‘સ્પીટીંગ બેગ’ અને ટેકસટાઇલ ક્ષેત્રે સમગ્ર વેલ્યુ ચેઇનમાં ‘ઓનલાઇન બીટુબી સર્વિસ પોર્ટલ’નું સોલ્યુશન આપનારા વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા

101

ડાયમંડ ટાઈમ્સ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આઇ હબના સંયુકત ઉપક્રમે તા. રપ થી ર૭ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ડિઝાઇન થિન્કીંગ ફોર સ્ટાર્ટઅપ્સ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧પ૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ વર્કશોપમાં પ્રથમ દિવસે ડિઝાઇન થિન્કીંગ માટેની આર્થ યુનિવર્સલ સ્કૂલના દુર્ગેશ દુબેએ ડિઝાઇન થિન્કીંગની મુળભુત બાબતો અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. જ્યારે ટેકેર ઇનોવેશન એલએલપીના કો–ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેકટર હરેશ કલકત્તાવાલા દ્વારા ડિઝાઇન થિન્કીંગના સિદ્ધાંતો પ્રમાણે વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ ઉભા કરવાની ક્ષમતા નિર્માણ થઇ શકે તેના માટે મેનેજમેન્ટ ગેમ રમાડવામાં આવી હતી. પ્રથમ દિવસના અંતે ચેમ્બર દ્વારા હાજર વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની વિવિધ ઇન્ડસ્ટ્રીને નડતરરૂપ વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા.ત્રણ દિવસમાં પ્રોબ્લેમ ઉપર જે સોલ્યુશન સંબંધિત સ્ટાર્ટઅપનો પ્લાન કરવા ચેમ્બર દ્વારા વિદ્યાર્થીઓને ટાસ્ક આપવામાં આવ્યો હતો.

વર્કશોપના બીજા દિવસે સિન્કોરો વેન્ચુરના કશ્યપ પંડયા દ્વારા હાઉ ટુ ક્રિએટ પીચડેક વિષય ઉપર મહત્વનું વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ્યારે સ્ટાર્ટઅપ ફંડ ઉઘરાવવા જાય ત્યારે કઇ બાબતોનું ધ્યાન રાખવું અને પોતાના ફંડ રેઝીંગ પ્લાનમાં કયા મહત્વના પાસાઓ ઉમેરવા જોઇએ તેના વિશે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તે જ દિવસે હરેશ કલકત્તાવાલા દ્વારા બિઝનેસ મોડેલ કેવી રીતે બનાવવામાં આવે છે? તેના વિશે ગેમ રમાડી વર્કશોપ કરવામાં આવ્યો હતો. ત્રીજા દિવસે એસવીએનઆઇટીમાં એસોસીએશન ફોર હાર્નેસિંગ ઇનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપના સીઇઓ કલ્પ ભટ્ટ દ્વારા ‘લાઇફ સાયકલ ઓફ અ સ્ટાર્ટઅપ’ વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્રીજા દિવસના અંતે વિદ્યાર્થીઓ દ્વારા જાતે ટીમ બનાવી ચેમ્બર દ્વારા આપેલા વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉપર સોલ્યુશન આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની છ ટીમોએ ડિઝાઇન થિન્કીંગના સિદ્ધાંતોનો ઉપયોગ કરી જુદા–જુદા પ્રશ્નો ઉપર પોતાના સ્ટાર્ટઅપનું પ્રેઝન્ટેશન ચેમ્બર દ્વારા નિર્મિત ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇ, કો–ચેરમેન હરેશ કલકત્તાવાલા, આઇ હબના તૃષ્ણા યાજ્ઞિક અને ચેમ્બરના ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ સમક્ષ રજૂ કર્યા હતા. આ પ્રેઝન્ટેશનના અંતે વિદ્યાર્થીઓની બે ટીમો દ્વારા આપેલા સોલ્યુશનને ઇન્કયુબેશન, મેન્ટરીંગ અને ડેવલપમેન્ટ સપોર્ટ આપવાનું ચેમ્બરની કમિટી દ્વારા નકકી કરવામાં આવ્યું હતું. તદુપરાંત આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ચેમ્બર દ્વારા વિજેતા અને ફર્સ્ટ રનર્સ અપ ટીમને એવોર્ડ એનાયત કરાયા હતા.

