કપાસનાં ભાવ ત્રણ વર્ષની ઊંચી સપાટીએ,જાણો ખાંડીએ કેટલા વધ્યા ભાવ

207

ડાયમંડ ટાઈમ્સ

કોટનના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.કપાસમા ખાંડીએ વધુ રૂ. 300ની મજબૂતીએ ભાવ રૂ. 45500ની ત્રણ વર્ષની ટોચ પર જોવા મળ્યાં હતાં. ભારતીય કોટનની વૈશ્વિક માગમાં વૃદ્ધિ વચ્ચે આવકો ઘટતાં ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. સરકારી એજન્સી સીસીઆઈ સતત તેના ભાવ વધારી રહી છે. જેની અસરો પણ ભાવ પર પડી રહી છે.

ચાલુ સપ્તાહે કોટનના ભાવ ખાંડીએરૂ.500-700 વધ્યાં છે. અગાઉના સપ્તાહે તે રૂ. 45000 દર્શાવી સાધારણ ઘટયાં હતાં. જોકે અંતિમ ચાર દિવસોમાં તે નવી ઊંચાઈ પર પહોંચ્યાં છે. દેશમાં લગભગ ૬૫ ટકા કોટનની આવકો થઈ ચૂકી છે. અને હવે દૈનિક ધોરણે આવકો એક લાખ ગાંસડીથી પણ ઓછી જોવા મળી રહી છે. ભાવમાં સુધારાને કારણે ખેડૂતોનો એક વર્ગ બજારમાં માલ લાવતો અટક્યો છે અને તેને કારણે દેશમાં કુલ 85 હજાર ગાંસડીની આવકો જોવા મળે છે. જે પખવાડિયા અગાઉ 1.25 લાખ ગાંસડી હતી.

ગુજરાતમાં ૨૭ હજાર ગાંસડીની આવકો જોવા મળે છે. હવે 90-95 લાખ ગાંસડી માલ આવવાનો બાકી છે. જે આગામી ચાર મહિનાઓમાં ધીમે-ધીમે બજારમાં આવશે એમ વર્તુળો જણાવે છે. કોટનના ભાવ છેલ્લા ઘણા સમયથી સરકાર નિર્ધારિત લઘુતમ ટેકાના ભાવથી ઉપર ચાલી રહ્યાં છે અને તેથી સીસીઆઈની બજારમાં દરમિયાનગીરી ઓછી થઈ છે. તેની ખરીદી ખૂબ ઘટી છે. આમ જીનર્સને થોડીક રાહત મળી છે. જોકે એજન્સીએ ગઈ સિઝન જેટલી ખરીદી કરી લીધી હતી અને હાલમાં તે મિલર્સને દૈનિક ધોરણે નોંધપાત્ર માલ વેચી રહી છે. વર્તુળોના મતે યાર્ન ઉત્પાદકો માટે ચાલુ વર્ષ ખૂબ સારં છે અને તેમને ખૂબ સારા માર્જિન મળી રહ્યાં છે. નિકાસ માગ પણ સારી છે અને તેથી ભાવથી તેમને કોઈ તકલીફ નથી. બીજી બાજુ નિકાસ માર્કેટમાં પણ ભારતીય માલ ખૂબ સસ્તો છે અને તેથી ૫૦-૫૫ લાખ ગાંસડીની નિકાસ શક્ય છે. હાલમાં ચીન, વિયેટનામ અને બાંગ્લાદેશ તો માલ ખરીદી જ રહ્યાં છે પરંતુ પાકિસ્તાન પણ બજારમાં ખરીદી માટે આવી શકે છે. જેની પાછળ કોટનના ભાવમાં રૂ1000નો ઉછાળો સહજ છે.