બેઈન એન્ડ કંપનીના રિપોર્ટમાં રફની અછત એક દાયકા સુધી રહેવાની આગાહી

લેબગ્રોન હીરાને બજારમાં ફેવિકોલ જેવુ મજબુત સ્થાન જમાવવાની સુવર્ણ તક 

કહેવાય છે કે તક જ્યારે તેનો એક દરવાજો દરવાજો બંધ કરે ત્યારે બીજા અનેક દરવાજા ખુલતા હોય છે.બસ તેને ઓળખવાની અને નિષ્ઠા પુર્વક મહેનત કરવાની જરૂરીયાત હોય છે.લોઢુ જ્યારે ગરમ હોય ત્યારે જ પ્રહાર કરવો જોઇએ.જેથી નિર્ધારીત પરિણામ ઝડપથી હાંસિલ કરી શકય છે.

ડાયમંડ ટાઈમ્સની ટેગ લાઈન ” ન્યુઝ યુ કેન યુઝ”ની પ્રતિબધ્ધતા સાથે ખુબ જ જહેમત પછી હીરા ઉદ્યોગને ઉપયોગી થાય એવી રસપ્રદ માહીતી સાથે આ કવર સ્ટોરીનું આલેખન કરવામાં આવ્યુ છે. પુર્ણ વિશ્વાસ છે કે રફ ખાણકામ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને ભાવિ દર્શન અંગે જાણ્યા પછી આ માહીતિના આધારે ઉદ્યોગકારો અને હીરા ઉદ્યોગના વિકાસમાં બેજોડ યોગદાન આપનાર ટેકનોલોજી કંપનીઓ ભવિષ્યની બિઝનેસ રણનીતી બનાવી ઝળહળતી પ્રગતિ કરશે તો આ મહેનત લેખે લાગી ગણાશે…

DIAMOND TIMES  COVOR STORY –  અમેરીકા સ્થિત ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ બેઈન એન્ડ કંપની તેમજ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરનો 11 મો સંયુક્ત વાર્ષિક અહેવાલ બહાર પડયો છે. એ બ્રિલિયન્ટ રિકવરી શેપ્સ અપ શીર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા ગ્લોબલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી રિપોર્ટ 2021- 22મા હીરા ઉદ્યોગની વર્ત્માન સ્થિતિ અને ભવિષ્ય ને લઈને અનેક રોચક તારણો બહાર આવ્યા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે વિતેલા વર્ષ 2021 માં હીરા ઉદ્યોગે અને ઉજ્જવળ વળાંકો જોયા છે. ગત વર્ષમાં વૈશ્વિક હીરા ઉદ્યોગે તેની સ્થિતિ સ્થાપકતા પણ સાબિત કરી બતાવી છે. તદ્દઉપરાંત માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર પાઇપ લાઇનના દરેક સેગમેન્ટે અત્યંત ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. હીરા અને ઝવેરાત ક્ષેત્રના કારોબારના આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે હીરા ઉદ્યોગ હાલ અત્યંત આદર્શ સ્થિતિમાં છે.

ગ્લોબલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રફ હીરાના પુરવઠાની તંગી આગામી એક દાયકા સુધી રહેવાની છે. જેના પગલે રફ હીરાની માંગ અને કિંમતો પણ મજબુત રહેશે.ખાસ કરીને હીરા મેન્યુફેકચરીંગનું હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ માટે આ સમાચાર ખુબ જ મહત્વના છે.

અહેવાલ અનુસાર વિતેલા વર્ષ 2020 માં રફ હીરાનું વૈશ્વિક ઉત્પાદન 20 ટકા ઘટીને 111 મિલિયન કેરેટ થયું છે. કોરોના મહામારીન પગલે અનેક મોટી રફ હીરાની ખાણોમાથી ઉત્પાદન સ્થગિત કરવાની ફરજ પડી હતી.પરંતુ રફ હીરા ની ખાણો વર્ષ 2021માં પુન: કાર્યવંતિત કરાતા રફ ઉત્પાદન 4.5 ટકા વધીને 116 મિલિયન કેરેટ થયું હતું.

