આગામી વર્ષોમાં રફ હીરાનું ઉત્પાદન 20 થી 25 ટકા નીચે રહેવાની અલરોઝાની ધારણા

27

રફ હીરાના પુરવઠાની અછતના પગલે અલરોઝાની આવકમાં નોંધાયો મોટો ઘટાડો

DIAMOND TIMES – રફ હીરાના પુરવઠાની અછતે માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનમાં ભારે સમસ્યા સર્જી છે . રફ હીરાના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં નંબર વનનું સ્થાન ધરાવતી રશિયાની રફ કંપની અલરોઝાને પણ રફ હીરાના પુરવઠાની તંગીના કારણે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.અહેવાલ મુજબ કેલેન્ડર વર્ષ 2021ના ત્રિમાસિક ગાળા માં અલરોઝાની આવકમાં 18 ટકાનો મોટો ઘટાડો થયો છે.ઉલ્લેખનિય છે કે હજુ પણ આગામી મહીનાઓમાં રફ હીરાના પુરવઠાની ખુબ મોટી સમસ્યા સર્જાવાની આ ક્ષેત્રના જાણકારો દહેશત રાખી રહ્યાં છે.

અહેવાલ મુજબ રફના પુરવઠાની અછતના પગલે અલરોઝાની આવકમાં આશરે 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના હતી.પરંતુ કંપનીએ રફ હીરાની કીંમતોમાં સરેરાશ 25 ટકા સુધીનો વધારો કરતા ઊંચા ભાવ સૂચકાંકના કારણે આવક સરભર કરવામાં મદદ મળતા આવક ઘટાડો 20 ટકાના બદલે 18 ટકા સુધી લાવવામાં અલરોઝા સફળ રહી હતી.ચાલુ કેલેન્ડર વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં અલરોઝાએ કુલ 9.2 મિલિયન કેરેટ રફ હીરાનું વેંચાણ કર્યુ છે.જેમા ગોખરાન સ્ટેટ રિપોઝીટરી પાસેથી ખરીદેલી 7 લાખ કેરેટ રફનો પણ સમાવેશ થાય છે.ઉલ્લેખનિય છે કે કેલેન્ડર વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં અલરોઝાએ 11.4 મિલિયન કેરેટ રફ હીરાનું વેંચાણ કર્યુ હતુ.જેની તુલનાએ ત્રીજા કવાર્ટરમાં રફ હીરાના વેંચાણમાં 2.2 મિલિયન કેરેટનો ઘટાડો થયો હતો.

રફના પુરવઠાની અછત એક મોટી સમસ્યા : એલેક્સી ફિલિપોવસ્કી

અલરોઝાના સીએફઓ એલેક્સી ફિલિપોવસ્કીએ જણાવ્યું હતું કે રફ હીરાની માંગ મજબૂત છે પરંતુ રફના પુરવઠાની અછત એક મોટી સમસ્યા છે.કેલેન્ડર વર્ષ 2021ના ત્રિમાસિક ગાળામાં મોટાભાગની રફ ઉત્પાકદ કંપનીઓ પાસે રફ હીરાનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે.હવે નવેસરથી ઉત્પાદિત હીરાની સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.તેમણે ઉમેર્યુ કે આગામી વર્ષોમાં રફ હીરાનું વૈશ્વિક ઉત્પાદન 20થી 25 ટકા નીચે રહેવાની ધારણા છે.વળી મજબૂત માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે પોલિશ્ડ અને રફ હીરાના ભાવમાં 2019ના શરૂઆતના સ્તરની સરખામણીમાં અનુક્રમે 9 ટકા અને 12 ટકાનો વધારો થયો છે.