રિપેમેન્ટની ક્ષમતા પર અસર થતા ગોલ્ડ લોનમા નાદારી વધવાની આશંકા

518

DIAMOND TIMES- કોરોના મહામારીથી ધંધા-રોજગારને અસર થતા તેમજ બેરોજગારી વધતા સોના સામે ધિરાણ આપતી બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને ગોલ્ડ લોન ડિફોલ્ટની સમસ્યાઓ સામનો કરવો પડી રહ્યો છે.

ગત વર્ષના ઉંચા સ્તરેથી સોનાના ભાવમાં 15 ટકાના કડાકાથી કોરોના મહામારીમાં લોનધારકોની પરત ચૂકવણીની ક્ષમતાઓ પ્રભાવિત થઇ છે. આ સંકટને રોકવા માટે મોટી એનબીએફસીઓ ગ્રાહકોને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વધુ સમય આપીને અથવા નવી સ્કીમની ઓફર કરીને ચૂકવણી કરવામાં અસમર્થ ગ્રાહકોનો બોજ પોતે સહન કરી રહી છે. જેથી ડિફોલ્ટની સંખ્યા વધતી અટકાવવામાં મદદ મળી છે.જો કે કોમર્શિયલ બેન્કો હજી પણ વ્યક્તિગત સર્વિસના લેવલે સુસંગત નથી કે જે રીતે એનબીએફસી એનપીએને મર્યાદિત રાખવાનો પ્રયત્ન છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચીફ મેનેજર જીઆર જયકૃષ્નને અગ્રણી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ કે ગોલ્ડ લોનની એનપીએમાં પાછલા વર્ષની તુલનાએ 10થી 15 ટકાની વૃદ્ધિ થઇ શકે છે.અમે ઉદારતાપૂર્વક ગ્રાહકોને રાહત આપવા માટે બાકી વ્યાજની ચૂકવણી કર્યા બાદ સોનાને ફેર ગિરવે મૂકવાની મંજૂર આપી રહ્યા છીએ.ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ધરાવતી ગોલ્ડ લોનના કિસ્સામાં એનપીએની સ્થિતિ વધુ વકરી ગઇ છે.આવા કેસમાં એનપીએ બમણી થઇ ગઇ છે . પાછલા વર્ષની તુલનાએ સોનાની કિંમતમાં ઝડપી ઘટાડાને પગલે બાકી ઋણ વધી ગયુ છે.

ઓગસ્ટ-2020માં જ્યારે સોનાની કિંમત પ્રતિ એક ગ્રામ દીઠ 5250 રૂપિયાની ટોચે પહોંચી ગઇ હતી ત્યારે રિઝર્વ બેંક 31મી માર્ચ, 2021 સુધી સોનાની કુલ મૂલ્યના 90ટકા સુધીની લોન આપવાની મંજૂરી આપી હતી, જેથી લોકોની નાણાંકીય સમસ્યા ઓછી થઇ શકે. કોરોના મહામારીની પ્રથમ લહેરમાં નોકરી ગુમાવતા અને પગારમાં ઘટાડો થતા લોકોએ સોનું ગિરવે મૂકી ઘર ખર્ચ ચલાવ્યુ હતુ.