો અંદાજ છે.ત્યારે માઈક્રો એકમોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય અને તેઓ વધુ સ્પર્ધાત્મક બને તે જરૂરી છે.

નાણાંભીડ સહિતના કારણોસર એમએસએમઈ વિસ્તરણ કાર્યક્રમો હાથ ધરી શકતી નથી. વિસ્તરણના અભાવે તેઓ પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકતા નથી અને વર્ષો સુધી એક જ સ્થિતિમાં જોવા મળે છે.અત્યાર સુધીની દરેક સરકારોએ આ ક્ષેત્રોના વિકાસ માટે અનેક નીતિઓ તથા કાયદાઓની રચના કરી હોવા છતાં તેનું કોઈ અર્થપૂર્ણ પરિણામ જોવા મળ્યું નથી. જેને કારણે દેશના અર્થતંત્રએ જ સહન કરવું પડી રહ્યું છે.કોરોનાની મહામારીમાં એમએસએમઈ ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડયો છે.લિક્વિડિટીની ખેંચ, ઢીલથી થતા પેમેન્ટસ, ડીફોલ્ટ જોખમ, પૂરવઠા સાંકળમાં ખલેલ તથા શ્રમિકોની અછત જેવા પડકારોનો દેશના એમએસએમઈ સામનો કરી રહ્યા છે.

એમએસએમઈ એક એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે જ્યાં તેમની આવકનું સ્તર સતત નીચુ રહ્યા કરે છે અને ખપપૂરતી આવક કરી રહ્યા છે.જેને કારણે તેમની પાસે એવી કોઈ વધારાની રકમ બચતી નથી જેનો ઉપયોગ તેઓ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા કરી શકે. નીચી આવકને કારણે એસેટસ ઊભી કરવાનું પણ આ ક્ષેત્રો માટે શકય બનતું નથી જેની સામે તેઓ ફાઈનાન્સિંગ મેળવી શકે. દેશના ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઈનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. કૃષિ ક્ષેત્ર બાદ રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈ બીજા ક્રમે આવે છે,આવી સ્થિતિમાં એમએસએમઈને ઉદાર હાથે ધિરાણ મળી રહે તે જરૂરી છે.

છેલ્લા એક દાયકામાં એમએસએમઈને ધિરાણ પ્રાપ્ત થાય તે માટે અનેક પ્રયાસો થયા છે પરંતુ આ ક્ષેત્રને ધિરાણ વૃદ્ધિ થાય તે માટે હજુ ઘણું કરવાનું બાકી છે. ભારતીય અર્થતંત્રમાં એમએસએમઈની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખતા આ ક્ષેત્રની સમશ્યાઓને હળવેકથી લઈ શકાય નહીં. સરકારની ગયા વર્ષની ઈસીએલજીએસ હેઠળ જાન્યુઆરી સુધીમાં ૪૨,૪૬,૮૩૧ જેટલા એમએસએમઈ તથા નાના વેપાર ગૃહોને લોન્સ પૂરી પડાઈ છે.

દેશમાં કાર્યરત ૬ કરોડથી વધુ એમએસએમઈને ધ્યાનમાં લઈએ તો સરકારની સ્કીમનો લાભ માત્ર ૮થી ૯ ટકા જ એમએસએમઈએ લાભ લીધો છે અથવા તો લઈ શકયા છે. આ પાછળનું એક કારણ દેશના કુલ એમએસએમઈમાંથી ૭૦ લાખથી એક કરોડ જ એમએસએમઈ એવા હોવાનું મનાય છે જે વિધિસરના ધિરાણ મેળવવાને પાત્ર છે. બાકીના એમએસએમઈ એવા છે જે અસંગઠીત વાતાવરણમાં કામ કરે છે જેને કારણે વિધિસરનું ધિરાણ મેળવવામાં તેમની માટે મુશકેલ રહે છે.

સરકાર એમએસએમઈને ધિરાણ પૂરા પાડવામાં ખરેખર ગંભીર હોય તો આવા પ્રકારના એમએસએમઈને ઓળખી કાઢી તેમને ધિરાણ વૃદ્ધિમાં ટેકો પૂરો પાડવાની કવાયત હાથ ધરવી રહી. કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવો હશે અને દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધારવો હશે તો એમએસએમઈ માટે ટેકનોલોજીના પીઠબળ સાથેની સરળ ધિરાણ વ્યવસ્થા ઊભી કરવાનો વ્યૂહ આવશ્યક બની ગયો છે. એમએસએમઈને નાણાંનો ફલોસ વધારવો જરૂરી છે. રિઝર્વ બેન્કની સ્કીમ છતાં બેન્કો નાના ઉપક્રમોને નાણાં ધિરવામાં ખાસ ઉત્સાહ ધરાવતી નથી. આવી સ્થિતિમાં નાના ઉત્પાદન એકમો માટે વૈકલ્પિક ધિરાણ યંત્રણા ઊભી થાય તે આજના સમયની માગ છે.