ડાયમંડ ટાઈમ્સ
એક વખત કોરોનાની ઝપેટમાં આવીને કોરોના મુકત થયેલા લોકોમાં કોવિશીલ્ડ રસીની ખુબ ઝડપથી અસર થાય છે. તેમનામાં એન્ટી બોડી વધુ બને છે. કેટલાક કેસમાં રસીનો બીજો ડોઝ પણ ન આપવો પડે તેવી આશા જાગી છે. દેશમાં 2.60 લાખથી વધુ વડીલો મંગળવાર સુધીમાં રસી લઇ ચુકયા છે. સોમવારે 1.29 લાખ બાદ મંગળવારે આ આંકડો ર.60 લાખથી વધુ થઇ ગયો હતો. રસીકરણ વધવાથી કોરોના કાબુમાં આવશે તેમ ઓકસફર્ડના તજજ્ઞોએ આશા વ્યકત કરી છે .નિષ્ણાંતોએ આ આંકડાને ઉત્સાહજનક ગણાવી કહયું કે રસીકરણ બાદ સંક્રમણની ગંભીર અસર દેખાતી નથી.
ભારત બાયોટેક અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઇસીએમઆર) ના કોરોના ડોઝના ત્રીજા તબકકામાં પરિણામ સામે આવ્યા છે. કંપનીએ જણાવ્યુ કે ત્રીજા તબકકામાં આ રસી 81 ટકા અસરકારક દેખાઇ છે.આ ટ્રાયલમાં આજ સુધીના સૌથી વધુ 25800 લોકોને રસી અપાઇ હતી. સરકારે અગાઉ જ આ વેકસીનના ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપી હતી. અને વડાપ્રધાન મોદીએ પણ આ જ ડોઝ લીધો છે. ભારત બાયોટેકના એમ.ડી. ડો. કૃષ્ણા ઇલ્લાએ કહયુ હતુ કે આ વેકસીન વિકાસ, વિજ્ઞાન અને કોરોના વાયરસ સામેના જંગમાં મહત્વની છે. આ પરિણામ બાદ કોરોનાના નવા સ્ટ્રેનને રોકવામાં પણ રસી સક્ષમ સાબિત થશે.
ઓકસફર્ડ યુનિ.ની વેબસાઇટ પર જણાવાયું છે કે કોવિશીલ્ડ ઝડપથી અસર દેખાડે છે.ડેટા મુજબ ફાઇઝર અને એસ્ટ્રાજેનેકાની રસી 70 વર્ષથી મોટા વડીલો પર વધુ અસરકારક છે.આ ઉંમરના લોકોને બંને રસી સંક્રમણ સામે 60 ટકા સુરક્ષા આપે છે.રિપોર્ટ મુજબ 80 વર્ષથી ઉપરના લોકોમાં બે પૈકી કોઇ એક ડોઝ પણ ત્રણ-ચાર સપ્તાહ બાદ 80 ટકા અસરકાર છે.એક ડોઝ લઇએ તો પણ કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ભય 80 ટકા સુધી ઘટી જાય છે.