DIAMOND TIMES : વિશ્વભરમાં અડધાથી વધુ રફ હીરાનો વેપાર કરનારી રશિયન સરકારની માલિકી હેઠળની હીરા કંપની અલરોસા 9 મેના રોજ રફ હીરાની હરાજી કરવા જઇ રહી છે. સુરતના હીરા ઉદ્યોગકારોની આ હરાજી પર નજર રહેશે. આ ભાવ ખુલ્યા બાદ જ અલરોસાએ નાના હીરાના ભાવમાં આ વખતે વધારો કર્યો છે કે ઘટાડો એની ખબર પડશે. ઉલ્લેખનીય છે કે જ્વેલરી બનાવવાં માટે નાના હીરાની માંગ સૌથી વધારે રહે છે એ જ કારણ છે કે સુરતમાં કટિંગ એન્ડ પોલિશિંગ કરનારી કંપનીઓમાં નાના હીરા માટે સારી એવી કિંમત ચૂકવવાં તૈયાર રહે છે.
નાના હીરામાં મહારત હાંસલ કરનારી રશિયન હીરા કંપની અલરોસા જો પોતાના નાના હીરાના ભાવમાં મોટો તફાવત લાવશે તો તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગને થશે. જો નાના રફ હીરાનો ભાવ વધશે તો જ્વેલરી મેન્યુફેક્ચર પર તેની અસર થશે અને તેને લીધે જ્વેલરીના ભાવમાં વધારો પણ થવાની સંભાવના રહે છે. યુક્રેન પર હુમલા બાદ દુનિયાભરના દેશો અને વેપારી સંગઠનોએ રશિયા પર પ્રતિબંધો લાગુ કર્યા છે એવામાં અલરોસાએ છેલ્લા કેટલાક સમયથી નાના હીરાનું વેચાણ જ બંધ કરી દીધું હતું. વેચાણ બંધ કરી દેવાના લીધે વૈશ્વિક બજારમાં નાના હીરાની સ્પષ્ટ અછત વર્તાઇ રહી હતી. હવે આગામી 9 મેના રોજ અલરોસા દ્વારા હરાજી રાખવામાં આવી હોવાની વિગતો જાણવા મળતા સુરતમાં હીરા ઉદ્યોગકારોને હાશ થઇ છે. આ હરાજીમાં જે ભાવ પડે તેના પર સુરતમાં હીરાઉદ્યોગની આગામી સ્થિતિ નક્કી થાય તેમ છે.
નોંધનિય છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે રશિયન હીરાકંપની અલરોસામાંથી નીકળતા હીરાની ખરીદી કરવા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો, તેમ છતાં હીરાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જો કે રશિયાથી આ હીરા સીધાં ભારત આવવાને બદલે હવે દુબઇ, હોંગકોંગ મારફતે ભારતમાં આવી રહ્યા છે. અત્રે એ પણ નોંધવા જેવું છે કે સમગ્ર વિશ્વમાં રશિયન હીરા માઇનિંગ કંપની અલરોસાની રફનું વેચાણ માત્ર નવ જ ઉદ્યોગકારોને કરવામાં આવતું હોય છે. કંપનીએ આ નવ મોટા ઉદ્યોગકારોને સાચવવાના હોય છે. આ પહેલા કંપની 30થી વધુ ઉદ્યોગકારોને હીરાની રફ નિકાસ કરી રહી હતી. રશિયા-યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે રશિયન માઇનિંગ કંપનીએ એવો નિર્ણય કર્યો હતો કે તે પોતાની રફ માત્ર નવ જ ઉદ્યોગકારોને આપશે. તેમાં વેપાર પણ સારો મળવાની સાથે નાણાં પણ ઝડપથી મળી રહ્યા હોવાથી તેઓએ આ નિર્ણય કર્યો હતો. તેનો સીધો ફાયદો નવ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા હોવાની પણ ચર્ચા સુરતના હીરાઉદ્યોગકારોમાં થઇ રહી છે.