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ‘સ્પીટીંગ બેગ’નું સોલ્યુશન મળ્યું

પ્રથમ વિજેતા ટીમમાં વિદ્યાર્થીઓ કૃતિક રૂદાની, મનિષ પ્રજાપતિ, ચેતન ખાંડેકર અને પરીતા કસવાલા દ્વારા કોવિડ– ૧૯ની પરિસ્થિતિમાં વાયરસનો ફેલાવો અટકાવવા માટે ‘સ્પીટીંગ બેગ’નું સોલ્યુશન આપવામાં આવ્યું હતું. આ સ્પીટીંગ બેગ કોઇપણ પ્રકારનું લીકવીડ કે સલાઇવાને જીવાણુનાશક પ્રક્રિયા થકી પાંચ સેકન્ડમાં સોલિડીફાઇ કરી નાંખે છે. આથી આ બેગનો ઉપયોગ સુરક્ષિત રહી શકે છે. આ બેગ બાયોડીગ્રીડેબલ હોય વપરાશકારો તેનો નિકાલ ગમે ત્યારે કરી શકે છે. આ બેગની ઉત્પાદન કિંમત પણ વ્યાજબી હોઇ કોઇપણ વ્યકિતને તે પરવડી શકે તેમ છે. આથી સ્ટાર્ટઅપનો આઇડીયા માર્કેટેબલ હોવાથી ચેમ્બર દ્વારા આ સોલ્યુશન આપનાર વિદ્યાર્થીઓને ડિઝાઇન થિન્કીંગ વર્કશોપના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ તેઓને મેન્ટરશીપ પૂરી પાડવા અને ઇન્કયુબેશન માટે મદદ કરવાની જવાબદારી ચેમ્બરે લીધી હતી.

ટેકસટાઇલની સમગ્ર વેલ્યુ ચેઇનમાં ઓનલાઇન બીટુબી સર્વિસ પોર્ટલ બનાવવાનું સોલ્યુશન મળ્યું

ફર્સ્ટ રનર્સ અપ આવેલા વિદ્યાર્થીઓ પૂજન સ્માર્ત, પંકતી શાહ અને હાર્દવી રાજ્યગુરુ દ્વારા સુરતમાં ટેકસટાઇલ ક્ષેત્રે આખા વેલ્યુ ચેઇનમાં ઓનલાઇન બીટુબી સર્વિસ પોર્ટલ બનાવવાનું સોલ્યુશન આપવામાં આવ્યું હતું. જેના થકી આખા ટેકસટાઇલ વેલ્યુ ચેઇનમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો જે ઇશ્યુ છે તેના ઉપર સોલ્યુશન આપવામાં આવ્યું હતું. ઓનલાઇન બીટુબી ફેસિલીટી દ્વારા ખરીદ–વેચાણની વ્યવસ્થા આપવામાં આવશે. પેમેન્ટ સિકયુરિટી મિકેનીઝમ, સેન્ટ્રલ વેર હાઉસિંગ, ડિલીવરી મેનેજમેન્ટ થકી ટેકસટાઇલ માર્કેટ એરીયામાં ટ્રાફિક મેનેજમેન્ટ કરી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મદદરૂપ રહેવા સોલ્યુશન આપવામાં આવ્યું હતું. ચેમ્બર દ્વારા વિદ્યાર્થીઓની આ ટીમને પણ પ્રોત્સાહિત કરી તેઓને મેન્ટરશીપ પૂરી પાડવા અને ઇન્કયુબેશન માટે મદદ કરવાની જવાબદારી ચેમ્બરની ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ કમિટીએ લીધી હતી.

સ્ટાર્ટઅપના ગાઇડન્સ માટે ચેમ્બરનો સંપર્ક કરી શકાશે
દક્ષિણ ગુજરાતના કોઇપણ ઉદ્યોગ સાહસિક અથવા વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ માટે સારો આઇડીયા વિચારતા હશે અથવા તેઓની પાસે સારો આઇડીયા હોય પણ તેઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે સ્ટાર્ટઅપ શરૂ કરવાની દિશામાં આગળ વધી શકયા ન હોય તો તેઓ પણ ચેમ્બરનો (૦ર૬૧–રર૯૧૧૧૧) સંપર્ક કરી શકશે. સાથે જ ઓનલાઇન લીન્ક https://bit.ly/3cQOVyp ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે.