બેઈનનો લેટેસ્ટ અહેવાલ : જ્વેલરી ક્ષેત્રનો અપેક્ષાથી પણ અનેક ગણો ઉત્તમ દેખાવ

778

અમેરીકન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા સરકારી આંકડાઓએ પણ જેમ એન્ડ જ્વેલરી સેકટર્સની ઝડપી રીકવરીને આપ્યુ સમર્થન

DIAMOND TIMES – અમેરીકા સ્થિત વિખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ બેઈન એન્ડ કંપની તથા ઇટાલિયન ઉદ્યોગ જૂથ અલ્તાગમ્માનીએ સંયુક્ત રીતે લક્ઝરી સ્ટડી 2021 સ્પ્રિંગ અપડેટ અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે. આ અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં લદાયેલા વૈશ્વિક લોક ડાઉનના પ્રારંભિક મહીનાઓમાં અત્યંત વિકટ પરિસ્થિતિમાં આવી ગયેલા જેમ એન્ડ જ્વેલરી સેક્ટર્સએ લોકડાઉન સમાપ્તિ પછીના ગણતરીના મહીનાઓમાં જ નિષ્ણાંતોએ સેવેલી આશા અને અપેક્ષાઓથી પણ અનેક ગણો ઉત્તમ દેખાવ કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમેરીકન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા સરકારી આંકડાઓ પણ બેઈન એન્ડ કંપનીના અહેવાલને સમર્થન આપ્યુ છે.

યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર કોરોના મહામારીની શરૂઆતના મહિનાઓની તુલનાએ વર્તમાન સમયમાં ઝવેરીઓ ખુબ જ સારી સ્થિતિમાં આવી ગયા છે.સરકારી આંકડાઓ મુજબ ગત નાણાકીય વર્ષ 2020 ના અંતિમ ત્રિમાસિક ગાળામાં કોરોના મહામારીના પગલે વોચ અને જ્વેલરીના વેચાણમાં 78.5 ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો.સિગ્નેટ,ટિફની અને મોવાડો સહીતની લકઝરી કંપનીઓના વિશ્વસનીય અને સુસંગત પ્રદર્શન અને વેંચાણના ડેટાના આધારે અમેરીકાના બજાર નિષ્ણાત કેન ગેસમેનએ માર્કેટ રિકવરીનો અંદાજ પહેલેથી જ મુકી રાખ્યો હતો.પરંતુ તેના અંદાજથી પણ ઉત્ત્મ દેખાવ સાથે નાણાકીય વર્ષ 2021માં ફેબ્રુઆરી થી એપ્રિલ એમ કુલ ત્રણ મહિના દરમિયાન અમેરીકામાં ઘરેણાંનું વેચાણ સંતોષકારક અને અત્યંત ઉત્સાહજનક રહ્યુ છે.

બેઈન એન્ડ કંપનીના ભાગીદાર ક્લાઉડિયા ડી’આર્પિઝિઓએ કહ્યુ કે ચાઇનામાં મજબૂત પુન:રિકવરી પ્રાપ્તિ અને યુએસમાં અણધાર્યા ઉછાળાથી જેમ એન્ડ જ્વેલરીના સેલ્સમાં વધારો થયો છે. અમેરીકાની યંગ જનરેશન એક મજબુત નવા અને મોટા ગ્રાહક વર્ગ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે.ગ્રાહકોમાં વિશ્વાસ વધુ મજબુત બનતા એક ખુબ મોટો વર્ગ જ્વેલરીની ખરીદીમાં રૂચિ દાખવી રહ્યો છે. આ સકારાત્મક બાબત આગામી મહીનાઓમાં પણ હીરા અને ઝવેરાતના વેંચાણમાં વૃદ્ધિ જળવાઈ રહે તેવા સંકેત આપે છે. ચાલુ વર્ષ 2021ના અંત સુધીમાં જેમ એન્ડ જ્વેલરીનું વેંચાણ 265 અબજ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચે તેવી તેમણે સંભાવના વ્યકત કરી છે.