ગ્રાહકોના કિંમતી દાગીના ક્લિનિંગ માટે લઇ પરત ન કરનારા જ્વેલર્સની ધરપકડ

DIMAOND TIMES : અમેરિકાના ઓકલાહોમામાં પોલીસે એક જ્વેલરી સ્ટોરના માલિકની ધરપકડ કરી છે. સ્ટોરના માલિક પર કેટલાક ગ્રાહકોએ છેતરપિંડીના આક્ષેપો કર્યા હતા. ગ્રાહકોની ફરિયાદ હતી કે તેઓએ ક્લિનિંગ માટે આપેલી તેમની કિંમતી વસ્તુઓ જ્વેલર્સને આપી હતી જે પરત મળી નથી.

પોતાના દાગીના પરત ન મળતાં લોકોએ તુલસા, ઓક્લાહોમા, યુએસએમાં જ્વેલરી લિક્વિડેશનના માલિક 46 વર્ષીય પૌલ વિલિયમ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્ટોર અચાનક બંધ થયો હોવાની માહિતી મળી હતી.

ઓછામાં ઓછા એક ડઝન ગ્રાહકોએ પોલીસને ફરિયાદ નોંધાવ્યા બાદ અને ફેસબુક પર પીપલ રિફ્ડ ઓફ બાય પોલ વિલિયમ્સ ગ્રુપ બનાવીને ન્યાય માંગતા પોલીસે છેલ્લે વિલિયમ્સની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો હતો.

ડિટેક્ટીવ્સના અહેવાલ મુજબ તેણે મૂળ માલિક/ગ્રાહકની સંમતિ વિના નાણાકીય લાભ માટે ઘરેણાં બારોબાર વેચી દીધા હતા. તેના પર ખોટા બહાના હેઠળ પૈસા અથવા મિલકત મેળવવાનો, કર્મચારી દ્વારા ઉચાપત કરવાનો અને માલિકીની ખોટી જાહેરાતની ફરિયાદનો આરોપ મૂકવામાં આવ્યો છે.