રશિયા સાથે રૂપિયામાં ધમધોકાર વેપારના પગલે હીરા ઉદ્યોગમાં પ્રતિબંધની કોઈ અસર નહી

DIAMOND TIMES : પ્રતિબંધો અસરગ્રસ્ત રશિયા સાથે ભારતનો રૂપિયામાં વેપાર શરૂ થયો છે.સરકાર પણ રૂપિયામાં વેપારને સરળ બનાવવાના માર્ગમાં આવતી અડચણોને દૂર કરવા મક્કમ હોવાથી તેમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. વધુમાં રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની હીરા ઉદ્યોગ પર કોઇ નકારાત્મક અસર જોવા મળી નથી.ભારતનો હીરા ઉદ્યોગ રશિયામાથી રફ હીરાની મોટા પાયે આયાત કરે છે. નોંધનિય છે કે ભારતના હીરા ઉદ્યોગમાં રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધની પ્રારંભમાં અસર જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ સરકારે તાબડતોબ પગલા ઉઠાવીને રશિયા સાથે રૂપિયામાં વેપારની સવલત શરૂ કરી દેવામાં આવતા આ સમસ્યાનો સુખદ અંત આવ્યો છે.

હાલમાં કુલ 9 ભારતીય બેંકોને રશિયા સાથે વિદેશી વેપાર કરવા માટે 14 ડિસેમ્બર સુધી 17 વિશેષ વોસ્ટ્રો રૂપિયા ખાતા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.આ ભારતીય બેંકોમાં UCO બેંક, ભારતીય બેંક, HDFC બેંક, યસ બેંક, SBI, IndusInd બેંક, IDBI બેંક, કેનેરા બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય ચે. આસિવાય રશિયાની બે સૌથી મોટી બેંક Sberbank અને VTB બેંકમાં વધુ 2 ખાતા ખોલવામાં આવ્યા છે.

જુલાઈમાં રિઝર્વ બેંકની જાહેરાત બાદ વિદેશી વેપારમાં રૂપિયાના વ્યવહારો, ખાસ કરીને રશિયા સાથેના વેપારની ઘણી અપેક્ષા હતી.આનું કારણ એ છે કે માર્ચમાં તેની સાથે વેપારમાં ભારે ઘટાડો થયો હતો અને ત્યાર પછી અમેરિકા અને તેના સાથીઓએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા.ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટસ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે રૂપિયામાં ટ્રેડિંગની વ્યવસ્થા ભારત અને રશિયા વચ્ચે વેપાર માટે નવો માર્ગ મોકળો કરશે.

આગામી સમયમાં રશિયા ઉપરાંત શ્રીલંકા અને મોરેશિયસ જેવા નાના દેશો પણ ટૂંક સમયમાં રૂપિયામાં વેપાર શરૂ કરે તેવી શક્યતા છે.ભારત અન્ય દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત, ક્યુબા, સુદાન, લક્ઝમબર્ગ વગેરે સાથે પણ સંપર્કમાં છે. જેથી સ્થાનિક ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકાય.