ઉંચા ભાવે ખરીદેલી રફનું અલરોઝા તેના ગ્રાહકોને વેંચાણ કરશે ?

1092

રફની અછત દુર કરવા એલોરોઝાએ ગોખરાન પાસેથી ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરતા આગામી સમયમા અલરોઝાના રફ હીરાની કીંમતોમાં વધારો થવાની જાણકારો સંભાવનાઓ વ્યકત કરી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે અલરોઝાના રફ હીરામાં પાછલા છ મહીનામાં 16 ટકાનો વધારો નોંધાયો છે.

DIAMOND TIMES – વર્તમાન સમયની રફ હીરાની ડીમાન્ડ વચ્ચે રફ હીરાના પુરવઠાની અછતને નિવારવા રશિયા ની રફ કંપની એલોરોઝાએ ગોખરાન પાસેથી ઉંચી કીંમતે રફ હીરાની ખરીદી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.અત્રે જણાવી દઈએ કે ગોખરાન રશિયન સરકારના નાણા મંત્રાલય હસ્તકની કંપની છે.જે ખાસ નિયમો હેઠળ જ રશિયાની ધરતીમા થી ઉત્પાદીત કીંમતિ ધાતુ,હીરા અને રત્નોનો સંગ્રહ અને ખરીદ-વેંચાણ કરે છે.

અહેવાલ મુજબ રશિયાની રફ કંપની અલરોઝાએ ગોખરાન પાસે રહેલા હીરાના કુલ જથ્થા પૈકી અંદાજીત 70 ટકા રફના જથ્થાની ટેન્ડર દ્વારા ખરીદી કરી છે. અલરોઝાએ ગોખરાન પાસેથી ખરીદેલા રફ હીરાના જથ્થો કે તેનું મુલ્ય જાહેર કરવા માં આવ્યુ નથી,પરંતુ ગોખરાનની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલા દસ્તાવેજ મુજબ રફ હીરાનું મુલ્ય 114 મિલિયન ડોલર છે. જ્યારે હીરાનો જથ્થો ફક્ત 1 મિલિયન કેરેટ બતાવવામાં આવ્યો છે. જેના પરથી રફની ખરીદીનો પ્રતિ કેરેટ ભાવ 114 ડોલર અંદાજવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનિય છે કે રફના પુરવઠાની તુલનાએ માંગ વધતા પાછલા છ મહીના દરમિયાન અલરોઝાના રફ હીરાના સૂચકાંકમાં 16 ટકાનો વધારો થયો છે.ગત 30 જૂન સુધીમાં એલરોઝાના રફ હીરાનો જથ્થો 68 ટકા ઘટીને 8.4 મિલિયન કેરેટ થયો હતો.જે વર્ષ 2015 પછીનો સૌથી ઓછો જથ્થો છે.

રફનો જથ્થો ટૂંક સમયમાં બજારને સંતુલિત કરશે : અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરિવે

અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરિવે કહ્યું કે કોરોના મહામારીના કારણે રફ ઉત્પાદન પ્રભાવિત થયુ છે.તો બીજી તરફ રફ હીરાની માંગ સતત વધી રહી છે . જેથી અમારા કાયમી અને વિશ્વસનિય ગ્રાહકોની જરૂરીયાતને પુર્ણ કરવા અમોએ હરાજી દ્વારા ગોખરાન પાસેથી રફ હીરાની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. આ સોદો અમારા માટે ખુબ જ મહત્વનો હતો કારણ કે અમારા નિયમિત ગ્રાહકો તરફથી આવતી રફની માંગને પહોંચી વળવા પૂરતો જથ્થો ન હતો. જેથી અમોએ ગોખરાન પાસેથી રફ હીરાની ખરીદી કરી છે . તેનાથી ગ્રાહકોની માંગને સંતોષવા અમો સક્ષમ બન્યા છીએ.આ રફનો જથ્થો ટૂંક સમયમાં કટીંગ અને પોલિશિંગ સ્ટેજ તરફ આગળ વધશે અને સમગ્ર હીરા બજારને સંતુલિત કરવામાં ફાળો આપશે.