DIAMOND TIMES – દેશમાં વ્યાપક પ્રમાણમાં મોટી રકમની ખરીદી અને ખર્ચ છતાં પણ કરદાતાઓની સંખ્યામાં નિર્ધારીત લક્ષ્યાંક પ્રમાણે વધારો નહી થતા સરકારે હવે લોકોના ખર્ચ બચત તથા આવકના ડેટા માટે વધુ માહિતી મેળવવા આવક વેરાના કાયદામાં સુધારો કર્યો છે.આવક વેરા કાયદામાં સુધારા થકી સરકારે એવી ખાસ સિસ્ટમ બનાવી છે કે હવે ખર્ચ,આવક કે બચત કે રોકડાનો એક પણ વ્યવહાર સરકારથી છૂપો નહી રહે.
સરકાર હવે નાની મોટી ખરીદીમાં ટેકસ કલેકશન એટ પેમેન્ટની નવી સિસ્ટમ અમલમાં મુકવામાં જઇ રહી છે. જેમા રોકડ વ્યવહારોને વધુ મર્યાદીત કરાશે.આ ઉપરાંત પોસ્ટ ઓફિસ,વિમા કંપનીઓ અને કલેકશન સેન્ટરના ડેટાનું પણ વધુ સારી રીતે વિશ્ર્લેષણ કરીને ખર્ચ અને આવક ટેકસના દાયરામાં આવી શકતા હોય તેવા લોકોને ઓળખી કાઢી તેને નોટીસ ફટકારશે.
આવક વિભાગની જુની સિસ્ટમમાં કેટલીક ખામીઓ અને મર્યાદાઓ હતી.જુની સિસ્ટમ મુજબ અત્યાર સુધી સરકાર વિવિધ નાણાકીય વ્યવહારના ડેટાના આધારે વિશ્ર્લેષણ કરીને ટેકસની ચોરીનો આંકડો મેળવતી હતી. જેમાં બેંકો , નાણાકીય સંસ્થાઓ અને માત્ર શેરબજારનો જ સમાવેશ થતો હતો. શેરબજાર, બેંકો અને નાણાકીય સંસ્થાઓ પ્રતિ વર્ષ 31 મે પૂર્વે જે તે વર્ષના માર્ચ સુધીના આ પ્રકારના વ્યવહારોની માહિતી સરકારને આપતી હતી.ઉપરાંત આવક વેરા રિટર્ન પ્રિ-ફિલ્ડની નવી સિસ્ટમ મુજબ જે તે વ્યકિતની બચત પરના વ્યાજ, શેરબજારના રોકાણ ઉપરનો નફો વગેરેની માહિતી કરદાતાઓને અગાઉથી જ આપી દેવામાં આવતી હતી.
પરંતુ હવે નવા નોટીફિકેશનમાં સ્ટોક એકસચેન્જ ડિપોઝીટરી, કિલીયરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વિવિધ મિલકત નોંધણીની રજીસ્ટ્રાર કચેરીઓ, બેંકો અન્ય ફાયનાન્સીયલ કંપનીઓ, પોસ્ટ ઓફિસો તથા નોન બેંકીંગ ધિરાણ કરનાર કંપનીઓએ પણ તેમના ડેટા સરકારને આપવા પડશે.આ તમામ સંસ્થાઓએ દર વર્ષે 31 મે પૂર્વે જે તે વર્ષના માર્ચ સુધીના દરેક વ્યવહારોની માહિતી સરકારને આપશે.જેનાથી ભારતના એક પણ નાગરીકે કરેલા ખર્ચ,આવક કે બચતનો એક પણ વ્યવહાર હવે સરકારથી છૂપો નહી રહે.
સરકારના પ્રિન્સીપાલ ડિરેકટર જનરલ ઓફ ઇન્કમટેકસ વિભાગે આ પ્રકારની માહિતીઓ એકઠી કરવા અત્યંત અધતન સિસ્ટમ અપનાવી છે.આ સિસ્ટમની મદદથી કેપીટલ ગેઇન,શેર અને સિકયોરીટીના વેચાણ,ડિવીડન્ડ અને વ્યાજ પરની આવકના આંકડા પણ સરકાર આસાનીથી મેળવી શકશે. એટલુ જ નહી જીએસટી ઓથોરીટી સાથે પણ ડેટાના આદાન પ્રધાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આવક વેરા વિભાગે તેના કાયદામાં ઉપર મુજબનો સુધારો કરી તેને તાત્કાલીક અસરથી લાગુ પણ કરી દીધો છે. ઉપરાંત સરકાર રોકડ વ્યવહારોને કડક રીતે નિયંત્રિત કરવા સરકાર ઝડપથી કામ કરી રહી છે.ઉપરોક્ત પગલાઓ થકી કરદાતાઓનો વ્યાપ વધારવાનો અને કરચોરીને સખત રીતે ડામવાનો સરકારનો ઉદ્દેશ્ય છે.