શ્રીલંકામાં મળી આવેલા 310 કિગ્રા વજનના નીલમણીની કિંમત ધારણા કરતા અનેક ગણી ઓછી

312

DIAMOND TIMES : જુલાઇ 2021 માં શ્રીલંકામાં કુવો ખોદતી વખતે 310 કિગ્રા વજનનો એક વિશાળ સેફાયર (નીલમ) મળી આવ્યો હતો. આ સેફાયરને ખરીદવા માટે દુબઇની એક કંપનીએ રેકોર્ડ બ્રેકિંગ 100 મિલિયન ડોલરની કિંમત ઓફર કરી હતી. જો કે હવે આ વિશાળ રત્ન નીલમ એક મ્યુઝિયમનું પીસ બનીને રહી ગયો છે.

જુલાઇ 2021માં શ્રીલંકાના રત્નાપુરામાં જેમ ટ્રેડર્સના બગીચામાં મજુરો કુવો ખોદી રહ્યાં હતા. એ દરમિયાન 310 કિગ્રા (1,550,000 કેરેટ) વજનનો સેફાયર કામદારોને મળી આવ્યો હતો. શ્રીલંકાની નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના અધિકારીઓએ આ રત્નને વિદેશમાં પરીક્ષણ માટે મોકલી આપ્યો હતો. દરમિયાન આ સેફાયરને ખરીદવા માટે દુબઇની એક કંપનીએ રેકોર્ડ બ્રેકિંગ 100 મિલિયન ડોલરની કિંમત ઓફર કરી હતી.

જો કે હવે આ સેફાયર માત્ર એક મ્યુઝિયમનું પીસ બનીને રહી ગયો છે. શ્રીલંકાના અધિકારીઓએ મીડીયાને માહીતી આપતા કહ્યું કે પ્રારંભમાં તેની અપેક્ષિત કિંમત 100 મિલિયન ડોલર અંદાજવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં તેની કિંમત 10,000 ડોલર કરતાં વધુ નથી. આ કિંમત તેની અપેક્ષિત મુલ્યના હજારમા ભાગ કરતા પણ ઘણી ઓછી છે. અધિકારીઓએ કહ્યું કે આ પ્રાકૃતિક કોરન્ડમ નીલમ એક એન્ટિક પીસ હતો, જે હાલ મ્યુઝિયમમાં છે.

આ કુદરતી રત્ન નીલમ જ્યારે મળી આવ્યો તે સમયે દુબઈના એક અનામી બિડર તરફથી 100 મિલિયન ડોલરની ઓફર કરવામાં આવી હતી. જેના પર શ્રીલંકાની સરકાર વિચાર કરી રહી હતી. પરંતુ ક્લસ્ટરની અંદર રહેલા નીલમની ગુણવત્તા સ્થાપિત થવાની બાકી હતી. મીડિયા અહેવાલો અનુસાર જેમ્સ અને જ્વેલરી રાજ્ય મંત્રી લોહાન રતવટ્ટે પણ તે સમયે આ નીલમની કિંમત 100 મિલિયન ડોલરથી વધી ડબલ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ હવે આ તમામ શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ છે.