અલરોઝાએ કેટલીક જુની સાઈટ હોલ્ડર્સને કંપનીઓને પાણીચુ પકડાવી નવી કંપનીઓને સાઈટ હોલ્ડર્સમાં સ્થાન આપ્યુ

28

DIAMOND TIMES –રશિયાની અગ્રણી રફ કંપની અલરોઝાએ તેમના માનવંતા ગ્રાહકોને રફ હીરાની વધુ અનુરૂપ પસંદગી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અગાઉની સાઈટ હોલ્ડર્સ કંપનીઓના પર્ફોમન્સ અને પરિણામોને આધાર બનાવી કેટલીક જુની સાઈટ હોલ્ડર્સ કંપનીઓને પાણીચુ પકડાવી દીધુ છે.ઉપરાંત તેમના સ્થાને સક્ષમ અને વિશ્વસનીય હીરાની 51 કંપનીઓ અને 10 ઔદ્યોગિક એકમોનો નવા સાઈટ હોલ્ડર્સ તરીકે સમાવેશ કરી તેમના નામોની યાદી જાહેર કરી કરી છે.ઉલ્લેખનિય છે કે તમામ મહત્વના પાસાઓ, ક્ષમતાઓ અને વિશ્વસનિયતાના આધારે અલરોઝએ વીણી વીણીને પસંદ કરેલી સાઈટ હોલ્ડર્સની યાદીમાં સમાવિષ્ટ ચુનંદા હીરાની કંપનીઓ અને અલરોઝા વચ્ચે થયેલા કરારો આગામી 1 જાન્યુઆરી 2022થી 2024 સુધી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

અલરોઝાએ સાઈટ હોલ્ડર્સ તરીકે નવનિયુક્ત કરેલી હીરાની કંપનીઓ અલરોઝા એલાયન્સની સભ્ય કંપની તરીકે ઓળખાય છે.વળી અલરોઝા એલાયન્સની સભ્ય કંપનીઓએ બિઝનેસ આચરણના ઉચ્ચ ધોરણોને અનુસરીને અલરોઝા એ ઘડેલા સિદ્ધાંતોનું ફરજિયાત પાલન કરવાનું રહે છે.અલરોઝાએ નવી યાદીમાં ટ્રેડીંગ , ડાયમંડ કટિંગ તેમજ પોલિશિંગ- ટ્રેડિંગ મળી કુલ ત્રણ કેટેગરીમાં અલરોઝા એલાયન્સની સભ્ય કંપનીઓની પસંદગી કરી છે.

લાંબા ગાળાના તમામ જવાબદાર ગ્રાહકોએ બેસ્ટ બિઝનેસ પ્રેક્ટિસ પર અલરોઝા એલાયન્સ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ :અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની અગુરીવ 

અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની અગુરીવે પ્રતિભાવ આપતા કહ્યુ કે એલાયન્સની સભ્ય ગ્રાહક કંપનીઓની રફ હીરાની માંગને સંતોષવા અવિરત રફ હીરાના પુરવઠાની સ્થિરતા લાવવા અમો પ્રતિબધ્ધતા સાથે આગળ વધવા માંગીએ છીએ.આ ઉપરાંત રફ બજારને નબળું પાડવામાં મુખ્ય ભુમિકા ભજવતા સટ્ટાકીય સેન્ટિમેન્ટ્સને ખતમ કરીને એક ઉત્તમ વ્યવસ્થા સેટ કરવા માંગીએ છીએ.આ બાબતને ધ્યાને રાખી રફ હીરાના કારોબારને પારદર્શક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહકો સાથે સતત સંપર્કમાં રહેવા માંગીએ છીએ.

અમોને વિશ્વાસ છે કે અમારા આ પગલાથી અલરોઝા એલાયન્સના સભ્યો માટે રફ હીરાના પુરવઠા અને માંગને સંતુલિત કરવામાં પણ મદદ મળશે. અમો સમગ્ર હીરા પુરવઠા શૃંખલામાં જવાબદાર વ્યવસાય આચરણની બાંયધરી પર ખૂબ ધ્યાન આપીએ છીએ.જેથી લાંબા ગાળાના તમામ જવાબદાર ગ્રાહકોએ બેસ્ટ બિઝનેસ પ્રેક્ટિસ પર અલરોઝા એલાયન્સ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.જે UN દસ્તાવેજો,રશિયન ફેડરેશનના કાયદાઓ અને ઉદ્યોગ સ્તરે જવાબદાર ધોરણોને લાગુ કરવા માટેની શ્રેષ્ઠ-પ્રેક્ટિસ પહેલ પર આધારિત છે.