ડાયમંડ ટાઇમ્સ
રશિયાની અગ્રણી રફ ઉત્પાદક કંપની અલરોઝા વિશ્વમાં વિવિધ સ્થળોએ અત્યાર સુધીમાં કુલ 99 સફળ રફ ઓક્શન આયોજીત કરી ચુકી છે.હવે આગામી 14 થી 21 માર્ચ દરમિયાન અલરોઝા દુબઈમાં એલોરસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ખાતે 100મું રફ ઓક્શન આયોજીત કરીને શાનદાર સેન્ચુરી ફટકારવા જઈ રહી છે. સફળતાનું સીમાચિહ્ન સ્થાપિત કરીને અલરોઝા દુબઈ રફ ઓક્શનને ખાસ અને યાદગાર બનાવવા માંગે છે.દુબઇ રફ ઓક્શનમાં 21.7 x 31.3 x 41.9 મીલિમીટર ડાયમેન્શન ધરાવતાં જેમ ક્વોલિટીનાં 242 કેરેટના મુલ્યવાન અને અત્યંત દુર્લભ ગણાતા ખાસ રફ હીરાને હરાજીમાં મુકવાની અલરોઝાએ જાહેરાત કરી છે. જેને લઈને હીરા ઉદ્યોગમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
અલરોઝા રફ ઓકશનની 100મી એનિવર્સરીના સન્માનમાં દુબઈ રફ ઓક્શનમાં 242 કેરેટ વજનનાં રફ હીરાની સાથે અન્ય પણ કેટલાક યુનિક રફ હીરા વેંચાણ અર્થે પ્રદર્શનમાં મુકવાની જાહેરાત કરી છે. જેમા 100 કેરેટથી વધુ વજન ધરાવતા અન્ય કેટલાક રફ હીરાઓ પણ સામેલ છે.
દુબઈ ઓક્શન અલરોઝા માટે છે ખાસ :એવજેની એગુરીવે અલરોઝાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ડેપ્યુટી જનરલ ડિરેક્ટર એવજેની એગુરીવે દુબઈ રફ ઓક્શનને લઈને કહ્યુ હતુ કે રશિયન સરકારના કાયદાઓ મુજબ 50 કેરેટથી વધુ મોટા હીરાને સરકારી સંપતિ તરીકે મુલવણી કરવામાં આવે છે. આવા મુલ્યવાન અને દુર્લભ રત્નોને સરકારી તિજોરીમા રાખવામાં આવે છે અને તેનુ ઓપન બજારમાં વેંચાણ કરી શકાતુ નથી.પરંતુ અલરોઝા રફ ઓક્શનની 100મી એનિવર્સરીના સન્માનમાં દુબઈ રફ ઓક્શનમાં ખાસ કેસ હેઠળ મોટી સાઈઝના હીરા વેચાણ માટે મુકી રહી છે. વર્ષ 2003માં મોસ્કો સ્થિત યુનાઇટેડ સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં પણ ખાસ કેસ હેઠળ અલરોઝાએ મોટા કદના હીરાની હરાજી કરી હતી.ત્યારબાદ દુબઈમાં મોટા હીરાની આ બીજી હરાજી થવાની છે.જેનાથી અમો ખુબ ખુશ છીએ.દુબઈ ઓક્શનમાં દુર્લભ 242 કેરેટના રફ હીરાની સાથે 190.74 કેરેટ અને 136.21 કેરેટના અન્ય બે હીરા સહીત અન્ય કેટલાક હીરાઓ પ્રદર્શન કમ વેચાણ માટે મુકવામા આવનાર છે.