જો કે રફ હીરાની સંમાતરે તૈયાર હીરા અને હીરા જડીત દાગીના ની વૈશ્વિક નક્કર માંગ નીકળી હતી.પરિણામે સુરતની અનેક મોટી કંપનીઓને રફ હીરાની જંગી જરૂરીયાત ઉભી થઈ હતી.જેને પુર્ણ કરવામાં રફ કંપનીઓ નિષ્ફ્ળ નિવડતા રફના ઉત્પાદનમાં 4.5 ટકાની વૃદ્ધિ વચ્ચે પણ રફના પુરવઠાની સ્થિતિ વધુ નાજુક બની હતી.

ખાણ ઉદ્યોગનું ભાવિ સંદર્શન : વિશ્વમાં હીરાની ખાણોમાં ખજાનો ખાલી થઈ રહ્યો છે.

બેઈન એન્ડ કંપનીની વર્તમાન આગાહી અગાઉ પણ નિષ્ણાંતો રફ હીરાના મર્યાદીત ઉત્પાદન અને પુરવઠાની અછત ઉભી થવા અંગે ઉદ્યોગને અનેક વખત એલર્ટ કરી ચુક્યા છે. આ અગાઉ પણ જાણકારોએ આ મુદ્દે હીરા ઉદ્યોગને સાવચેત કરતા આગાહી કરી હતી કે આગામી વર્ષ 2035 સુધીમાં રફ હીરાનું વૈશ્વિક ઉત્પાદન ઘટીને લગભગ અડધું થઈ જશે.

એક અંદાજ પ્રમાણે હાલમાં વિશ્વમાં રફ હીરાનો અનામત જથ્થો લગભગ 2 અબજ ડોલર કેરેટ છે.વર્તમાન સમયે રશિયા ,કોંગો,બોટ્સવાના,ઓસ્ટ્રેલિયા,કેનેડા,અંગોલા,દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સહીતના દેશો લગભગ 99 ટકા રફ હીરાનું ઉત્પાદન કરે છે. પરંતુ પ્રત્યેક ખાણ કંપનીઓની વર્તમાન ઉત્પાદન ક્ષમતા,ભાવિ વિસ્તરણની યોજનાઓ તેમજ ખાણ સંસાધનો વિષયક માહિતીઓના આધારે રફ હીરાના ભાવિ ઉત્પાદન અંગે મૂલ્યાંકન કરતા એટલું ચિત્ર જરૂર સ્પષ્ટ થાય છે કે વિશ્વમાં હીરાના ભંડારો ખાલી થઈ રહ્યા છે.

રશિયામાં 90 ટકાથી વધુ રફ હીરાનું ઉત્પાદન અલરોઝા દ્વારા કરવામાં આવે છે. મિર ખાણ દુર્ઘટના પછી રશિયાના હીરા ઉત્પાદનમાં 2.5 ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે ઉદકની,સખૈ એને અર્ખાંગેસ્ક સ્થિત હીરાની ખાણોમાં આયોજન બદ્ધ વિસ્તરણની કામગીરી જારી છે, તેને ધ્યાનમાં લેતાં નિશ્ચિત પણે કહી શકાય કે આગામી દાયકા પછી રશિયામાં રફ હીરાના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે.

છતાં અપેક્ષિત છે કે આ વિકાસ યાત્રા માત્ર ગણતરીના વર્ષ સુધી જ જારી રહી શકે છે. જાણકારોનું કહેવુ છે કે રશિયાના હીરાના પ્રમુખ સ્રોત યુબિલેઈનાયા પાઈપ,નુર્વિન્સ્કાયા અને ઈન્ટરનેશનલનાયા પ્રદેશોમાં સંસાધનોના ઘટાડાને કારણે વર્ષ- 2031 સુધીમાં રફ ઉત્પાદન 30 ટકા નીચે જશે. જો અલરોઝા વર્ષ 2024 સુધીમાં મિરખાણને ફરી શરૂ કરવાની યોજના પર અમલી કરણ કરવામાં ગોથા ખાશે તો રફ ઉત્પાદન ઘટાડાનું સંકટ વધુ ગંભીર બને તો નવાઈ નહીં.

બોટ્સવાનાના ઓરાપા અને જ્વાનેન્ગ ખાણ પ્રદેશો હીરાના વિપુલ સંસાધનો પૈકી એક છે, જે દેશના કુલ ઉત્પાદનના 95 ટકા હીરા પુરાં પાડે છે. ડેબ્સવાનાના વર્તમાન આયોજન મુજબ આ ક્ષેત્રોમાં વર્ષ 2030 થી 2034 સુધી ઉત્પાદન કાર્ય સંભવ છે. ત્યારબાદ તેમા પણ ઘટાડાને અવકાશ છે. ડેબ્સવાના સંચાલિત દામ્ત્શા અને લેટહાકમાં ઉત્પાદન મંદ છે.

