DIAMOND TIMES –ઓસ્ટ્રેલિયાની ખાણમાથી રશિયન ડોલ પ્રકારનો વિશ્વનો બીજો ડાયમંડ મળી આવ્યો છે. રશિયન ડોલ કે મેટ્રીયોશકા તરીકે ઓળખાતા 0.844-કેરેટ વજનના મળી આવેલા આ ફ્લેટ ત્રિકોણાકાર ડાયમંડની અંદર એક પોલાણ છે.આ પોલાણની અંદર 0.001 કેરેટ વજનનો અન્ય એક નાનો હીરો મુક્તપણે ફરી શકે તેવી તેની કુદરતી રચના છે.જે રશિયન ડોલ પ્રકારના હીરાની મુખ્ય ખાસિયત છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સ્થિત એલેન્ડેલ એલોવિયલ ડિપોઝિટના દક્ષિણ ભાગમાંથી આ દુર્લભ હીરાને શોધી કાઢનાર ખાણ કામ ક્ષેત્રની કંપની ઈન્ડિયા બોર ડાયમંડ હોલ્ડિંગ્સ(IBDH)ના ડિરેક્ટર પેટ્રિક સ્ટ્રિન્જરે કહ્યુ કે જ્યારે અમારા નિષ્ણાંતોએ તેને પહેલી વાર જોયો અને હીરાની દુર્લભતાની ઓળખ કરી ત્યારે પ્રથમ નજરે તેઓ વિશ્વાસ કરી શક્યા ન હતા.
રશિયન પ્રજાસત્તાક યાકુતિયામાથી ઓક્ટોબર 2019માં ઓલરોઝા કંપનીને મળી આવેલા આ પ્રકારના દુર્લભ હીરાને રશિયન ડોલ ડાયમંડ નામ આપવામાં આવ્યુ હતુ.વિશ્વના પ્રથમ દુર્લભ 0.62 કેરેટના જાંબલી રંગના આ મેટ્રીયોષ્કા હીરાની અંદર 0.03 કેરેટનો અન્ય એક અલગ હીરો આવેલો છે.આ ક્ષેત્રના જાણકારોના મત્તે આ પ્રકારના હીરા અત્યંત દુર્લભ ગણાય છે અને તે કુદરતી રીતે મળવા અત્યંત મુશ્કેલ છે.