ઉપરાંત ઘાઘૂ,લેરાલા અને કરોવે એમ બીજી ત્રણ નાની ખાણો છે, જેમાં અત્યારે માત્ર કરોવે ખાણની કામગીરી સારી છે. ટૂંકમાં બોટ્સવાનાનું રફ ઉત્પાદન 1960 અને 1970 વચ્ચેના સમયગાળામાં મળી આવેલી ઓરાપા અને જ્વાનેન્ગ ખાણો પર નિર્ભર છે. બોટ્સવાનામાં સાનુકૂળ સક્રિય ભૂસ્તરીય ખોદકામ સંશોધન કામગીરી છતાં પણ આ સ્તરની કોઈ નવી ખાણ આજદિન સુધી હાથ લાગી નથી.

કેનેડાના હીરા ખાણ ઉદ્યોગની વાત કરીએ હાલમાં એકાતી અને ડાયવીક ખાણ દેશના 60 ટકા હીરાનું ઉત્પાદન કરે છે. ડાયવીકનું આયુષ્ય વર્ષ 2025 પછી સમાપ્ત થવાની ધારણા છે. જો કે હાલ વર્ષ 2035 સુધી સંભવિત આયુષ્ય ધરાવતી એકાતી ખાણની અવધિ વર્ષ 2042 સુધી લઈ જવા યોજના પર અમલ જારી છે.

અંગોલામાં હીરાના પ્રમુખ સ્રોત કટોકા ખાણનો ખજાનો પણ વર્ષ 2025 સુધીમાં ખાલી થવાની વકી છે.અલરોઝા સાથે ભાગીદારીમાં રાષ્ટ્રીયકૃત કંપની એન્ડિઆમા દ્વારા અમલી નવી હીરાની ખાણ બુએક્સ ખાતે કામગીરી આરંભ કરવાના આયોજીત પ્રોજેક્ટ આ સંભાવનાને પગલે ઘોંચમાં પડી શકે છે.

અલરોઝાના અંદાજ મુજબ લુએક્સ ખાણ ખાતે ઉત્પાદન પૂર્વે કામગીરી સંપન્ન થતાં થોડા વર્ષો લાગી શકે છે. આ ખાણ વાર્ષિક 8 થી 10 લાખ કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. અંગોલામાં અન્ય એક નવા હીરા ભંડાર ધરાવતા ક્ષેત્રની ઓળખ કરવામાં આવી છે. સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવામાં અને હીરા ખાણ ઉદ્યોગને વિકસાવવમાં સક્રિય છે.

દક્ષિણ આફ્રિકામાં અનુમાનોથી વિપરિત હીરા ઉત્પાદનમાં અચાનક ઓટ આવી છે. આ સ્થિતિનું પ્રમુખ કારણ ઉચ્ચ ગુણવત્તાના વિશાળ ભંડારો ખડકાળ જમીનમાં ઘણી ઊંડાઈએ છે.નામિબિયાની એક માત્ર સમુદ્ર તટવર્ધીય હીરાનો ઓરેંજ રિવર અને એટલાન્ટિક કાંઠા વિસ્તારમાંથી પ્રતિ વર્ષ માત્ર 15 થી 20 લાખ કેરેટ રફ હીરાનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આ દેશમાં 100 મિલિયનથી વધુ કેરેટ હીરા સંસાધનો નો મોટો જથ્થો હોવાનું અનુમાન છે. પરંતુ હીરા શોધવાની કામગીરી માત્ર જટિલ જ નહીં,પણ ભારે ખર્ચાળ હોઈ, ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સ્થિતિના કારણે આ સંસાધનો તરફ રોકાણકારો દુર્લક્ષતા સેવી રહ્યા છે.

ઉપરાંત વાર્ષિક 11 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરતી ઓસ્ટ્રેલિયા સ્થિત રિયો ટિંટોની અર્ગીલ ખાણ બંધ કરવાની ફરજ પડી છે. જો કોઇ ચમ્ત્કાર ન થાય તો આ માહીતીના આધારે અનુમાન કરી શકાય છે કે વર્ષ 2035 સુધીમાં વૈશ્વિક રફ હીરાનું ઉત્પાદન ઘટીને અડધો અડધ થઈ જશે.

હીરા અને ઝવેરાતની માંગ વધવાની અપેક્ષા વચ્ચે રફના પુરવઠાની સમસ્યા યથાવત રહેશે : બેઈન એન્ડ કંપનીના પાર્ટનર ઓલ્યા લિન્ડે  

બેઈન એન્ડ કંપનીના પાર્ટનર ઓલ્યા લિન્ડેએ કહ્યુ કે અનેક વર્ષો પછી મજબૂત માંગ અને વૈશ્વિક ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આટલી ઝળહળા તેજી જોઈ છે.જે આગામી વર્ષોમા પણ બરકરાર રહેવાની ધારણા છે. જેના પગલે રફ હીરાની માંગ વધવાના અણસાર મળી રહ્યાં છે.

બીજી તરફ ટૂંકા ગાળામાં રફ કંપનીઓ દ્વારા રફ ઉત્પાદન વધારવા ની ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે. ઓલ્યા લિન્ડેએ દાવો કર્યો કે વિતેલા વર્ષ 2021માં રફ ઉત્પાદન 29 મિલિયન કેરેટના સર્વકાલીન નીચા સ્તરે આવી ગયુ છે. જ્યારે આગામી પાંચ વર્ષમાં વાર્ષિક રફ ઉત્પાદન માં માત્ર 1 થી 2 ટકાની વૃદ્ધિની ધારણા છે. તેમણે કહ્યુ કે ચાલુ વર્ષ 2022 ના અંત સુધીમાં રફ ઉત્પાદન માત્ર 122 મિલિયન કેરેટ જ થવાની અપેક્ષા છે.

લેબગ્રોન હીરાને વૈશ્વિક બજારમાં ફેવિકોલ જેવુ મજબુત સ્થાન જમાવવાની સુવર્ણ તક 

આગામી વર્ષોમાં કુદરતી હીરા અને ઝવેરાતની માંગમાં જંગી વધારો થવાની અપેક્ષા છે.તો બીજી તરફ રફ હીરાના પુરવઠાની અછતના પગલે તૈયાર હીરા ક્યાથી લાવવા ? તે એક મોટો સવાલ ઉભો થવાનો છે. આવી સ્થિતિ વચ્ચે લેબગ્રોન હીરાને બજારમાં ફેવિકોલ જેવુ મજબુત સ્થાન જમાવવાની સુવર્ણતક ઉપલબ્ધ થવાની છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુદરતી હીરાની મોટા ભાગની કેટેગરીમાં ઉપલબ્ધતા ઘટવાની છે.આવી સ્થિતિ વચ્ચે સંભવિત રીતે લેબગ્રોન ઉત્પાદનો કુદરતી હીરાની અછતને પુર્ણ કરશે.વર્તમાન સમયે અલગ શ્રેણીમાં લેબગ્રોન ઉત્પાદનો વૈશ્વિક બજારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.

લેબગ્રોન ઉત્પાદનોના વૈશ્વિક બજારમાં વર્તમાન પ્રદર્શન પર નજર કરીએ તો લેબગ્રોન હીરા જડીત દાગીનાનું વેંચાણ પ્રતિવર્ષે લગભગ 20 થી 25 ટકાના દરે વિસ્તરી રહ્યું છે. અમેરીકા અને યુરોપના તહેવારોની સિઝનમાં 2020 ની તુલનાએ લેબગ્રોન હીરાના વેચાણમાં 60 ટકાની જ્યારે વર્ષ 2019 ની તુલનાએ 45 ટકાની જંગી વૃદ્ધિ થઈ છે.

આગામી પાંચ વર્ષમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 34.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી જવાની જાણકારો અપેક્ષા રાખી રહ્યાં છે. લેબગ્રોન હીરાના વૈશ્વિક બજાર અંગે ટ્રાન્સપરન્સી માર્કેટ રિસર્ચનો લેટેસ્ટ અહેવાલ પ્રકાશિત થયો છે. જેમા પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2027 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર 7.2 ટકાની વૃદ્ધિ સાથે 34.3 બિલિયન અમેરીકી ડોલરને પાર કરી જશે !!!